રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રતિષ્ઠિત જંગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારથી ઝંઝાવાતી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. ભુજમાં લાલન કોલેજ ખાતે સભા સંબોધીને પ્રચાર પ્રવાસ શરૂ કરનાર વડા પ્રધાને એક જ દિવસમાં ચાર સભા સંબોધી હતી. ક્યાંક તેઓ જુસ્સાભેર આક્રમક બન્યા હતા તો ક્યાંક લાગણીભીના બન્યા હતા. ક્યાંક સરદાર પટેલને યાદ કર્યા તો ક્યાંક તેમણે પોતાનું બાળપણ સંભાર્યું હતું. ક્યાંક ભૂતકાળની યાદ તાજી કરી તો ભવિષ્યનું ગુલાબી ચિત્ર પણ રજૂ કર્યું. વિકાસના ગુણગાન ગાયા અને વંશવાદને વખોડ્યો.
કચ્છના સુપ્રસિદ્ધ શક્તિધામ માતાના મઢે શ્રી આશાપુરા માતાજીને માથું નમાવીને શરૂ કરેલા ચૂંટણી પ્રવાસમાં વડા પ્રધાને બપોરે જસદણ, પછી અમરેલી જિલ્લાના ચલાલામાં સભાઓ સંબોધીને મોડેથી સુરતના કડોદરા પહોંચ્યા હતા. સ્થળ અલગ અલગ હતા, પણ નિશાન સ્વાભાવિકપણે એક જ હતું - વિપક્ષ કોંગ્રેસ. તેમણે કોંગ્રેસ અને તેની નેતાગીરી પર ટીકાની આકરી ઝડી વરસાવી. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં - નવમી ડિસેમ્બરે મતદાન થવાનું છે.
જસદણમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, મેં ભૂતકાળમાં ચા વેચી છે પણ હું ક્યારેય દેશ વેચીશ નહીં. કોંગ્રેસ દ્વારા પોતાને ગરીબ વિરોધી દર્શાવાતા હોવાનો સંદર્ભ ટાંકતા તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ તેમને ગરીબવિરોધી એટલા માટે દર્શાવી રહ્યા છે કેમ કે, તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે. કોંગ્રેસ પાસે નીતિ, નેતા અને નિયત નહીં હોવાનું કહીને તેમણે કહ્યું કે, ‘હું એટલા માટે કોંગ્રેસને ગમતો નથી કેમ કે, હું ગરીબ પરિવારમાંથી આવું છું. કોઈ પાર્ટી આટલી નીચે ઉતરી શકે? મેં ચા વેચી છે, પણ દેશને ક્યારેય નહીં વેચું.’
કોંગ્રેસ ઉપર તીખા પ્રહારો કરીને કહ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત ગમતું નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું છે. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દરેક સમસ્યાનું સમાધાન વિકાસમાં છે. વિકાસ એ નિરંતર ચાલવો જોઇએ.
ભુજની લાલન કોલેજ પરથી પ્રચાર અભિયાનના પહેલા ભાષણમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ભાજપને ૧૫૧ બેઠકો મળવાની છે. કચ્છમાં ૨૦૦૧ના ભૂકંપ પછી પોતાની સરકારે કરેલા કામોને પણ વડા પ્રધાને ગણાવ્યાં હતાં. સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, મુંબઈમાં ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે તત્કાલીન સરકારે કશુંય નહોતું કર્યું, પણ ઉરીમાં હુમલો થયો ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરી દુશ્મનને તેના ઘરમાં ઘુસીને જવાબ અપાયો હતો. જોકે, વિરોધીઓએ તેના પર પણ સવાલ ઉઠાવ્યો. જવાનને માન-સમ્માન ન આપી શકનારાઓએ કમસે કમ તે સમયે તો ચૂપ મરવું હતું.
વિરોધીઓને આડે હાથે લેતાં મોદીએ કહ્યું હતું કે, તેમના પોતાના આટલાં વર્ષના જાહેરજીવનમાં મારા પર એકેય દાગ નથી, પરંતુ તમારી આ હિંમત કે તમે ચૂંટણી ટાણે ગુજરાતના દીકરાને આવીને ગમેતેમ ભાંડો, તેના પર ખોટા આરોપ મૂકો? સરદાર વખતે તો ગુજરાતે અપમાન સહન કરી લીધું, પરંતુ આ વખતે ગુજરાત પોતાના દીકરાનું અપમાન સહન નહીં કરી લે.
