ઉજ્જૈનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના નવનિર્મિત પરિસર 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું તો સમગ્ર પરિસર જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. નાડાછડીથી બનેલા 15 ફૂટ ઊંચા શિવલિંગની પ્રતિકૃતિ પરથી મોદીએ રિમોટથી આવરણ હટાવતાંની સાથે જ અધ્યાત્મનું આ નવું પરિસર ખુલ્લું મૂકાયું હતું.
કાર્તિક મેળા ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદીએ સભા સંબોધી હતી. હર હર મહાદેવ... જય શ્રીમહાકાલ... મહાકાલ મહારાજ કી જય, મહાકાલ મહાદેવ, મહાકાલ મહાપ્રભુ, મહાકાલ મહારૂદ્ર, મહાકાલ નમોસ્તુતે... થી પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરી. બાદમાં તેમણે કહ્યું હતું કે એવું તે કેમ બને કે મહાકાલ બોલાવે અને આ દીકરો ના આવે... પ્રધાનમંત્રી અમદાવાદથી વિશેષ વિમાન દ્વારા પહેલા ઈન્દોર અને ત્યાંથી એરફોર્સના ચોપરથી ઉજ્જૈન પહોંચ્યા હતા.
‘મહાકાલ લોક’ પ્રોજેક્ટને બે તબક્કામાં રૂ. 856 કરોડના ખર્ચે તૈયાર કરાશે. આમ 2.8 હેક્ટરમાં ફેલાયેલું મહાકાલ પરિસર 47 હેક્ટર થઇ જશે. જેમાં 946 મીટર લાંબો કોરિડોર છે, જ્યાંથી શ્રદ્ધાળુ ગર્ભગૃહ પહોંચશે.
પ્રથમ તબક્કાનું રૂ. 316 કરોડના ખર્ચે નિર્માણ
ગુલાબી પથ્થરોની ચમક, પાણીની અંદર પડતા રોશનીના કિરણો, ઊંચી-ઊંચી સુંદર મૂર્તિઓ ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગને ભવ્ય દેખાવ આપે છે. અહીં બે ભવ્ય પ્રવેશ દ્વાર છે. નક્કાશીદાર પથ્થરોની બનેલા ત્રિશુલ ડિઝાઈનના 108 અલંકૃત સ્તંભ, રંગબેરંગી ફુવારા અને શિવપુરાણની કથાઓ દર્શાવતા 50થી વધુ ભીંતચિત્રોની એક પેનલ ટૂંક સમયમાં ઉજ્જૈનના મહાકાલની શોભા વધારશે. કોરિડોરની શરૂઆત રાજસી દ્વાર – નંદી દ્વાર અને પિનાકી દ્વારથી થશે, જે પ્રાચીન મંદિરના પ્રવેશદ્વાર અને રસ્તામાં સૌંદર્યના દ્રશ્યો રજૂ કરે છે. નંદી દ્વાર પર ભગવાન શિવની નક્કાશી કરવામાં આવી છે. દરવાજાની બંને ટોચ પર નંદી છે. અહીં ગોળાકાર તળાવમાં કેન્દ્રમાં પણ ભગવાન શિવની ભવ્ય મૂર્તિ છે. મહાકાલ કોરિડોરની યાત્રા અહીંથી શરૂ થાય છે.
બંને તરફ શિવપુરાણની વિવિધ કથાઓ, ત્રિપુરાસુર વધ, શિવ તાંડવ, શિવ વિષપાન, આકાશમાંથી શિવની જટા પર ગંગાઅવતરણ, પાર્વતી સાથે શિવજીના લગ્નની કથાઓ જેવા જુદા-જુદા કથાનક પર આધારિત મૂર્તિઓ છે. વધુમાં ભગવાન ગણેશની તાંબાના રંગની એક મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર છે. મહાકાલ મંદિર સુધી પગદંડી છે. આ રસ્તા પર શિવકથા દર્શાવતી મૂર્તિઓ અને ભીંતચિત્ર મળે છે. અહીં કરાયેલ લાઈટિંગના કારણે સૂર્યાસ્ત પછી લાઈટિંગ અદભૂત વાતાવરણ સર્જે છે. અહીં તળાવમાં કરાયેલ લાઈટિંગ અને ફુવારા પણ આહ્લાદક છે. દરેક મૂર્તિ અને મ્યુરલ પર ક્યુઆર કોડ છે. આ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તેના અંગે માહિતી મળે છે અને ઓડિયો ગાઈડ દ્વારા બધી વિગત સામે આવી જશે.