‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની સુવર્ણજંયતીની આ પૂર્વસંધ્યાએ.....

Zoom પર વર્ચ્યુઅલ ઉજવણીઃબ્રિટનમાં વસતા ગુજરાતીઓ, ભારતીયો અને એશિયનોની લાગણી, ધબકાર અને સમસ્યાઓને વાચા આપવાના માધ્યમ તરીકે પાંચ દાયકાના પુરુષાર્થની ઊજવણી

અચ્યુત સંઘવી Wednesday 19th May 2021 06:27 EDT
 

ABPL ગ્રૂપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ ૪૯ વર્ષની દડમજલ કાપીને ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે સુવર્ણજંયતીની પૂર્વસંધ્યાએ ૫ મે ૨૦૨૧, બુધવારના દિવસે કોરોના મહામારીના કપરા કાળમાં Zoom પર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારત અને બ્રિટનના જાણીતા લેખકો, કટારલેખકો, પોતાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન આપનારા વ્યક્તિત્વો, સાહિત્યરસિક વાચકો, વિજ્ઞાપનદાતાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો આરંભ કરતા ઉદઘોષક શ્રી તુષારભાઈ જોષીએ જણાવ્યું હતું કે આ ઝાલરટાણું છે. ઝાલર વાગે અને જાગૃતિ આવે. સમાજમાં પાંચ દાયકાથી વૈચારિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જાગૃતિના પ્રસાર તેમજ જ્ઞાન અને માહિતીવર્ધકનું કાર્ય હાથ ધરનારા ABPL ગ્રૂપ સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ આત્મગૌરવનો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ સંસ્થાના પાંચ દાયકાની કામગીરીને વધાવવાનો દિવસ છે. ગુજરાતી ભાષામાં ‘ગુજરાત સમાચાર’ અને અંગ્રેજી ભાષામાં ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકો ૪૯ વર્ષની મજલ પાર કરી ૫૦મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે તે સુવર્ણજંયતીની આ પૂર્વસંધ્યા છે.

પાંચ દાયકામાં અનેક પડકારો આવ્યા છે પરંતુ, તેમનો સફળતાપૂર્વક સામનો કરવામાં ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ જરા પણ પીછેહઠ કરી નથી. બ્રિટનમાં વસતા ગુજરાતીઓ, ભારતીયો અને એશિયનોની લાગણી, ધબકાર અને સમસ્યાઓને વાચા આપવાના માધ્યમ તરીકે પાંચ દાયકાના પુરુષાર્થની ઊજવણી અર્થે આપણે સહુ એકત્ર થયા છીએ. અખબારોના સ્થાપક-તંત્રી શ્રી સીબી પટેલ માને છે કે તેમના માટે આ પ્રકાશન પ્રવૃત્તિ મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે અને વ્યવસાયની આમન્યા જાળવવા તેઓ સદૈવ પ્રયત્નશીલ રહેશે.

આસિસ્ટન્ટ મેનેજર, સેલ્સ અને માર્કેટિંગ, જ્યોતિબહેન ગુરનાનીએ કાર્યક્રમમાં સહુનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ABPL ગ્રૂપ માટે આ દિવસ સીમાચિહ્નરુપ છે. ગ્રૂપ દ્વારા અનેક સિદ્ધિ હાંસલ કરાઈ છે. ABPL ગ્રૂપ અને સાપ્તાહિકો માત્ર બિઝનેસ નથી પરંતુ, કોમ્યુનિટીને સમર્પિત વ્યાપક અભિયાન છે. લોકસમર્થન વિના કોઈ પણ સાફલ્યગાથા અધૂરી રહે છે. અમે અમારા ગ્રાહકો, વાચકો અને વિજ્ઞાપનદાતાઓના આભારી છીએ.

ABPL ગ્રૂપ અને સીબી પટેલના પરિવાર સાથે દીર્ઘ આત્મીય સંબંધ ધરાવતાં ગાયિકા માયાબહેન દીપકે કોરોના કાળમાં ઘણા લોકોએ ગુમાવેલા સ્વજનોના આત્માની શાંતિ અર્થે શાંતિપાઠ કરવા ઉપરાંત, પ્રાર્થના હે પ્રભુ, આનંદદાતા જ્ઞાન હમ કો દીજીએ...’ની સુરમયી રજૂઆત કરી હતી.

