‘ઇસરો’નો હનુમાન કૂદકો

Wednesday 07th June 2017 06:30 EDT
 
 

શ્રીહરિકોટાઃ ભારતે અવકાશ ક્ષેત્રે સોમવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેન (‘ઈસરો’)એ અત્યાર સુધીનું સૌથી વજનદાર ૬૩૦ ટનનું રોકેટ જીએસએલવી માર્ક-૩-ડી૧ને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યું છે. આ રોકેટે અંતરીક્ષમાં પહોંચતા જ કમ્યૂનિકેશન સેટેલાઈટ GSAT-19ને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં તરતો મૂકી દીધો છે. આ ઉપગ્રહ પણ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે, જેનું વજન ૩૧૩૬ કિલો છે.
 આ ઉપગ્રહને કારણે દેશમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા શક્ય બનશે. ૧૩ માળના બિલ્ડિંગ જેટલું ઊંચું આ રોકેટ સતીષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી સોમવારે સાંજે અવકાશમાં રવાના કરાયું હતું. આ રોકેટ તેની સાથે ૩૧૩૬ કિલોગ્રામ વજનનો GSAT-19 ઉપગ્રહ લઈ ગયું હતું અને ૧૬ મિનિટ બાદ સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં તરતો મૂકી દીધો હતો. GSAT-19ને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તરતો મૂકાયો હતો.
આ સિદ્ધિથી ઉત્સાહિત ‘ઈસરો’ના ચેરમેન એ. એસ. કિરણ કુમારે કહ્યું હતું કે ભારત માટે આજે ‘ઐતિહાસિક દિવસ’ છે. ૨૦૦૨થી આ પ્રોજેક્ટ માટે સખત મહેનત કરનારી વિજ્ઞાનીઓની ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતાના પગલે હવે ભારતનું ચંદ્રયાન-૨ મિશન સરળ બનશે. ૨૦૨૪ સુધીમાં ભારત સમાનવ અવકાશયાત્રા પણ યોજી શકશે.
ભુ-સ્થિર એટલે એવી કક્ષા કે જ્યાં ઉપગ્રહ એક સ્થળે સ્થિર રહી પૃથ્વીનું સ્કેનિંગ કરતો રહે છે. જેથી ઉપગ્રહ નીચેથી પસાર થતી ધરતીના બધા ભાગની તસવીર-માહિતી લઈ શકાય છે. આ ભ્રમણકક્ષા ૩૫,૭૮૬ કિલોમીટર ઊંચી હોય છે. જ્યારે જીએસએલવી માર્ક-થ્રી દ્વારા પૃથ્વીની નીચલી કક્ષામાં તો ૧૦ હજાર કિલોગ્રામ સુધીના ઉપગ્રહો લોન્ચ કરી શકાશે. નીચલી કક્ષા ૨ હજાર કિલોમીટર સુધી ઊંચી હોય છે.

માનવ મિશન સરળ

આ રોકેટની સફળતાથી હવે ‘ઈસરો’ દ્વારા અવકાશમાં માનવીને મોકલવાનો માર્ગ મોકળો થયો છે. આ માટે તેણે સરકાર પાસે ૧૨,૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ માગ્યું છે. જો બજેટ મંજૂર થશે તો સાત વર્ષના ગાળામાં આ મિશન સંભવ બનશે. ‘ઈસરો’એ સંકેત આપ્યો છે કે ભારતમાંથી પ્રથમ અવકાશયાત્રી મહિલા હશે.

માર્ક-૩ની વિશેષતા

માર્ક-૩-ડી૧ ત્રણ તબક્કામાં કામ કરતું વ્હીકલ છે, જે ૨૫ ટન વજનના સંપૂર્ણ સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જિનથી સજ્જ છે. જિયો સિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) સુધી સૌથી વધુ વજન ધરાવતા ઉપગ્રહ લઈ જવા માટે તે સક્ષમ છે. અથાગ પરિશ્રમ અને ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ રોકેટ તૈયાર કર્યું છે. ૧૩ માળનાં બિલ્ડિંગ જેટલી તેની ઊંચાઈ છે અને તે ૪૦૦૦ કિલો વજન સુધીના ભારે ઉપગ્રહ લોન્ચ કરી શકે છે. તેનું વજન આખા ભરેલા પાંચ બોઇંગ જમ્બો વિમાન કે ૨૦૦ હાથીઓ જેટલું છે. હાલ રશિયા, અમેરિકા અને ચીનની પાસે માણસને સ્પેસમાં મોકલવાની ક્ષમતા છે.

અંતે ‘નોટી બોય’ સફળ

‘ઈસરો’ને માર્ક-૩ની સફળતા માટે ચિંતા હતી કારણ કે તેના પ્રથમ ત્રણેય પરીક્ષણ ૧૯૭૯, ૧૯૯૩ ને ૨૦૦૧માં નિષ્ફળ ગયા હતા. નિષ્ફળતાને કારણે જ આ રોકેટ ‘નોટી બોય’ તરીકે ઓળખાય છે. મજાકમાં કેટલાક આ GSLVનો મતલબ ‘જનરલી સી લવિંગ વ્હીકલ’ એટલે કે ‘સમુદ્રને ચાહતું વ્હીકલ’ ગણાવે છે. નિષ્ફળતાને કારણે તે સમુદ્રમાં તૂટી પડતું હતું. જાયન્ટ કદથી તે ‘મોન્સ્ટર’ તરીકે પણ ઓળખાય છે.

