નવ મહિનાના લાંબા અંતરિક્ષ પ્રવાસેથી પરત ફરેલા સુનીતા વિલિયમ્સ - બુચ વિલ્મોરે સોમવારે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને એક સવાલ એવો પૂછાયો હતો કે જ્યારે તમે પૃથ્વી પર પાછા ફર્યાં ત્યારે તમે સૌથી પહેલા શું કરવા માગતા હતા? 9 મહિના પછી તમે જે ખાવા માંગતા હતા તે કોઈ પણ ખોરાક. આના જવાબમાં સુનીતાએ કહ્યું હતું કે હું મારા પતિ અને મારાં કૂતરાઓને ભેટવા માગતી હતી. ભોજન એવી વસ્તુ છે જે તમને ઘરની યાદ અપાવે છે. મારા પિતા શાકાહારી હતા, તેથી જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં એક સરસ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ ખાધી.
જ્યારે બુચ વિલ્મોરે કહ્યું હતું કે પરિવાર સાથે, અમે તે બધા લોકોને મળવા માગતા હતા જેઓ અમારી સાથે રહ્યા. આ સાથે અમે અમારા દેશનો આભાર માનીએ છીએ, જેણે આપણને આ તક આપી.
અવકાશયાત્રીઓ સાથેની વાતચીતના અંશોઃ
• સ્ટારલાઈન અવકાશયાન ઉડાન ન કરી શક્યું તે માટે તમે કોને જવાબદાર માનો છો?
બુચ વિલ્મોરઃ બોઇંગ, ‘નાસા’ અને અમે બધા જવાબદાર છીએ. આપણે આગળ જોવું જોઈએ, આપણે કોઈને દોષ આપીને બેસી ન શકીએ. વિશ્વાસ વિના આપણે આ વ્યવસાયમાં ટકી શકતા નથી. આવી સ્થિતિમાં, પાછળ ફરીને કોઈને દોષ આપવાને બદલે, આપણે આગળ આવનારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે આ સમગ્ર પ્રક્રિયામાંથી શીખીશું જેથી ભવિષ્યમાં સફળ થઈ શકીએ.
• જો તમને તક મળે, તો શું તમે ફરીથી સ્ટારલાઇનરમાં ઉડાન ભરશો?
વિલ્મોરઃ હા, બિલકુલ. ગમે તે સમસ્યાઓ આવી હોય, અમે તેને ઠીક કરી રહ્યા છીએ. બોઇંગ અને ‘નાસા’ આ બધી બાબતો માટે સંપૂર્ણપણે સમર્પિત છે.
સુનીતાઃ હું પણ સંપૂર્ણપણે સંમત છું. સ્ટારલાઇનર અવકાશયાન સંપૂર્ણપણે સક્ષમ છે. કેટલીક બાબતો એવી છે જેને સુધારવાની જરૂર છે, જેના પર કામ ચાલી રહ્યું છે. આ ખૂબ જ સરસ અવકાશયાન છે. તેમાં ઘણી એવી વિશેષતાઓ છે જે અન્ય અવકાશયાનમાં નથી.
આમ, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બંનેએ કહ્યું હતું કે જો તેમને તક મળશે તો તેઓ સ્ટારલાઇનર પર ફરીથી અવકાશમાં જવા માગશે.
• તમારા વિશે જે અલગ અલગ વાતો ફેલાઈ રહી હતી તેના વિશે તમે શું કહેશો?
વિલ્મોરઃ અમે બધા પહેલાં પણ ઉડાન ભરી ચૂક્યાં છીએ અને અમને ખબર હતી કે વસ્તુઓ ખોટી થઈ શકે છે. અમે આ માટે સંપૂર્ણપણે તૈયાર હતા. અમને આ બધી બાબતો માટે તાલીમ આપવામાં આવે છે. જો અમારી જગ્યાએ કોઈ બીજું હોત, તો તેણે પણ એ જ રીતે કામ કર્યું હોત.
સુનીતા: તે ફક્ત બુચ અને મારા વિશે નહોતું. આ એક ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કાર્યક્રમ હતો. અમે દરેક વસ્તુ માટે તૈયાર હતાં. જેથી મિશન પૂર્ણ થઈ શકે. ઘણા લોકો આ કાર્યક્રમ પર નજર રાખી રહ્યા હતા, તેઓ અમારા પાછા ફરવાનો યોગ્ય સમય જાણતા હતા. અમે તે નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા, જે એકદમ સાચો છે.
• તમારા મિશન અંગે રાજનીતિ કરવામાં આવી હતી. તમને શું લાગે છે કે આનાથી અન્ય અવકાશયાત્રીઓ પર શું અસર પડશે?
નિક હેગઃ જ્યારે તમે સ્પેસ સ્ટેશન પર હોવ છો, ત્યારે શું તમે આ રાજકીય બાબતો પર કોઈ ધ્યાન આપો છો? અમારું ધ્યાન મિશન પર હતું, રાજકારણ માટે કોઈ જગ્યા નહોતી. સુનિતા અને બુચ અવકાશ મિશનમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યાં હતાં. સની (સુનીતા વિલિયમ્સ) પણ એક સ્પેસ કમાન્ડર હતી.
