નવી દિલ્હી, લંડનઃ ભારતની જાહેર અને ખાનગી બેન્કો પાસેથી કિંગફિશર કંપનીના નામે ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લીધા બાદ પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા વિજય માલ્યા સામે હવે આકરા પગલા તોળાઇ રહ્યા છે. લક્ઝુરિયસ જીવનશૈલી અને ‘લિકર કિંગ’ ઉપનામથી જાણીતા વિજય માલ્યા હાલ લંડનમાં હોવાનું મનાય છે.
એક સમયે માલ્યાનું કિંગફિશર ગ્રૂપ ‘ધ કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ ટેગલાઇન સાથે ભારતભરમાં બિયરથી માંડીને એરલાઇન ઉદ્યોગમાં દબદબો ધરાવતું હતું. જોકે હવે જાણે તેમનો ખરાબ સમય શરૂ થયો હોય એમ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઇડી)એ માલ્યાને ૧૮ માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કર્યું છે. જો માલ્યા આ નિયત સમયમાં હાજર નહીં થાય તો તેની સામે બેન્ક, એજન્સી અને ઇડી ત્રણેય મળીને કડક કાર્યવાહી કરશે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ કિંગફિશર ગ્રૂપને જંગી રકમની લોન આપનાર બેંકોમાં તપાસ શરૂ કરી છે. અને આ બધું ઓછું હોય તેમ, માલ્યા રાજ્યસભાના સભ્ય હોવાથી સંસદમાં તેની વિરુદ્ધ પગલા લેવાની તૈયારી ચાલી રહી છે.
માલ્યાના કરતૂત એક પછી એક પટારામાંથી બહાર આવી રહ્યા છે. ઇડીને પુરાવા મળ્યા છે કે માલ્યાએ ખોટી રીતે નાણા વિદેશમાં મોકલ્યા હતા. એક શક્યતા એવી પણ છે કે ટૂંક સમયમાં જ માલ્યાની દેશ અને વિદેશમાં રહેલી સંપત્તિને સીઝ કરવામાં આવશે. ઇડીએ જણાવ્યું હતું કે લોનની રકમને માલ્યાએ બારોબાર વિદેશમાં મોકલી દીધી હતી, આ એક ગુનો છે કેમ કે લોનની રકમને કોઇ પણ વ્યક્તિ વિદેશમાં ખોટી રીતે, બીજા હેતુ માટે મોકલી શકે નહીં.
માલ્યાએ જ્યારે આ નાણા વિદેશમાં મોકલ્યા ત્યારે તેણે બેંકોને પણ અંધારામાં રાખી હતી. આ મામલે તેની સામે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કેસ પણ દાખલ કરાયો છે. સીબીઆઇએ તેની બેંક લોન સંબંધી તમામ ફાઇલોને પોતાના કબજામાં લીધી છે. સીબીઆઇ એ જાણવા માગે છે કે કિંગફિશર એરલાઇન્સ ખોટના ખાડામાં હોવા છતાં તેને લોન આપવા બેંકો તૈયાર કેમ થઇ ગઇ.
માલ્યાની વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જારી થઇ શકે છે. ઇડીએ બેંકોને પત્ર લખીને માલ્યા વિરુદ્ધ વધુ કડક પગલાની તૈયારી કરી લીધી છે. સીબીઆઇ અત્યાર સુધીમાં જૂથના ટોચના અધિકારીઓની પૂછપરછ કરી ચૂકી છે.
ભારત સરકારે ૧૦ માર્ચે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે લગભગ બીજી માર્ચના રોજ માલ્યા ભારત છોડી વિદેશ જતા રહ્યા છે, તેઓ બ્રિટનમાં હોઇ શકે છે. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુરિયન જોસેફ અને આર.એફ. નરિમનની બેંચને આ જાણ કરી હતી.
માલ્યાને લોન આપનારી બેંકોએ સામુહિક રીતે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેમાં માગણી કરાઇ હતી માલ્યાને વિદેશ જતા રોકવા માટે પાસપોર્ટ જપ્ત કરીને કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપે.
સરકારે સુપ્રીમમાં જણાવ્યું હતું કે માલ્યાએ એસબીઆઇ સહિતની લગભગ ૧૭ જેટલી બેંકો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લીધી છે, જેમાંથી એક પણ રૂપિયાની ભરપાઇ કરાઇ નથી,
માલ્યા લંડનના નિવાસસ્થાને?
એક ટીવી ચેનલના અહેવાલો મુજબ માલ્યા હાલ લંડનમાં જ છે. તે લંડનની બહાર પોતાના મેન્શનમાં છે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને મીડિયાકર્મીઓેને આવવા ન દેવા સૂચના આપી છે. એટર્ની જનરલ રોહતગીના મતે માલ્યાનો પાસપોર્ટ રદ કરાય તો તેનો બીજા દેશમાં જવાનો કે રહેવાનો અધિકાર દૂર થઈ જાય છે. તે પરત નહીં આવે તો તેમનો પાસપોર્ટ રદ કરીને તેને ભારત લવાશે.
૧૭ બેન્કની લોન, ૨૨ કેસ
માલ્યા પર ભારતમાં ફ્રોડના જુદા જુદા ૨૨ જેટલા કેસ છે, કિંગફિશર એરલાઇન્સને ડુબતી બચાવવા માટે માલ્યાએ જુદી જુદી ૧૭ જેટલી બેંકો પાસેથી લોન લીધી હતી.
