‘કિંગ્સ’ને હરાવી ‘ઇંડિયન્સ’ ચેમ્પિયન

Wednesday 27th May 2015 08:09 EDT
 
 

કોલકતાઃ ‘ઇંડિયા કા ત્યૌહાર’ આઈપીએલ-સિઝન ૮ની ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને ૪૧ રને હરાવીને બીજી વખત ટાઇટલ કબ્જે કર્યું છે. મુંબઈએ ૨૦૨ રન કર્યા હતા, જવાબમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપરકિંગ્સનો દાવ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૧ રનમાં સમેટાઇ ગયો હતો.
મુંબઇ ઇંડિયન્સે આ બીજી વખત આઇપીએલ ટાઇટલ જીત્યું છે. આવી સિદ્ધિ મેળવનાર તે ત્રીજી ટીમ છે. અગાઉ ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકતા નાઇટરાઇડર્સ બે વખત ટૂર્નામેન્ટ ટાઇટલ જીતી ચૂક્યા છે. ચેન્નઇ સુપરકિંગ્સે બેંગ્લોરને હરાવીને જ્યારે મુંબઇ ઇંડિયન્સે અગાઉ પ્લેઓફમાં ચેન્નઇ સુપરકિંગ્સને હરાવીને ફાઇનલ મેચમાં સ્થાન પાક્કું કર્યું હતું. નોંધનીય છે કે ટૂર્નામેન્ટના પ્રારંભે મુંબઇ ઇંડિયન્સનો દેખાવ એકદમ નબળો રહ્યો હતો.
ચેમ્પિયન મુંબઇ ઇંડિયન્સને ટ્રોફી અને રૂ. ૧૫ કરોડની પ્રાઇસ મની મળ્યા હતા જ્યારે રનર અપ ચેન્નઇ સુપરકિંગ્સને રૂ. ૧૦ કરોડની પ્રાઇસ મની મળી હતી. મુંબઇ ઇંડિયન્સને શાનદાર વિજય અપાવનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ થયો હતો.
સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ૫૬૨ રન હૈદરાબાદ સનરાઇઝર્સના વોર્નરે ફટકાર્યા હતા જ્યારે ડ્વેઇન બ્રેવોએ સૌથી વધુ કુલ ૨૬ વિકેટ ઝડપી હતી.
રવિવારે કોલકતાના ઇડન ગાર્ડનમાં ક્રિકેટચાહકોની વિશાળ હાજરીમાં રમાયેલા ફાઇનલ જંગમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં સિમન્સ ( ૬૮) અને રોહિત શર્માની અર્ધી સદી તેમ જ પોલાર્ડ અને રાયડુની આક્રમક બેટિંગની મદદથી ૨૦ ઓવરમાં ૨૦૨ રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈન ટીમ ૨૦ ઓવરમાં ૧૬૧ રન બનાવી શકી હતી.
નીતાબહેનને દ્વારકાધીશ ફળ્યા
ચેન્નઇ સામેની ફાઇનલ મેચ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સનાં માલિક નીતા અંબાણી ટીમની જીત માટે દ્વારકાના જગતમંદિરે ગયા હતા. ૧૫ દિવસમાં નીતા અંબાણી ત્રીજી વખત દ્વારકાધિશના ચરણમાં પહોંચ્યા હતા. જાણે દ્વારકાધીશ ફળ્યા હોય તેમ આઇપીએલની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સનો શાનદાર વિજય થયો હતો.
ટોસ પર રૂ. ૪૫ કરોડનો સટ્ટો
કોલકતામાં મુંબઇ અને ચેન્નઇ વચ્ચે રમાયેલી ફાઇનલનો ટોસ કોણ જીતશે તે અંગે ગુજરાતમાં જ ૪૫ કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો હતો. જ્યારે હારજીત પર માત્ર ગુજરાતમાં જ ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો હોવાનું મનાય છે.

મેચની સાથે સાથે
૬૬ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું કોલકતાનું ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ક્રિકેટચાહકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. • મુંબઈ ઇન્ડિયન્સે પાવર પ્લેમાં ૬૧ રન બનાવ્યા હતા, જે આ આઇપીએલમાં બીજો સૌથી મોટો સ્કોર હતો. • ચેન્નઈએ ફાઇનલમાં પાવર પ્લે દરમિયાન એક વિકેટે ૩૧ રન કર્યા હતા જે તેનો લોએસ્ટ સ્કોર હતો. • ચેન્નઇના નેહરાએ પાવરપ્લે દરમિયાન ત્રણ ઓવરમાં ૧૮ રન આપ્યા હતા. જ્યારે ચોથી ઓવરમાં મુંબઈએ ૨૩ ફટકાર્યા હતા. • સુરેશ રૈના સ્ટમ્પઆઉટ થયો હતો. આઇપીએલના ઇતિહાસમાં રૈના પ્રથમ વખત સ્ટમ્પઆઉટ થયો હતો. • ડ્વેન બ્રેવોએ આ સિઝનમાં ૨૬ વિકેટ ઝડપી હતી. આઈપીએલના ઇતિહાસમાં એક સિઝનમાં ૨૫થી વધુ વિકેટ એકમાત્ર બ્રેવાએ ઝડપી છે. અગાઉ ૨૦૧૩માં બ્રેવોએ ૩૨ વિકેટ ઝડપી હતી.
આંકડાઓમાં આઇપીએલ
આઇપીએલ-સિઝન ૮માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૧૩૫ રને વિજય મેળવ્યો હતો, જે આ સિઝનમાં સૌથી મોટી સરસાઇ સાથે વિજય હતો. • આઈપીએલમાં કુલ ૬૮૬ વિકેટ નોંધાઇ છે. • આઈપીએલમાં કુલ ૧૮,૩૩૨ કુલ રન બન્યા. • કુલ ૧૦,૫૮૦ રન માત્ર બાઉન્ડરી દ્વારા બન્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter