લંડનઃ ભારે વિવાદ છતાં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (‘ફિફા’)ના પ્રમુખ તરીકે સેપ બ્લાટર ચૂંટાઈ આવ્યા બાદ ફૂટબોલ જગતમાં એવું મનાતું હતું કે લાંચકાંડમાં બદનામ થયેલા આ વૈશ્વિક સંગઠનમાં હવે બધું ક્રમશઃ થાળે પડી જશે. જોકે યુરોપીયન દેશોને બ્લાટરની હકાલપટ્ટી સિવાય કંઈ ખપતું ના હોય એમ તેમણે ૨૦૧૮નો રશિયામાં યોજાનારા વર્લ્ડ કપ ફૂટબોલનો બહિષ્કાર કરવાના સંકેત આપતા બ્લાટરે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છું. બ્લાટર પાંચ દિવસ પૂર્વે જ આ હોદ્દા પર પાંચમી ટર્મ માટે ચૂંટાયા હતા.
મોટા ભાગના યુરોપીયન દેશો તેમ જ કેટલાક સાઉથ અમેરિકન દેશો ભેગા થઈને વર્લ્ડ કપ ફૂટબોલની સામે તેમનો પોતાની એક સમાંતર ટુર્નામેન્ટ જ યોજે તેવા લડાયક મૂડમાં છે. યુરોપીય દેશોનો ફૂટબોલ એસોસિએશનોએ શુક્રવારે એક મીટિંગ યોજીને આ અંગે આખરી નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. તેઓ બ્લાટરના નેજા હેઠળના 'ફિફા' અંતર્ગત યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવાના મૂડમાં નથી. માત્ર ૨૦૧૮ના જ નહીં, પણ ૨૦૨૨માં કતારમાં રમાનાર વર્લ્ડ કપ સામે પણ યુરોપીયન દેશોને વાંધો છે. તેમણે એવી ફરિયાદ કરી છે કે રૂ. ૧૭૦૦ કરોડ જેટલો ભ્રષ્ટાચાર કરીને રશિયા અને કતારને વર્લ્ડ કપ ફૂટબોલના યજમાન બનાવાયા છે.
વર્લ્ડ કપના યજમાન બનવાની લડાઇએ ભારે વિખવાદ સર્જ્યો છે. બ્લાટર અને તેના સમર્થક દેશોએ એકસંપ થઇને જેમને યજમાની નથી મળી તેવા દેશોએ મતો ખરીદવા માટે કઈ હદે સોદાબાજી કરી હતી તેનો પર્દાફાશ કરીને કેટલાક ઓફિશ્યલ્સની ધરપકડ કરાવી છે. બીજી તરફ, બળવાખોર યુરોપીયન દેશોનું નેતૃત્વ ૬૬ વર્ષીય એલાન ડાન્સેને લીધું છે. તેમણે એવો વિચાર રજૂ કર્યો છે કે (બ્લાટરના પ્રમુખપદ હેઠળ યોજાનાર ‘ફિફા’ વર્લ્ડ કપમાં રમવાના બદલે) યુરોપીયન દેશો અને કેટલાક સાઉથ અમેરિકન દેશોએ વર્લ્ડ કપની સમાંતર ટૂર્નામેન્ટ રમવી જોઈએ.
જો વર્લ્ડ કપ ફૂટબોલમાંથી યુરોપીયન દેશો નીકળી જાય તો વર્લ્ડ કપ ફૂટબોલનો ફિયાસ્કો થઈ જાય તેમ છે. જોકે બ્લાટરે પોતાની સામેના વિરોધને ધ્યાને લઇને ‘ફિફા’ પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું અણધાર્યું પગલું ભરતાં હવે ફૂટબોલપ્રેમીઓની નજર શુક્રવારની બેઠક પર છે.
રૂ. ૯૫૦ કરોડનો ભ્રષ્ટાચાર
અમેરિકાના ન્યાયવિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ફિફા’ના બે વાઇસ પ્રેસિડેન્ટ સહિત નવ અધિકારીઓ અને પાંચ સ્પોર્ટ્સ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ પણ દોષિત છે. જોકે અત્યારે માત્ર સાત લોકોની જ ધરપકડ કરાઈ છે. આ લોકો સામે અંદાજિત રૂ. ૯૫૦ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ છે.
‘ફિફા’ના સાત અધિકારીઓની ગયા ગુરુવારે ભ્રષ્ટાચારના આરોપ બદલ સ્વિટ્ઝર્લેન્ડના જ્યુરિચમાંથી ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલામાં ‘ફિફા’ના વાઇસ પ્રેસિડેન્ટ જેફરી વેબ પણ સામેલ છે. આ તમામ સામે આરોપ છે કે તેઓ યુએસએ અને લેટિન અમેરિકામાં ફૂટબોલ ટૂર્નામેન્ટના આયોજન દરમિયાન મીડિયા, માર્કેટિંગ અને સ્પોનસરશિપમાં કૌભાંડ આચર્યું છે. કૌભાંડને પગલે વૈશ્વિક સંસ્થા ‘ફિફા’ની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.
ભ્રષ્ટાચારના મૂળ ઊંડા
સ્વિસ અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકાથી આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ મળ્યા બાદ આ કાર્યવાહી કરાઇ હતી. આ તમામ અધિકારીઓ શુક્રવારે યોજાનાર વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં ‘ફિફા’ના નવા પ્રમુખ માટે ચૂંટણી યોજાવાની હતી. સ્વિટ્ઝર્લેન્ડ પોલીસે રેડ કરીને ઇલેક્ટ્રોનિક ડેટા અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અમેરિકાને પોતાની તપાસમાં આ લોકો છેલ્લાં ૨૪ વર્ષ દરમિયાન મની લોન્ડરિંગ અને છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે.
આ મુદ્દે અમેરિકન ન્યૂઝ પેપરે તપાસ અધિકારીઓના હવાલાથી કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચાર સંગઠિત થઈને કરાઇ રહ્યો હતો અને તે ‘ફિફા’માં ઊંડે સુધી ફેલાયો છે. આ ભ્રષ્ટાચાર કેટલાક અધિકારીઓ માટે એક પ્રકારનો વ્યવસાય બની ગયો છે.