ટ્રાન્સપોન્ડર વગર ઉપગ્રહ

કમ્યુનિકેશન સેટેલાઈટમાં સૌથી મહત્ત્વનું ઉપકરણ ટ્રાન્સપોન્ડર હોય છે. જેનું કામ સિગ્નલ ઉપગ્રહથી પૃથ્વી સુધી ટ્રાન્સમિટ કરવાનું છે. જીસેટ-૧૯ પહેલો એવો ઉપગ્રહ છે, જે ટ્રાન્સપોન્ડર વગરનો છે. તેની જગ્યાએ કમ્યુનિકેશન માટે બીમ (શેરડા)નો ઉપયોગ થશે. જીસેટ-૧૯માં ૮ બીમ છે જે કમ્યુનિકેશન કામ ઝડપી કરશે.

ભારત છઠ્ઠો દેશ

ભારતે ઉપગ્રહમાં સ્વદેશમાં જ બનેલું ક્રાયોજેનિક એન્જિન વાપર્યું હતું. બે દાયકાથી ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવવા પ્રયાસ કરી રહ્યું હતું કેમ કે તેની ટેકનોલોજી ભારતને આપવાની રશિયા સહિતના વિકસિત દેશોએ ના પાડી દીધી હતી. ૨૦૧૫માં પ્રથમ વાર ‘ઈસરો’ને સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કરવામાં સફળતા મળી હતી. આ સિદ્ધિ મેળવનારો ભારત અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન ને ચીન પછી છઠ્ઠો દેશ છે. અત્યાર સુધી ભારતનું સૌથી સફળ રોકેટ પીએસએલવી ગણાતું હતું. એ રોકેટ આજે પણ સફળ જ છે, પરંતુ તેના દ્વારા ૧૩૦૦ કિલોગ્રામના ઉપગ્રહો જ લોન્ચ કરી શકાતા હતા. હવે જીએસએલવીને કારણે ભારત વધુ વજન અવકાશમાં મોકલી શકશે. હવે ભારતે અમેરિકા-રશિયા-યુરોપની અવકાશ સંસ્થાઓ પર આધારિત નહીં રહેવું પડે. ‘ઈસરો’ના આ લોન્ચિંગ પછી ટ્વિટર પર વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ ‘ઈસરો’ને અભિનંદન આપ્યા હતા.

ક્રાયોજેનિક એન્જીન શું છે?

ખુબ નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવું એન્જીન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય છે અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય. ક્રાયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરીઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યું છે. સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, વાહન આગળ વધે, પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતું નથી. ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે. ક્રાયોજેનિકમાં બળતણ તરીકે પ્રવાહી હાઈડ્રોજન માઈનસ ૨૫૬ ડીગ્રીએ અને પ્રવાહી ઓક્સિજન માઇનસ ૧૯૫ ડીગ્રીએ સ્ટોર કરેલાં હતાં. ભારતે છેક ૧૯૭૦ના દાયકાથી ક્રાયોજેનિક એન્જિન અંગે વિચારણા શરૂ કરી દીધી હતી.
જીએસએલવી રોકેટને અવકાશ નિષ્ણાતો ગેમ-ચેન્જર ગણાવે છે કેમ કે હવે ભારતને ૪ હજાર ટન સુધીના ઉપગ્રહો લોન્ચ કરવાના વૈશ્વિક માર્કેટમાં મોટો હિસ્સો મળશે. કમ્યુનિકેશનના ઉપગ્રહો સામાન્ય રીતે ભારે હોય છે અને સૌથી વધુ લોન્ચિંગ પણ કમ્યુનિકેશન સેટેલાઈટનું થતું હોય છે. ભારતના ૪૧ ઉપગ્રહો કક્ષામાં છે, જમાંથી ૧૩ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. અત્યાર સુધી ભારત પોતે જ વજનદાર ઉપગ્રહો અન્ય દેશો પાસે લોન્ચ કરાવતું હતું. હવે ભારત એ કામ પોતે કરી શકશે.

જીસેટ-૧૯ અમદાવાદમાં બનેલો ઉપગ્રહ

સોમવારે લોન્ચ થયેલો જીસેટ-૧૯ સેટેલાઈટ ‘ઈસરો’ના અમદાવાદ ખાતે આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (‘સેક’)માં તૈયાર થયો હતો. આ ઉપગ્રહનો ઉપયોગ સંદેશવ્યવહાર માટે થવાનો છે. ઉપગ્રહ સાથે ફોલ્ડ કરેલી સોલાર પેનલ કુલ ૪૫૦૦ વોટની ઊર્જા સોલાર કિરણો દ્વારા પેદા કરશે, જેનાથી ઉપગ્રહનું કામ ચાલશે. આ ઊર્જા સ્ટોર કરવા માટે જોકે ઉપગ્રહમાં ૧૦૦ એમ્પિયરની લિથિયમ આયન બેટરી છે. આ બેટરી પણ ભારતમાં જ તૈયાર થઈ છે. ભવિષ્યમાં આવી બેટરીઓનો ઉપયોગ ઈલેક્ટ્રિક કાર અને બસોમાં થવાનો છે. આથી તેનું ઉત્પાદન ભારત માટે મહત્ત્વનું છે. આ ઉપગ્રહ દસ વર્ષ સુધી કામ કરતો રહેશે. ભારતીય રોકેટ દ્વારા લોન્ચ થયેલો આ સૌથી ભારે ઉપગ્રહ છે. અગાઉ ભારતે ૩,૪૩૫ કિલોગ્રામનો ‘જીસેટ-૧૦’ તૈયાર કર્યો હતો, પણ તેનું લોન્ચિંગ ‘યુરોપિયન સ્પેસ એજન્સી’ના રોકેટ ‘એરિયાન-૫’ દ્વારા થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter