નવી દિલ્હીઃ ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે)એ હવે આ વર્ષે પેરેડાઇઝ પેપર્સના નામે પર્દાફાશ કરીને વિશ્વના અનેક દેશોના પ્રભાવશાળી લોકોના કથિત બેનામી આર્થિક વ્યવહારોની જાહેરાત કરી છે. આ ઘટસ્ફોટમાં ભારતીયો અને ભારતીય કંપનીઓ ઉપરાંત વિશ્વના અનેક માંધાતાઓના વિદેશોમાં ખાનગી રોકાણનો હવાલો અપાયો છે.
વિદેશી વેલ્થ મેનેજમેન્ટ કંપની એપલબાય અને સિંગાપોરની એશિયાસિટી દ્વારા ૧.૩૪ કરોડ દસ્તાવેજોની તપાસના આધારે પ્રસિદ્ધ કરાયેલા આ અહેવાલોમાં ૭૧૪ ભારતીય ઉદ્યોગપતિઓ તથા કંપનીઓના નામ છે. જેમાં નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન જયંત સિંહા, ભાજપના રાજ્યસભા સાંસદ આર. કે. સિંહા, કોંગ્રેસના નેતાઓ વ્યાલાર રવિ (કેરળ), અશોક ગેહલોત (રાજસ્થાન), કાર્તિ ચિદમ્બરમ (તામિલનાડુ), વીરપ્પા મોઈલી (કર્ણાટક)ના પુત્ર હર્ષ વગેરેનો સમાવેશ થાય છે. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સંજય દત્તની પત્ની માન્યતા ઉર્ફે દિલનશીંનું પણ યાદીમાં નામ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બચ્ચનનું નામ પનામા પેપર્સ લીકમાં પણ હતું.
પેરેડાઇઝ પેપર્સમાં કુલ ૧૮૦ દેશોના નામ છે, જેમાં ભારત ૧૯મા ક્રમે છે. જે દસ્તાવેજોની તપાસ કરાઇ છે. તેમાંથી મોટા ભાગના દસ્તાવેજો બર્મ્યૂડાની કંપની એપલબાયના છે. દસ્તાવેજોમાં ઉદ્યોગપતિઓ તથા અન્ય કંપનીઓ દ્વારા વિદેશમાં ટેક્સ હેવન ગણાતા દેશોમાં નાણાંકીય હેરફેરની વિગતો અપાઇ છે.
ભારતનાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સહિત વિશ્વભરના ૯૦ સમાચાર સંસ્થાનોના સહયોગથી કરાયેલાં એનાલિસીસ અને સંબંધિત શોધખોળ બાદ થયેલા વૈશ્વિક સ્તરના ઘટસ્ફોટોમાં ટ્વિટર તથા ફેસબુકમાં રશિયન ઉદ્યોગપતિઓનાં રોકાણો, ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથનાં વિદેશી રોકાણો તેમજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાથી અને કોમર્સ સેક્રેટરી વિલ્બર રોઝ રશિયન કંપનીઓ સાથેના નાણાંકીય સંબંધોનો પણ ઘટસ્ફોટ થયો છે.
તપાસ મલ્ટી એજન્સી ગ્રૂપને
નોટબંધીની પ્રથમ જયંતીના બે દિવસ પૂર્વે બહાર આવેલા પેરેડાઇઝ પેપર લીક્સની તપાસ મલ્ટી એજન્સી ગ્રૂપને સોંપવા સરકારે નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે, મલ્ટિ એજન્સી ગ્રૂપ આ કેસની તપાસ કરશે. પનામા પેપર્સમાં નામ આવ્યાં હતાં તે ભારતીયોના મૂડીરોકાણની કાયદેસરતા તપાસવા સરકારે એપ્રિલ ૨૦૧૬માં એક મલ્ટિ એજન્સી ગ્રૂપને તપાસ સોંપી હતી. આ જ ગ્રૂપ હવે આઇસીઆઇજે દ્વારા જાહેર કરાયેલી માહિતીની તપાસ કરશે. મલ્ટિ એજન્સી ગ્રૂપમાં સીબીડીટી, ઇન્કમટેક્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના અધિકારીઓનો સમાવેશ થાય છે. મલ્ટિ એજન્સી ગ્રૂપ પેરેડાઇઝ પેપર્સમાં નામ છે તેવી ૭૧૪ ભારતીય વ્યક્તિ અને કંપનીઓનાં આવકવેરા રિટર્નની તપાસ કરશે, ત્યારબાદ દરેક કેસમાં પગલાં લેવાશે. વ્યક્તિ અથવા કંપનીની સંડોવણી નક્કી થયા બાદ નોટિસ પાઠવાશે.
જયંત સિંહાનો શું ઉલ્લેખ?
પેરેડાઇઝ પેપર્સમાં જણાવાયા મુજબ ભારતના હાલના નાગરિક ઉડ્ડયન પ્રધાન જયંત સિંહા ઇબે (ebay)ના સ્થાપક પીએર ઓમીદયારે શરૂ કરેલી સખાવતી સંસ્થા ઓમીદયાર નેટવર્કના ભારત ખાતેના મેનેજિંગ ડિરેક્ટર હતા તે સમયે આ સંસ્થા વતી તેઓ કેલિફોર્નિયાની સોલાર પાવર કંપની ડી લાઇટ ડિઝાઇનના બોર્ડના સભ્યપદે હતા. આ કંપનીમાં ૫૫ લાખ ડોલરનું રોકાણ ઓમીદયાર નેટવર્ક તથા અન્ય કંપનીઓ દ્વારા કરાયું હતું. આ કંપનીને લગતા અનેક રોકાણ તથા નાણાંકીય નિર્ણયોમાં સિંહા સામેલ હતા.
સિંહાએ જોકે, પોતે ડી લાઇટ કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે ફરજના ભાગરૂપે રોકાણ નિર્ણયો પર સહી કરી હોવાનું ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું. સિંહાના જણાવ્યા અનુસાર પોતે રાજકારણમાં જોડાયા બાદ આ કંપનીઓમાંથી કોઇ નાણાંકીય લાભ મેળવ્યો નથી.
શું છે પેરેડાઇઝ પેપર?
બર્મ્યૂડાની ૧૧૯ વર્ષ જુની એક આંતરરાષ્ટ્રીય લો કંપની એપલબાયના લીક થયેલા પેરેડાઇઝ પેપર સૌપ્રથમ જર્મનની એક અખબારના હાથમાં આવ્યા હતા. બાદમાં અખબારે આ દસ્તાવેજો ખરાઇ માટે ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે)ને સોંપ્યા હતા. આ સંસ્થાએ જુદા જુદા દેશની કુલ ૯૬ મીડિયા સંસ્થાઓ સાથે મળીને આ દસ્તાવેજોની તપાસ કરી હતી. પેપરમાં કુલ ૧.૩૪ કરોડ ડોક્યુમેન્ટ્સ સામેલ છે. બર્મ્યૂડાની આ આંતરરાષ્ટ્રીય કંપનીએ ભારત સહિત ૧૮૦ દેશોના ઉદ્યોગપતિઓ, મોટી હસ્તીઓ અને રાજનેતાઓને ટેક્સ હેવન દેશોમાં કંપનીઓ ઉભી કરી આપી હતી. ટેક્સ હેવન દેશો એવા હોય છે કે જ્યાં ટેક્સની ભરપાઇથી છુટછાટ મળતી હોય છે. આ પેરેડાઇઝ પેપરમાં હજુ પણ ખુલાસા થઇ શકે છે.
એપલબાયની ક્લાયંટ કંપની ભારતીય
આ ડોક્યુમેન્ટ્સમાં અન્ય એક ઘટસ્ફોટ એ થયો છે કે જે ૧૮૦ દેશોની મોટી હસ્તીઓની ટેક્સ હેવન દેશોમાં કંપનીઓ ખોલી આપી કાળા નાણાને ધોળા કરવામાં મદદ કરી તે એપલબાય કંપનીની બીજી સૌથી મોટી ક્લાયંટ કંપની ભારતીય છે. આ ભારતીય કંપનીનું નામ સન ગ્રુપ માનવામાં આવે છે. જેની રચના નંદ લાલ ખેમકાએ કરી હોવાના દાવા થઇ રહ્યા છે. આ કંપની પાસે ભારતના સૌથી વધુ ગ્રાહકો હોવાનું ચર્ચામાં છે. આશરે ૧૧૮ અલગ અલગ ઓફશોર કંપનીઓના નામ આ કંપની સાથે જોડાયેલા છે.
બદનામ ભારતીય કંપનીનાં નામ
પેરેડાઇઝ પેપર્સ લીકમાં સન ટીવી - એરસેલ મેક્સિસ કેસ, એસ્સાર-લૂપ ટુજી કેસ, એસએનસી લવલિન કેસ, રાજસ્થાન એમ્બ્યુલન્સ કૌભાંડની ઝિક્વિસ્તા હેલ્થકેર જેવી બદનામ અને કૌભાંડોમાં સંડોવાયેલી કંપનીઓનાં નામ પણ છે. ઉપરોક્ત કેસોમાં સંડોવાયેલી કંપનીઓના નામ પણ સન ટીવી-એરસેલ મેક્સિસ કેસની કંપનીઓમાં મારનબંધુઓ અને કાર્તિ ચિદમ્બરમનો હિસ્સો છે. એસએનસી લવલિન કેસમાં કેરળના મુખ્ય પ્રધાનનું નામ સંડોવાયુ હતું. ઝિક્વિસ્તા હેલ્થકેરમાં સચિન પાઈલટ અને કાર્તિ ચિદમ્બરમ્ ડિરેક્ટર હતાં.
ભાજપ સાંસદનું ‘મૌન વ્રત’
પેરેડાઇઝ પેપરમાં જે ભારતીય નામો બહાર આવ્યા છે તેમાં ભાજપના રાજ્યસભાના સાંસદ આર.કે. સિંહાનું નામ પણ છે. જ્યારે તેમનું નામ બહાર આવ્યું ત્યારે મીડિયાને તેમને આ મામલે સવાલ કર્યા હતા. જોકે આ આર. કે. સિંહાએ મીડિયાને કોઇ જ જવાબ નહોતો આપ્યો અને એક ચિઠ્ઠીમાં સંદેશો લખીને દાવો કર્યો હતો કે મારે સપ્તાહ સુધી મૌન વ્રત છે. જોકે આ સાંસદને મૌન વ્રત હોવાનું જે પ્રકારે લખીને આપ્યું તે જ રીતે આ મામલે પોતાની સ્પષ્ટતા પણ લખીને આપી શક્યા હોત, પરંતુ સાંસદે મૌન વ્રત લખીને શંકાને વધુ હવા આપી છે.