હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશ અને તેલંગણના સંયુક્ત પાટનગર હૈદરાબાદમાં ત્રિદિવસીય ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ (જીએસઈ)નો પ્રારંભ મંગળવારથી થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઈવાન્કાએ રોબોટ 'મિત્ર'નું બટન દબાવીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.
વડા પ્રધાને સંમેલનમાં ઈવાન્કાની હાજરીને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેના વિકાસથી જ દેશ અને સમાજનો વિકાસ શક્ય બનશે. તો અમેરિકી ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલાં ઇવાન્કાએ સમિટમાં વુમન એન્ટરપ્રિન્યોર લીડરશિપ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, ચા વેચનારી વ્યક્તિ વડા પ્રધાન બને એ તેની મોટી સિદ્ધિ કહેવાય. બાળપણમાં ચા વેચવાથી લઈને ભારતના વડા પ્રધાન બનવા સુધીમાં તમે સાબિત કર્યું છે કે, બદલાવ સંભવ છે. તમે અહીં જે મેળવ્યું છે, તે અદભુત છે. ઈવાન્કાએ કહ્યું કે, ટેકનિકથી ભરેલા આ પ્રાચીન શહેરમાં આવવું અદભુત લાગ્યું. ભારતના લોકો અમને બધાને બહુ જ પ્રેરે છે. ઇવાન્કાએ મોદી સરકારના નેતૃત્વમાં ભારતના થઈ રહેલા વિકાસની પણ પ્રશંસા કરતા કહ્યું કે, ભારતના ચંદ્રયાન અને મંગળ મિશન પરથી કહેવાય કે આ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ પ્રશંસનીય છે.
ઈવાન્કાએ કહ્યું હતું કે, ભારતની આઝાદીના ૭૦ વર્ષ પૂરા થયા તેથી દેશને હું અભિનંદન આપું છું. મને ગર્વ છે કે, ૧૫૦૦ બિઝનેસવુમન આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે.
મોદીએ સંમેલનમાં કહ્યું કે, જે કોઇ વ્યક્તિ સમયથી આગળનું વિચારે છે તેમને દુનિયા પાગલ જ સમજશે, પરંતુ આજના ઉદ્યોગસાહસિકોએ તેનાથી ગભરાવું નહીં. તેમણે સાહસની સાથે આગળ વધવું જોઈએ. મોદીએ કહ્યું કે, સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામ આંત્રપ્રિન્યોર્સની મદદ કરવા માટે બનાવ્યો છે. સરકારે ગૂંચવાયેલા કાયદાઓને હટાવીને ભારતમાં વેપાર કરવો આસાન બને એ માટે પ્રયત્નો કર્યાં છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતમાં રેન્કિંગમાં સુધારો આ વાતને સાબિત કરે છે. જોકે, આપણે હજી ઘણું કરવાનું બાકી છે. ૫૦ની યાદીમાં ભારત મોખરે હોય એનો પ્રયાસ જારી રાખવો પડશે.
મોદીએ કહ્યુ હતું કે, ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટમાં ભારત અને અમેરિકના નજીકના સંબંધો વિશે માલૂમ પડે છે. દક્ષિણ એશિયામાં પહેલી વાર આ સમિટ થઈ છે. આજે સમગ્ર દુનિયાની નજર હૈદરાબાદ પર છે. આજે દુનિયાભરના લોકો સમિટમાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. મોદીએ આગળ કહ્યું કે, અમારી સરકારે બિઝનેસનો માહોલ સુધારવા માટે અનેક પ્રયાસો કર્યાં છે. ગામડાંઓમાં વીજળી પહોંચાડવા સૌભાગ્ય યોજના શરૂ કરી છે. માર્ચ ૨૦૧૯ સુધી લાખો ગામો સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. સ્વચ્છ ભારત મિશન દ્વારા ગામ અને શહેરમાં સેનિટેશન વ્યવસ્થામાં સુધારો લાવવા સરકાર પ્રયત્નશીલ છે. અટલ ઈનોવેશન મિશન પણ અમે લોન્ચ કર્યું છે. અમે આધાર પણ શરૂ કર્યું છે. જેનાથી ડિજિટલ પ્લેટફોર્મમાં સરળીકરણ થશે.