• તમે 9 મહિના માટે સ્પેસ સ્ટેશન પર હતા, તો તમને રિકવરી પ્રોસેસ કેવી લાગે છે?
વિલ્મોરઃ અમારી પાસે ઘણા રિહેબિલિટેશન નિષ્ણાતો છે. અમે દરરોજ તેમની સાથે કસરત કરીએ છીએ. અમે સ્પેસ સ્ટેશન પર પણ ઘણી કસરત કરી. આજ સુધી મેં મારા જીવનમાં જેટલી કરી છે તેના કરતાં વધુ.
સુનીતાઃ નિષ્ણાતો અમારા રિહેબિલિટેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પૃથ્વી પર આવ્યા પછી, અમે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કર્યું છે.
• શું બોઇંગની સમસ્યા ભવિષ્યના અવકાશ મિશનમાં વિલંબ તરફ દોરી જશે?
સુનીતાઃ આ એક સારો પ્રશ્ન છે. આમાંથી અમે આશાનો પાઠ શીખ્યા છીએ, અમે દરેક નાની ભૂલમાંથી શીખી રહ્યા છીએ. તો ભવિષ્યમાં વધુ સારી રીતે કામ કરીશું. અમે શીખીએ છીએ, વિકાસ કરીએ છીએ અને વધુ સારું કરીએ છીએ.
• આ બધી બાબતો સાથે તમારા વ્યક્તિગત ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
નિક હેગઃ અમે બધાએ સ્પેસ સ્ટેશન પર અનેક મિશન કર્યાં છે. અમે અત્યારે સ્પેસ સ્ટેશનના સુવર્ણ યુગમાં છીએ. જ્યારે હું માનવ અવકાશ સંશોધનના ભવિષ્ય વિશે વિચારું છું ત્યારે હું આશાવાદી છું.
• શું તમે શૂન્ય ગુરુત્વાકર્ષણથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા ફર્યા ત્યારે તમારા અનુભવ અંગે કહેશો?
વિલ્મોરઃ હું તમને કહી શકું છું કે અવકાશથી પૃથ્વી પર આવતી વખતે 3000 ડિગ્રી ફાયરબોલ પ્લાઝ્માની અંદર હોવું ખૂબ જ વિચિત્ર હતું. તે ખૂબ જ રોમાંચક હતું.
• 9 મહિના અવકાશમાં રહ્યા પછી તમે કેવી રીતે સ્વસ્થ થઈ રહ્યાં છો?
સુનીતાઃ અમે ધીમે ધીમે બધી બાબતોમાંથી સ્વસ્થ થઈ રહ્યાં છીએ. આ ખૂબ જ આશ્ચર્યજનક છે કે કેવી રીતે તમારું શરીર બધી જ વસ્તુઓને ધીમે ધીમે અડોપ્ટ કરે છે. જ્યારે અમે પહેલીવાર પૃથ્વી પર આવ્યાં, ત્યારે અમે ડગમગવા લાગ્યાં. અમને ફક્ત 4 કલાક પછી ફેરફારો દેખાવા લાગે છે. માનવ મન તેની આસપાસની વસ્તુઓને સમજવાનું શરૂ કરે છે. એક અઠવાડિયામાં સારું લાગવા લાગે છે.
• આ મિશનમાંથી તમારા જીવનને શું બોધપાઠ મળ્યો?
સુનીતાઃ હું આ રીતે જોઉં છું કે, આવા મુશ્કેલ સંજોગોમાં પણ મારી સામે અનેક તક છે. એવું નથી કે મેં કોઈ તક ગુમાવી છે, મને બીજી તક મળી ગઈ છે. આ સમય દરમિયાન મેં ઘણી બધી બાબતો શીખી છે. જ્યારે વસ્તુઓ તમારા મતે ન હોય, ત્યારે તમારી આંખો બંધ કરો અને વિચારો કે હવે તમારા માટે શું સારું રાહ જોઈ રહ્યું છે.
વિલ્મોરઃ હું બાઇબલ અને તેમાં રહેલા મેસેજમાં વિશ્વાસ કરું છું, તે મેસેજ છે જેના દ્વારા હું જીવી રહ્યો છું. કોઈ પણ વ્યક્તિ દુ:ખ વિના જીવન જીવી શકતી નથી. આ બધા પડકારો આપણને વિકાસમાં મદદ કરે છે. આપણે આ બાબતોમાંથી શીખીએ છીએ.
• બુચ અને સુની (સુનીતા), તમે બંને ઘણી રજાઓ ચૂકી ગયાં છો. હવે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે કંઈ ખાસ આયોજન બનાવી રહ્યાં છો?
વિલ્મોરઃ અમને નથી લાગતું કે અમે કંઈ ચૂકી ગયાં છીએ. અમે સ્પેસ સ્ટેશન પર પણ બધું સેલિબ્રેટ કર્યું છે.
સુનીતાઃ અમારા માટે ત્યાં રજાઓ ગાળવી એ અનોખી વાત હતી, આ રજાઓ અમારા માટે ખૂબ જ ખાસ હતી.