માલ્યાના નામે રાજકારણ
માલ્યા દેશ છોડીને ભાગી ગયાની સરકારની કબૂલાત બાદ બીજા દિવસે સંસદમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસે સવાલ કર્યો હતો કે, સરકાર પાસે તમામ માહિતી હતી છતાં માલ્યા ભાગી કેવી રીતે ગયા? બીજી તરફ ભાજપે આ મુદ્દે બોફોર્સ કાંડનો આધાર લઈ બચાવ કર્યો હતો. ભાજપે જણાવ્યું કે, ક્વાત્રોચી કેવી રીતે ગયો તે જણાવો તો બધું સમજાઈ જશે. આખરે આ મુદ્દે વાતાવરણ ઉગ્ર થતાં કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કર્યો હતો. તે ઉપરાંત રાજ્યસભામાં પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેટલીક માગણી રજૂ કરાઇ હતી. સંસદમાં કોંગ્રેસી નેતા ગુલામનબી આઝાદે આ મુદ્દે સરકારને પક્ષ બનાવવા ઉપરાંત જેટલા લોકો તેમાં સંડોવાયેલા છે તેના સામે તપાસની માગ કરી હતી.
મને વિલન ન બનાવો: માલ્યા
માલ્યાએ કહ્યું છે કે ‘હું ભારતીય છું, મને વિલન ન બનાવો. હું ભારત આવવા માગું છું, પણ મને ડર એ છે કે તે માટે હાલમાં સમય યોગ્ય નથી. મારો ઇરાદો ‘સારો’ હોવા છતાં મારા શબ્દો તોડી-મરોડીને રજૂ કરાય છે.’
ભારતીય મીડિયાને મળવાનો ઈનકાર કરી દેનારા માલ્યાએ બ્રિટનના અંગ્રેજી અખબાર ‘ધ ગાર્ડિયન’ને ઇમેઇલથી આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે એક મિત્ર સાથે વ્યક્તિગત મુલાકાત માટે ભારત આવ્યો હતો. તેણે કહ્યું છે કે ‘ગત વર્ષે મારી સામે લુકઆઉટ નોટિસ જારી કરાઇ હતી, પરંતુ હું ભાગ્યો નહોતો. હવે કેમ મને ગુનેગાર તરીકે દર્શાવાઇ રહ્યો છે.’
માલ્યા કહે છે કે લોન ડિફોલ્ટ એ બિઝનેસ મેટર છે. મારો ઇરાદા સારો હતો. બેન્કો લોન આપે છે ત્યારે તેઓ તેમાં સામેલ જોખમો વિશે જાણતી હોય છે. લોન આપવાનું તેઓ નક્કી કરે છે, અમે નહીં. અમારો બિઝનેસ ફૂલીફાલી રહ્યો હતો, પરંતુ અચાનક ગગડી ગયો છે. માલ્યાએ મીડિયાની ટીકા કરતા કહ્યું હતું કે ‘બ્રિટનમાં મીડિયા મારી પાછળ પડી ગયું છે અને તે મને શિકાર બનાવી રહ્યું છે. પરંતુ હું તેમની સાથે વાત નહિ કરું. તેથી તેઓ તેમનો સમય ન બગાડે. મીડિયા હાઉસ મારા અંગે જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે. કેટલાક લોકો મારી સામે પડ્યા છે. મને નિશાન બનાવાઇ રહ્યો છે.’ તેણે ઉમેર્યું હતું કે ‘લોકોએ તાર્કિકપણે વિચારવું જોઇએ. તેમણે બિઝનેસ સમજવો જોઇએ, ભલે નાનો હોય કે મોટો બિઝનેસ હોય, તમામમાં જોખમો છે. મને આશા છે કે હું એક દિવસ પાછો આવીશ. ભારતે જ મને વિજય માલ્યા બનાવ્યો છે.’
બીજા જ દિવસે ફેરવી તોળ્યુ
આ રિપોર્ટ પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસે માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મીડિયામાં મારું નિવેદન જોઇને મને આશ્ચર્ય થયું છે કેમ કે મેં આવું નિવેદન કર્યું જ નથી. વેરિફિકેશન વગર આ ઇન્ટરવ્યૂ અપાયો છે. મેં આવો કોઇ જ ઇન્ટરવ્યુ આપ્યો જ નથી.’
કઈ બેન્કના કેટલા સલવાયા?
બેન્ક રૂ. (કરોડ)
એસબીઆઈ ૧,૬૦૦
આઇડીબીઆઈ ૮૦૦
પીએનબી ૮૦૦
બેન્ક ઓફ ઇન્ડિયા ૬૫૦
બેન્ક ઓફ બરોડા ૫૫૦
યુનાઇટેડ બેન્ક ઇન્ડિયા ૪૩૦
સેન્ટ્રલ બેન્ક ૪૧૦
યુકો બેન્ક ૩૨૦
કોર્પોરેશન બેન્ક ૩૧૦
સ્ટેટ બેન્ક ઓફ મૈસુર ૧૫૦
ઇન્ડિયન ઓવર્સિસ બેન્ક ૧૪૦
ફેડરલ બેન્ક ૯૦
પંજાબ એન્ડ સિંધ બેન્ક ૬૦
એક્સિસ બેન્ક ૫૦
ત્રણ અન્ય બેન્ક ૬૦૩
ટોટલ ૬,૯૬૩