કોંગ્રેસે ગુજરાતને દાઢમાં રાખ્યું છે
મોદીએ વિપક્ષ પર સીધો વાર કરતાં જણાવ્યું કે, આ ચૂંટણી એક તરફ વિકાસના વિશ્વાસની છે તો બીજી તરફ વંશવાદનું વરવું રૂપ છે. સરદાર વલ્લભભાઈ પટેલના જમાનાથી કોંગ્રેસે ગુજરાતને કાયમ દાઢમાં રાખ્યું છે અને તેને પાછળ ધકેલવામાં કોઈ કસર છોડી નથી. મહાગુજરાતના આંદોલન વખતે અમદાવાદમાં ભદ્રના કોંગ્રેસ કાર્યાલયમાંથી દૂધમલ જવાનો પર વરસેલી ગોળીઓની રમઝટના બનાવનો ઉલ્લેખ કરી આરોપ કર્યો હતો કે કોંગ્રેસે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જ નહીં ડગલે ને પગલે ગુજરાત સાથે વેર વાળવામાં ક્યારેય કચાશ રાખી નથી.
હોબાળો કરવો હોય તેટલો કરી લો
જેટલો હોબાળો કરવો હોય તેટલો કરી લો. આ મોદી છે. સરદાર પટેલની ધરતીનું ધાવણ લઈને મોટો થયો છે. આ ગુજરાતનો દીકરો છે. જેણે દેશને લૂંટ્યો છે, તેણે દેશને પાછું આપવું જ પડશે. લખી રાખજો. અમે ખુરશીનો ખેલ નથી કરતા. ૧૮૨ બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની શરૂઆતનો એકડો અબડાસાથી શરૂ થાય છે અને આશાપુરા માનું નામ પણ ‘અ’ થી શરૂ થાય છે, જ્યારે કચ્છની શરૂઆત કથી અને કમળની શરૂઆત પણ ‘ક’ થી થાય છે, ત્યારે મા આશાપુરાનાં દર્શન કરી આશીર્વાદ લેવાનું મને સૌભાગ્ય મળ્યું. કચ્છે તો મને રાજકારણનો એકડો ઘુંટતાં શીખવાડ્યો છે.
ચાર પાટીદાર મુખ્ય પ્રધાનોને ટકવા દીધા નથી
ગુજરાતના ચાર ચાર પાટીદાર મુખ્ય પ્રધાનોને કોંગ્રેસની સરકારે ઝંપીને બેસવા નથી દીધા. સરદાર પટેલની આ કોંગ્રેસે કેવી હાલત કરી હતી તેની વેદના મણિબેનની ડાયરી વાંચીએ તો જાણી શકાય તેમ પાંચાળ ભૂમિ ઉપર જસદણમાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓ વાણી-વર્તન ઉપરથી કાબૂ ગુમાવી ચૂકયા છે અને ગલીચ આક્ષેપો અને હીન ભાષામાં વાત કરી રહ્યા છે તેના ઉપરથી લાગે છે કે, આવડી મોટી પાર્ટી વારંવાર થતી હારને કારણે ચારિત્ર્ય ગુમાવી ચૂકી છે અને હવે તેના બચવાની કોઈ શક્યતા નથી. ભૂતકાળમાં ગુજરાતના પ્રથમ પાટીદાર મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર પણ કોંગ્રેસે પાડી દીધેલી. કોંગ્રેસના ચીમનભાઈ પટેલને પણ સાઈડલાઈન કરી નાખેલા, કેશુભાઈ પટેલની સરકાર સામે પણ કાવાદાવા કર્યા હતા અને પાટીદાર મહિલા મુખ્ય પ્રધાનની સરકાર સામે પણ તોફાનો કરાવનારને કોણે તૈયાર કર્યા હતા તે સૌ કોઇ જાણે છે.
... તો કહેશે કેસર તો કાશ્મીરમાં થાય
ભુજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જાત-જાતનાં લોકોએ આવીને એટલો કાદવ ઉછાળ્યો છે કે, હવે કમળનાં ખીલવાનું બહુ આસાન થઈ ગયું છે. તેમણે આવીને કપરી મહેનત કરી ખૂણેખાંચરે કીચડ ઉછાળવાનું કામ કર્યું છે. આજની ક્ષણે હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું. મોદીએ કહ્યું હતું કે, તમારી આ હિંમત કે તમે ગુજરાતના દીકરાને ભાંડશો? ગુજરાત તમને ક્યારેય માફ નહીં કરે. આ ચૂંટણીમાં એક તરફ વિકાસનો વિશ્વાસ છે અને બીજી તરફ વંશવાદનું વરવું રૂપ છે.