‘ગુજરાત સમાચાર’ના માનદ તંત્રી, લેખક, ઈતિહાસકાર,ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ શુભેચ્છાસહ મનનીય સંબોધનમાં જણાવ્યું હતું કે ABPLને ૫૦મું બેઠું છે અને જિંદગીની અર્ધશતાબ્દી તેમણે પૂર્ણ કરી છે છતાં, યુવાની એવી ને એવી જ છે. આનું મુખ્ય કારણ લાઈવ વાયર સીબી. પટેલ છે. સીબીનું વિશિષ્ટ લક્ષણ ABPL સાથે જોડાયેલું છે. તેમણે પત્રકારત્વનો  જોખમી માર્ગ પસંદ કર્યો છે. પોતાની રીતે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને ચલાવ્યા છે. આટલા વર્ષો સુધી ગુજરાતી સાપ્તાહિક ચલાવવું તે ઘણું કઠણ કાર્ય છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સ્વસ્થતા અને સંયમપૂર્વક ચાલ્યા છે, તપસ્યા કરી છે. સીબીમાં અદ્ભૂત અંશ જુસ્સાનો છે. ABPLએ માહોલ બનાવી રાખ્યો છે. પત્રકારત્વના ચાર મુખ્ય શબ્દ સ્વતંત્રતા, સ્વચ્છંદતા, વ્યાવસાયિકતા અને સેવાવ્રત-મિશન અઘરા છે પરંતુ, અશક્ય નથી. શ્રી વિષ્ણુભાઈએ ભારત અને વિદેશમાં ભૂતકાલીન અને આધુનિક જર્નાલિઝમ અને સમાજજીવન સામેના પડકારોની પણ વાત કરી હતી.

‘ગુજરાત સમાચાર’ના ન્યૂઝ એડિટર અચ્યુત સંઘવીએ બે સાપ્તાહિકોના સાચાબોલા અને નીડર સાહિત્યસર્જન અને વાચકયાત્રાનો ચિતાર આપી જણાવ્યું હતું કે, ‘શ્રી સીબી.પટેલની રાહબરી હેઠળ આ ગ્રૂપે ઘણા ચડાવઉતાર સફળતાપૂર્વક પસાર કર્યા છે અને હજુ પણ કરતા રહીશું તેવી અડીખમ આશા છે. લોકસમસ્યાને વાચા આપવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ હંમેશાં અગ્રેસર રહ્યા છે. અમે વિશ્વને આપના આંગણે લાવતા રહ્યા છીએ અને લાવતા રહીશું’

દિવ્ય ભાસ્કર દૈનિકની ડિજિટલ આવૃત્તિના એડિટર મનીષભાઈ મહેતાએ પ્રકાશક-તંત્રી સીબી. પટેલને સદાબહાર અને તરવરિયા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે યુકેના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને હું અલગ દૃષ્ટિએ નિહાળું છું. આ સાપ્તાહિકો ૫૦ વર્ષથી બ્રિટનના ગુજરાતીઓની ‘માઈન્ડ સ્પેસ’ લઈ રહ્યાં છે. તેમના માઈન્ડ, જીવનમાં બેઠા છે, તેમના જીવનનો હિસ્સો બની ગયા છે. લોકો પોતાના જીવનનો અમૂલ્ય હિસ્સો તમને ફાળવે તેનાથી મોટી સિદ્ધિ કોઈ હોઈ શકે નહિ. સીબી. પટેલે છેલ્લા ૫૦ વર્ષમાં જે કામ શબ્દો સાથે રહીને અને ખાસ કરીને ગુજરાતી અને એશિયન કોમ્યુનિટી સાથે જોડાઈને કર્યું છે.  આ જ તેમનો અભૂતપૂર્વ યજ્ઞ છે. તેમણે ધૂણી ધખાવી છે. અખબારને મિશન તરીકે લીધું અને આટલા વર્ષ ચાલુ રાખ્યું છે. 

આ પછીના વક્તા વરિષ્ઠ રાજદ્વારી અને ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર રુચિ ઘનશ્યામનો પરિચય આપતા

સીબી. પટેલે જણાવ્યું હતું કે રુચિ ઘનશ્યામની વિવિધ વિષયોને આવરી લેતી કટાર વાચવાની ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકોને ઉત્કંઠા રહે છે તેની સાથે વિવિધ પક્ષોના સાંસદો અને લોર્ડ્સ પણ તેને વાંચવા તત્પર રહે છે. તેમણે આ સાપ્તાહિકોમાં કોલમ લખવાનું સ્વીકાર્યું તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પૂર્વ હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોઈના પણ જીવનમાં અડધી સદી પાર કરવી તે મહત્ત્વ ધરાવે જ છે પરંતુ, મીડિયા સંસ્થાના જીવનમાં માત્ર એક ભાષામાં નહિ, બે ભાષામાં સાપ્તાહિકોનું પ્રકાશન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. લોકોને તેમના વતનમાં શું થાય છે તે જાણવાની ઈચ્છા સાથે પોતાની કર્મભૂમિના પ્રવાહો જાણવાની પણ ઈચ્છા રહે છે. કોમ્યુનિટીના લોકોની સેવા કરવી તે મોટી સિદ્ધિ છે. આ અખબારો લોકપ્રિય છે, વધુ વંચાય છે અને લોકો તેને અનુસરે પણ છે. આ પેપર્સ સાથે સંકળાયેલા તમામ લોકો અભિનંદનને પાત્ર છે. તમારા અખબારોમાં સમતુલા, પ્રતિબદ્ધતા હોવા સાથે ભારત અને યુકેની પ્રજા વચ્ચે સેતુ બનવા સહિતના મૂલ્યો પણ મહત્ત્વના છે.

