નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયાના 10 વર્ષ બાદ અને વિવાદાસ્પદ આર્ટિકલ-370 નાબૂદ થયાના પાંચ વર્ષ બાદ પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જેની ચાતક નજરે રાહ જોવાતી હતી તે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની કુલ 90 સીટો માટે ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જ્યારે હરિયાણામાં તમામ 90 સીટો પર એક જ તબક્કામાં પહેલી ઓક્ટોબરે મતદાન થશે. બન્ને રાજ્યમાં ચૂંટણી પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કુલ 90 સીટ પૈકી જે તે રાજકીય પક્ષે સરકાર બનાવવા 46 સીટો જીતવી પડશે. લોકસભાની ચૂંટણી વખતે જમ્મુ-કાશ્મીરના લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યાં 51 ટકાથી વધુ મતદાન થયું હતું. ચૂંટણી પંચને આશા છે કે વિધાનસભા ચૂંટણીમાં પણ મતદારો ઉત્સાહભેર ભાગ લેશે.
કાશ્મીરમાં દસકા બાદ ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણીઓ યોજાઈ હતી. આમ હવે ત્યાં 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારોમાં રાજયમાં પરિવર્તન લાવવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પાંચ વર્ષ પહેલાં રાજ્યમાં કલમ 370 હટાવવામાં આવ્યા પછી વિધાનસભાની આ પહેલી ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવા આદેશ આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં ઘણું બદલાયું
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં અનેક ફેરફાર થઈ ગયા છે. વિધાનસભા ક્ષેત્રોનું પરીસીમન બદલાઈ ગયું છે, જેને પગલે જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત અનુસૂચિત જાતીઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. આ સિવાય કાશ્મીરી પંડિતો માટે પણ બે બેઠક અનામત રખાઈ છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં નવા પરીસીમન પછી વિધાનસભા બેઠકોની સંખ્યા 83થી વધીને 90 થઈ ગઈ છે. કુલ સાત બેઠકોનો વધારો થતાં જમ્મુ ક્ષેત્રની વિધાનસભા બેઠકો 37થી વધીને 43 જ્યારે કાશ્મીરની 46 બેઠક વધીને 47 થઈ છે. આમ હવે, જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર ખીણ પ્રદેશના પ્રતિનિધિત્વનું અંતર એકંદરે ઘણું ઘટી ગયું છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે 16 બેઠકો અનામત છે. તેમાંથી એસસી માટે 7 અને એસટી માટે 9 બેઠકો છે. બીજી બાજુ 74 બેઠકો સામાન્ય કેટેગરીની છે.
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો અનામત રખાઈ છે, જેને કાશ્મીરી પ્રવાસી ગણાવાઈ છે. હવે ઉપરાજ્યપાલ વિધાનસભા માટે ત્રણ સભ્યોને નોમિનેટ કરી શકશે, જેમાં બે કાશ્મીરી પ્રવાસી અને એક પીઓકેથી વિસ્થાપિત વ્યક્તિ હશે. બે કાશ્મીરી પ્રવાસીઓમાંથી એક મહિલા હશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કાશ્મીરી પંડિતોને પ્રતિનિધિત્વ આપવા માટે નોમિનેટ સભ્યોની વ્યવસ્થા રખાઈ છે.
2014માં કોને કેટલી સીટો મળી?
જમ્મુ-કાશ્મીરમાં 2014માં કુલ 111 બેઠકો હતી. તેમાંથી 24 બેઠકો પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર માટે નક્કી કરાયેલી છે. બાકીની 87 બેઠકો પર ચૂંટણી થઈ હતી. જેમાં લદ્દાખની પણ ચાર બેઠકો સામેલ હતી. 2014માં પીડીપી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી પરંતુ પીડીપી બહુમતનો જાદુઈ આંકડો પાર કરી શકી નહોતી. તેવી સ્થિતિમાં પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 25, નેશનલ કોંગ્રેસને 15, કોંગ્રેસને 12, જેકેપીસીને બે, પીડીએફને એક, સીપીઆઇએમને એક અને ત્રણ બેઠક અપક્ષને મળી હતી.
પણ મહારાષ્ટ્રમાં મોડી ચૂંટણી
કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા તથા જમ્મુ-કાશ્મીરની સાથે સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર નહીં કરતાં આશ્ચર્ય સર્જાયું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્દત પણ આગામી નવેમ્બરમાં પૂર્ણ થઈ રહી હોવાથી હરિયાણાની સાથે જ તેની તારીખો જાહેર થશે તેવી અપેક્ષા હતી. પરંતુ, ચૂંટણી પંચે મહોરાષ્ટ્રની તારીખો જાહેર નહીં કરવા માટે એવો અજીબ તર્ક આપ્યો હતો કે મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે મતદાર યાદી ફાઈનલ થઈ નથી અને તે ઉપરાંત ગણેશોત્સવ તથા દિવાળી જેવા તહેવારો અને શ્રાદ્ધ પક્ષ પણ આવી રહ્યાં છે.
ચૂંટણી પહેલાં જોડાણ નહીંઃ ભાજપ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કોઈ પણ પાર્ટી સાથે ચૂંટણી પહેલા ગઠબંધન નહીં કરે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ રવિવારે જણાવ્યું કે, કાશ્મીરમાં ચૂંટણી લડવા માટે 8-10 અપક્ષ દાવેદારો સાથે વાતચીત કરી રહ્યા છીએ. વાતચીત સફળ રહી તો આગળની રણનીતિ બનાવશે. ભાજપ ખીણમાં પોતાના ઉમેદવાર પણ ઉતારશે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટી (જેકેએપી)ના નેતા અને પૂર્વ મંત્રી ચૌધરી ઝુલ્ફીકાર અલી ભાજપમાં જોડાઈ ગયા છે.
કલમ 370 ફરી લાવશુંઃ અબ્દુલ્લા
વિધાનસભા ચૂંટણી જાહેરાત થવાની સાથે નેશનલ કોન્ફરન્સે ઘોષણાપત્ર જાહેર કરી દીધું. પક્ષના નાયબ વડા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જો અમારી સરકાર રચાશે અમે રાજ્યમાં કલમ 370 ફરી લાગુ કરશું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીની સ્થિતિ આપણે જાણીએ છીએ. ભરતી પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે અને યુવાનોને નોકરીઓ મળતી નથી. અમે યુવાનોની બેરોજગારીના મુદ્દાનું પ્રતિબિંબ પાડવા માંગીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે પાણી અને વીજળીની સમસ્યાનું પણ નિરાકરણ લાવીશું અને 200 યુનિટ સુધીની વીજળી મફત આપીશું. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો અમારા કરતાં વધારે વચનો આપશે, પરંતુ તેનો કોઈ ફાયદો નથી કેમ કે તે સત્તામાં આવવાના નથી.