કચ્છમાં ખેતી થાય એ વાતની એમને કલ્પના પણ નહોતી. કચ્છની કેસર કેરી દુનિયાભરમાં છવાઈ છે, પરંતુ કેટલાંક લોકો માટે આ વાત સમજ બહારની છે. તેમને કચ્છની કેસર અંગે વાત કરશો તો એ કહેશે કે, કેસર તો કાશ્મીરમાં થાય... કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારના સંજોગો અને પરિબળને ધ્યાને રાખીને વાજપેયીજીએ મને કચ્છ મોકલ્યો હતો ત્યારે કચ્છના ભૂકંપ અને કચ્છનાં લોકોએ મને વહીવટની એક પ્રકારની મારી ટ્રેનિંગ કરી હતી. આ ધરતી મારી મા છે અને આપ મારા મા-બાપ છો.
૨૨ વર્ષમાં ભલ ભલાંને મંદિરે જતાં કરી દીધાં
એક ગરીબ પરિવારનો ચા વેચતો દીકરો દેશનો વડા પ્રધાન બન્યો તે કેટલાક લોકોથી સહન થતું નથી અને તેઓ મારી ગરીબીની મજાક ઉડાવીને હીન પ્રવૃત્તિ કરતા રહે છે, પણ હું તેમને કહીશ કે ગુજરાતની ગાદી કોઈને વારસાની નથી. લોકશાહીમાં સૌનો પૂરતો અધિકાર છે અને આવાં લોકો મને ચા વાળો કહે છે, પણ હું તેમને કહીશ કે જરૂર પડે ફરી ચા વેચવા બેસી જઈશ, પણ દેશ વેચવાનું કામ નહિ કરું.
તેમણે કહ્યું કે ભાજપની વિકાસની રાજનીતિને કારણે આ પ્રદેશમાં નર્મદાનાં નીર આવ્યાં છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં કલ્યાણ માટે સસ્તા સ્ટેન્ટ અને દવાના જનઔષધિ સ્ટોર અમે શરૂ કરાવ્યા છે. નોટબંધીથી કાશ્મીરમાં પથ્થરમારા માટે આવતું પાકિસ્તાની ફંડ બંધ થઈ ગયું છે. આજે આ બધા દિલ્હીની જેલમાં છે. વિકાસ કોઈ એક વર્ગ કે જાતિ માટે નહિ કોઈ પણ ભેદભાવ વગર બધાને લાભ થાય તેવો કર્યો છે.
વડા પ્રધાને સુરતના કડોદરામાં જંગી સભાને સંબોધતા જણાવ્યું કે, પરાજયના ભણકારા વચ્ચે કોંગ્રેસે હવે આરોપ-પ્રત્યારોપનું રાજકારણ શરૂ કર્યું છે. તેઓ ભાજપ પાસે હિસાબો માગે છે. હું હિસાબમાં એટલું જ કહીશ કે ૨૨ વર્ષમાં ગુજરાતને સંપૂર્ણ કર્ફ્યુ મુક્ત કરી દીધું છે. બીજી તરફ ૨૨ વર્ષમાં ભલભલાંને મંદિરે જતાં કરી દીધા છે.
કીં આયો ભા-ભેણું?
વડા પ્રધાને કચ્છ પ્રત્યેની પોતાની લાગણીને વધુ એક વાર પ્રદર્શિત કરતાં પ્રવચનનો પ્રારંભ તેમણે ‘કીં આયો ભા-ભેણું?’ કહી કચ્છી ભાષામાં લોકોને આવકાર્યા હતાં. ત્યારબાદ બે-ત્રણ મિનિટ સુધી કચ્છી ભાષામાં વાર્તાલાપ કર્યા બાદ તેમણે આખુંય સંબોધન ગુજરાતી ભાષામાં કર્યું હતું. કચ્છી ભાષણે લોકોમાં લાગણીસભર ઉત્સાહનો સંચાર કર્યો હતો.
‘ખડ, પાણી ને ખાખરા...’
નરેન્દ્ર મોદીએ જસદણમાં પ્રવચનની શરૂઆત પાંચાળ ભૂમિની ઓળખ સમાન દુહા ‘ખડ, પાણી ને ખાખરા પાણાનો નહિ પાર, વગર દીવે વાળુ કરે, દેવકો અમારો પાંચાળ’ શબ્દોથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉ વાળુ કરવા દીવો પણ ન હતો. અમારી સરકારે ગામડાને વીજળી આપી તેમની આ કાયમી મુશ્કેલી દૂર કરી છે.