તેમણે કહ્યું કે મને અખબારોમાં લખવા માટે જણાવાયું ત્યારે હું લખી શકું છું તેની પણ મને જાણ ન હતી. અમને ડિપ્લોમેટ્સને સત્તાવાર અને ચોક્કસ ભાષામાં લખવાની આદત હોય છે. આ સાપ્તાહિકોમાં દર સપ્તાહે લખવાનો તદ્દન અલગ અનુભવ રહ્યો છે.  હું વેકેશન પર હતી ત્યારે પણ આ લખવાનો ક્રમ જળવાઈ રહ્યો તેનો મને આનંદ છે. સંખ્યાબંધ ભારતીયો ભારત અને આફ્રિકા સહિતના દેશોમાંથી યુકે આવે છે. ઘણાને પોતાના મૂળિયા વિશે જાણકારી હોતી નથી. ભારતીય કોમ્યુનિટીએ ઘણો વિકાસ હાંસલ કર્યો છે. અખબારોએ કોમ્યુનિટીને મૂલ્યો જાળવવા માટે ઘણું કર્યું છે. આવી તક આપવા માટે આભારી છું.

લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે રુચિ ઘનશ્યામના પેંગડામાં પગ રાખવો મારા માટે અઘરું છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’એ ૪૯ વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાત સમાચારનું ઉદ્ધાટન શ્રીમતી કુસુમબહેન શાહના હસ્તે કરાયું તેનો હું સાક્ષી રહ્યો છું. જર્નાલિઝમ પોતાને કોમ્યુનિટી સાથે સાંકળે નહિ, સમાજલક્ષી ન હોય ત્યાં સુધી તેનું કોઈ મૂલ્ય નથી. સીબીએ જર્નાલિઝમથી પણ આગળ વધી કોમ્યુનિટીના લોકોને સમાજના એકીકરણની પ્રક્રિયામાં સાથે રહેવા જણાવ્યું છે. આ અખબારે હરે કૃષ્ણ ટેમ્પલ માટે અભિયાન ચલાવ્યાનું મને યાદ છે જેમાં તેમણે લોકોને સહભાગી બનાવ્યા હતા. એક સમયે હાઈ કમિશનમાં વિઝા મેળવવા લાંબી લાઈનો લાગતી હતી. સીબીએ આ લોકસમસ્યાને વાચા આપવાનું અભિયાન ચલાવ્યું હતું. હું આ સાપ્તાહિકો વધુ ૫૦ વર્ષ ચાલે તેવી મારી શુભેચ્છા છે.

ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલે ABPL ગ્રૂપનો હિસ્સો બની રહેવાના ગૌરવનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ગ્રૂપ સાથે વીતાવેલા ૩૯ વર્ષમાં તેમને નીતનવું શીખવા મળ્યું છે. અમારા તમામ સભ્યોના સતત મહેનત, ટીમવર્ક અને નિષ્ઠાસભર કાર્ય સાથે ABPL ગ્રૂપ ગૌરવ સાથે ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. સીબી કહે છે તેમ અમે ‘જ્ઞાનયજ્ઞ અને સેવા યજ્ઞ’માં માનીએ છીએ.

ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર શ્રીમતી જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું હતું કે, મેં કદી પત્રકારત્વનો અભ્યાસ કર્યો નથી પરંતુ, ગુજરાત સમાચારે મને જર્નાલિસ્ટ બનતા શીખવાડી દીધું છે. શ્રી સી.બી પટેલના સતત માર્ગદર્શન અને સપોર્ટ સાથે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’એ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.

ચિત્રલેખામાં વિશેષ સંવાદદાતા મહેશભાઈ શાહે સંસ્થાના જન્મદિવસની ઉજવણીના અભિનંદન પાઠવતા કહ્યું હતું કે અન્ય મીડિયા હાઉસોમાં કર્મચારીઓ વારંવાર વર્કપ્લેસ બદલતા રહે છે તેની સરખામણીએ ABPLના કર્મચારીઓ લાંબા સમય સુધી એક જ સંસ્થામાં કામ કરતા રહે તે આ સંસ્થાની મોટી સિદ્ધિ છે.

યુકેસ્થિત ભારતીય કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમી, પ્રેસ એન્ડ ઈન્ફોર્મેશન) શ્રી રોહિતભાઈ વઢવાણાએ આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. શ્રી વઢવાણાએ કહ્યું હતું કે, ABPL ગ્રૂપ વિશ્વ સાથે મજબૂત તાણાવાણા રચી રહ્યું છે ત્યારે તમારે વાચકોને એશિયા સંબંધિત સમાચારો વધુ આપવા જોઈએ જેથી તે સાચા અર્થમાં એશિયન વોઈસ બની રહે, ઈન્ડિયન વોઈસ નહિ.

આ કાર્યક્રમનું સમાપન કરતા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલે તમામ વક્તાઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ABPL ગ્રૂપને વફાદાર કર્મચારીઓના સાથના આશીર્વાદ મળેલા છે. તેઓ સંસ્થા માટે સંપત્તિ છે અને અમે સાથે મળી સમાજના વ્યાપક કલ્યાણ માટે કાર્યરત છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter