ટોરોન્ટો - નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર હિન્દુઓને રક્ષણ પૂરું પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે અને તેને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે દખલ કરવી જોઈએ તેમ ટોરોન્ટો સ્થિત ગ્લોબલ બેંગાલી હિન્દુ કોઅલિશનનું કહેવું છે. બીજી બાજુ, બ્રિટનમાં બાંગ્લાદેશી મૂળનાં લેબર પાર્ટીના નેતા પુષ્પિતા ગુપ્તાએ બાંગ્લાદેશના હિન્દુઓ માટે અલગ દેશ બનાવવાની માગ કરી છે.
તો હિન્દુઓ બાંગ્લાદેશમાંથી નામશેષ થઇ જશે
વિદેશમાં રહેતા બાંગ્લાદેશી હિન્દુઓએ તેમના વતનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. ટોરોન્ટો સ્થિત અધિકારો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્લોબલ બેંગાલી હિન્દુ કોઅલિશન (જીબીએચસી)ના સુસાન્તા દાસગુપ્તાએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓએ ભારે અત્યાચારોનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશમાં તેમની સુરક્ષા અનિશ્ચિત છે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓના પતન પર પ્રકાશ પાડતાં કહ્યું, 1951માં બાંગ્લાદેશમાં 22 ટકા હિન્દુઓ હતા, જે 2022 સુધીમાં ઘટીને 7.5 ટકા થઈ ગયા છે. હિન્દુઓના પતનનો આ જ દર રહેશે તો 2046સુધીમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ નામશેષ થઈ જશે.
ચિન્મય પ્રભુની જામીન અરજી ફરી નકારાઇ
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી યુનુસ સરકાર દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. હિન્દુ મંદિરો પર હુમલા કરીને તેની તોડફોડ કરાઈ રહી છે. સરકાર દ્વારા પકડવામાં આવેલા સંત ચિન્મય પ્રભુ દાસની જામીન અરજી કોર્ટ દ્વારા બીજી વખત ફગાવાઈ છે. ચટગાંવની સેશન્સ કોર્ટનાં જજ દ્વારા બંને પક્ષકારોની અડધો કલાક દલીલો સાંભળ્યા પછી ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી દેવાઇ હતી. સુપ્રીમ કોર્ટનાં 11 વકીલોની ટીમ દ્વારા તેમનો કેસ રજૂ કરાયો હતો પણ જજે એક પણ દલીલ ધ્યાને લીધી ન હતી.
હવે શેખ મુજીબૂર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા નહીં
બાંગ્લાદેશમાં વચગાળાની નવી સરકાર દ્વારા હવે શેખ મુજીબૂર રહેમાનનો ઈતિહાસ બદલાઇ રહ્યો છે. ગત પાંચમી ઓગસ્ટે શેખ હસીનાને સત્તા પરથી હટાવાયા પછી કાર્યભાર સંભાળનાર મોહમ્મદ યુનુસની વાચગાળાની સરકારે બાંગ્લાદેશનાં પાઠયપુસ્તકોમાં ઈતિહાસ બદલવાનું શરૂ કર્યું છે. નવા ફેરફાર મુજબ હવે બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવનાર શેખ મુજીબૂર રહેમાન ‘ફાધર ઓફ નેશન’ ગણાશે નહીં.
નવા પુસ્તકોમાં બાંગ્લાદેશની આઝાદીની જાહેરાત 1971માં ઝિયા ઉર રહેમાન દ્વારા કરાયાનો ઉલ્લેખ કરાયો છે. શેખ મુજીબૂર રહેમાનની હત્યાનાં દિવસ 15 ઓગસ્ટની જાહેર રજા પણ રદ કરી દેવાઇ છે. પ્રાઇમરી અને સેકન્ડરી સ્કુલનાં પુસ્તકોમાં શેખ મુજીબૂર રહેમાનની રાષ્ટ્રપિતા તરીકેની ઓળખ હટાવાઇ છે.