મહિલા સશક્તિકરણ વિશે મોદીએ સમિટમાં કહ્યું કે, ગાર્ગીના શાસ્ત્રાર્થ, અહલ્યાબાઈ હોલ્કર અને રાણી લક્ષ્મીબાઈના સાહસ તો જાણીતાં છે. મંગળ મિશનમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનો સરાહનીય સહયોગ રહ્યો છે. મોદીએ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એમ પણ કહ્યું કે, ખેલના ક્ષેત્રમાં પણ મહિલાઓએ ભારતનું નામ રોશન કર્યું છે. આ શહેરની જ સાઈના નહેવાલ અને પી. વી. સિંધુ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. લિજ્જત પાપડ જેવા અનેક ઉદાહરણ છે જે મહિલા ઉદ્યોગસાહસિકતા થકી ભારતનું નામ રોશન કરે છે.
મજબૂત દ્વિપક્ષી દોસ્તીનું પ્રતીક
ઈવાન્કાએ ભારત આવતાં પહેલા કહ્યું હતું કે, આ આપણા બંને દેશો વચ્ચે મજબૂત દોસ્તી અને સિક્યુરિટી પાર્ટનરશિપનું એક ઉદાહરણ છે. અમેરિકા અને ભારત ઈકોનોમી અને ગ્રોથ સાથે જોડાયેલી તક વધારવા માટે મળીને કામ કરી રહ્યા છે. મને મારી ભારત મુલાકાતથી ઘણી આશા છે. મને ત્યાં મોદી અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળીને ઘણો ઉત્સાહ થશે. એ પ્રમાણે જ આ સમિટમાં ઈવાન્કા સાથે સુષ્મા સ્વરાજની મુલાકાત બહુ ઉમળકાભેર થઈ હોવાનું ચર્ચાય છે.
સોશિયલ મીડિયામાં ચર્ચાનો જુવાળ
જોકે, આ સમિટ અંગેના સમાચાર, ઈવાન્કાની તથા મોદીની સ્પિચ જાહેર થતાં સાથે જ સોશિયલ મીડિયામાં ગરમાવો છવાયો છે. લોકો 'ટ્રમ્પના વંશવાદ'ને લઈને ટ્વિટ્સ કરી રહ્યા છે. કેટલાયે ટ્વિટર પર મોદી પર પ્રહાર કરતાં લખ્યું છે કે ‘મોદીજી વંશવાદીને શા માટે મળી રહ્યા છે?’, ‘ભારતમાં ભારતીય મહિલાઓ સાથે કરાતા વર્તનનું ઉદાહરણ પદ્માવતી વિવાદ છે અને ભારતમાં અમેરિકન મહિલાઓ સાથે કરાતા વર્તનનું ઉદાહરણ ઇવાન્કાની ભારત મુલાકાત છે.’
આ ઉપરાંત ટ્વિટર મોદીને એવું પુછાયું છે કે ‘તમે વંશવાદનો વિરોધ કરો છો અને ઇવાંકા વંશવાદી છે.’
સમિટ અંગે થોડું ઘણું...
• સમિટની શરૂઆત ૨૦૧૦માં યુએસના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ કરી હતી. એ પછી સાઉથ એશિયામાં પહેલી વાર થઈ રહેલી જીએસઈ બેઠકની થિમ વુમન ફર્સ્ટ એન્ડ પ્રોસ્પેરિટી ફોર ઓલ છે. ભારત અને અમેરિકા આ સમિટના કો-હોસ્ટ છે. સમિટની આગેવાની ચૂંટણી પંચ કરે છે. તેમાં ૧૨૭ દેશના ૧૫૦૦ ઉદ્યોગ સાહસિક અને ૩૦૦ રોકાણકારો સહિત ૨૦૦ લોકો ભાગ લઈ રહ્યા છે.
• ૨૦૧૦થી લઈને ૨૦૧૬ સુધી જ્યાં ક્યાંય પણ આ સમિટ થઈ છે ત્યાં યુએસ ડેલિગેશનની આગેવાની ઓબામાએ પ્રેસિડન્ટ તરીકે કરી હતી અથવા જોન કેરીએ વિદેશી પ્રધાન હોવાના નાતે હાજરી આપી હતો. પહેલી વાર યુએસ પ્રમુખ બેઠકમાં નથી.
આ વખતે અમેરિકી ડેલિગેશનની ઈવાન્કા આગેવાની કરી રહી છે. આ વિશે અમેરિકામાં કોન્ટ્રોવર્સી પણ થઈ છે. ઈવાન્કા સાથે અમેરિકાના ૩૮ રાજ્યોમાંથી ૩૫૦ લોકો આવ્યા છે.