ન્યૂ યોર્કઃ વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર સૌથી નાની – ૧૫ વર્ષીય બાળા છે. ‘ટાઈમ’ના રિપોર્ટમાં ગીતાંજલિ રાવની તેજસ્વી સાયન્ટિસ્ટ અને ઈન્વેન્ટર તરીકે ઓળખ અપાઇ છે.
મેગેઝિનને તેના પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ લિસ્ટ માટે યુએસમાંથી જ ૫,૦૦૦થી વધુ નોમિનેશન મળ્યાં હતાં જેમાંથી, માત્ર ગીતાંજલિની પસંદગી કરવામાં આવી છે. કોમેડિયન અને ટીવી પ્રેઝન્ટર ટ્રેવર નોઆહ ઉપરાંત, યુવા લોકોની કમિટી દ્વારા પાંચ ફાઈનાલિસ્ટ્સની પસંદગી કરાઈ હતી. ગીતાંજલિ અને અન્ય ચાર ફાઈનાલિસ્ટને શુક્રવાર - ૧૧ ડિસેમ્બરે ટીવી સ્પેશિયલમાં સન્માનિત કરાશે.
બહુમુખી પ્રતિભા
કોલોરાડોના ડેનવરની નિવાસી ભારતવંશી ગીતાંજલિ એક જ ઓળખ ધરાવતી બાળા નથી. તે બહુમુખી પ્રતિભા ધરાવે છે. ‘ટાઈમ’ મેગેઝિનના જણાવ્યા અનુસાર સાયન્ટિસ્ટ, ઈન્વેન્ટર હોવાં સાથે ગીતાંજલિએ પીવાના પાણીમાં સીસું (lead)ના પ્રદૂષણને ઓળખવા, અફીણની લત છોડાવવા અને સાઈબર બુલિંગને અટકાવવા માટે પણ અદ્ભુત કામગીરી કરી છે. તેણે આ સમસ્યાઓને દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એપ અને ક્રોમ એક્સટેન્શન તૈયાર કર્યાં છે.
ગયા વર્ષે ગીતાંજલિ રાવ ‘ટેડ ટોક્સઃ નયી બાત’ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ હતી ત્યારે અભિનેતા શાહરુખ ખાને તેની ઓળખ આપતા કહ્યું હતું કે, ‘તે અમેરિકાના ટોપ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડની વિજેતા છે, તે ફોર્બસ ૨૦૧૯ની ‘૩૦ અંડર ૩૦’ના લિસ્ટમાં છે અને તે એક, બે કે ત્રણ નહિ પરંતુ, છ ઈનોવેશન્સની પાછળનું દિમાગ છે.’
‘નવી પેઢી સામે અનેક સમસ્યા’
જાણીતી અભિનેત્રી અને માનવતાવાદી એક્ટિવિસ્ટ એન્જેલિના જોલીએ ‘ટાઈમ’ સ્પેશિયલ માટે લીધેલાં ઈન્ટરવ્યુમાં ગીતાંજલિએ કહ્યું હતું કે આપણી નવી જનરેશન ઘણી એવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી. જૂની સમસ્યાઓ પણ યથાવત્ છે. એક બાજુ આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ તો બીજી બાજુ માનવાધિકાર સાથે જોડાયેલી સમસ્યાઓ પણ છે. ક્લાઇમેટ ચેન્જ અને સાઈબર બુલિંગ જેવી સમસ્યાઓ આપણે પેદા નથી કરી. જોકે આપણે ટેકનોલોજી દ્વારા એનું નિરાકરણ લાવવું પડશે.
તેણે કહ્યું હતું કે ‘હું પરંપરાગત સાયન્ટિસ્ટ જેવી દેખાતી નથી. ટીવી પર જોવા મળે છે તે સામાન્યતઃ શ્વેત અને મોટી વયના વિજ્ઞાની જેવી નથી. વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના આઈડિયાઝ વિચારવા અન્ય લોકોને પ્રેરણા મળશે તેવી તેની આશા છે. હું એવો સંદેશો આપવા ઈચ્છું છું કે, જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો અને કોઈ પણ તે કરી શકે છે.’
બાળપણથી જ સંશોધનના વિચારો
ગીતાંજલિના માતાપિતા ભારતી અને રામ રાવ પણ એકેડેમિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. ગીતાંજલિ માત્ર ૧૦ વર્ષની હતી ત્યારે તેણે પરિવાર સમક્ષ જાહેરાત કરી કે તે ડેનવર વોટર ક્વોલિટી રિસર્ચ લેબ ખાતે કાર્બન નેનોટ્યૂબ સેન્સર ટેકનોલોજીમાં સંશોધન કરવા માગે છે. આ સમયે તેની માતાએ આશ્ચર્યથી પૂછ્યું હતું, શું કરવા માગે છે? જોકે, માતાપિતાએ પુત્રીની જિજ્ઞાસા અને બુદ્ધિમતાને હંમેશાં સપોર્ટ કર્યો છે.
ગીતાંજલિ બીજા કે ત્રીજા ગ્રેડમાં હતી ત્યારથી જ સામાજિક પરિવર્તન માટે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિશે વિચારવા લાગી હતી. તે સાતમા ગ્રેડમાં હતી ત્યારે તેણે કાર્બન નેનોટ્યૂબ્સના ઉપયોગથી પ્રદુષિત પાણીમાં સીસાનાં સંયોજનોને ઝડપથી શોધતું ‘Tethys’ નામે ઉપકરણ શોધ્યું હતું. આ શોધે તેને ૨૦૧૭ની ‘Discovery Education 3M Young Scientist Challenge’માં વિજેતા બનાવી હતી.
STEMમાં વિશેષ રુચિ
ગીતાંજલિ રાવ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીઅરિંગ એન્ડ મેથેમેટિક્સ (STEM) શાખાઓમાં વિશેષ રુચિ ધરાવે છે. તેમજ ઈનોવેશન વર્કશોપ્સ ચલાવવા શાળાઓ, STEM સંસ્થાઓમાં છોકરીઓ, વિશ્વભરના મ્યુઝિયમ્સ અને શાંઘાઈ ઈન્ટરનેશનલ યુથ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગ્રૂપ, લંડનમાં રોયલ એકેડેમી ઓફ એન્જિનીઅરિંગ જેવી મોટી સંસ્થાઓ સાથે કામગીરી કરે છે.
સંગીત-નૃત્ય-સ્પોર્ટ્સમાં રસ
આ યુવા વિજ્ઞાનીને પિયાનો વગાડવા, ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને ગાયન, સ્વીમિંગ અને ફેન્સિંગ (તલવારબાજી)નો પણ શોખ છે. તેણે નવ વર્ષની વયથી ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું શરૂઆત કરી હતી.
મેગેઝિને ગત વર્ષે ‘પર્સન ઓફ ધ યર’ તરીકે સૌથી નાની ૧૬ વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને પસંદગી કરી હતી. ‘ટાઈમ’ મેગેઝિન ૧૯૨૭થી દર વર્ષે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરનારા વ્યક્તિત્વોને ‘મેન ઓફ ધ યર’ તરીકે પસંદ કરે છે.