કાઠમંડુ, નવી દિલ્હીઃ ‘બિકિની કિલર’ તરીકે કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ જેલના સળિયા પાછળથી બહાર આવી ગયો છે. 19 વર્ષથી જેલમાં કેદ ચાર્લ્સને જેલમુક્ત કરવા નેપાળ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા હતા. જોકે જેલમુક્તિના ગણતરીના કલાકોમાં તેને ફ્રાન્સ રવાના કરી દેવાયો હતો. ગુનાઓની દુનિયામાં 'બિકિની કિલર' અને સીરિયલ કિલરના નામથી જાણીતા શોભરાજ પર ભારત, થાઈલેન્ડ, તુર્કી અને ઈરાનમાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ છે. ભારતીય પિતા અને વિયેતનામી માતાનું સંતાન એવા ચાર્લ્સ પર 1975માં નેપાળમાં પ્રવેશ કરવા માટે એક નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા માટે તેમજ બે પર્યટકો - અમેરિકી નાગરિક કોની જો બોરોનઝિચ અને તેની પ્રેમિકા કેનેડાની લોરેન્ટ કૈરિએરની હત્યા કરવાનો આરોપ હતો.
2003માં થઈ હતી ધરપકડ
પહેલી સપ્ટેમ્બર 2003ના રોજ એક સમાચાર પત્રમાં તેની તસવીર પ્રકાશિત થઇ હતી. જેમાં શોભરાજ નેપાળમાં એક કસિનો બહાર જોવા મળ્યો હતો. પોલીસે તેની ધરપકડ બાદ તેની વિરુદ્ધ 1975માં કાઠમંડુ અને ભક્તપુરમાં અમેરિકી દંપતીની હત્યા બદલ બે અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા. તે કાઠમંડુની સેન્ટ્રલ જેલમાં 21 વર્ષની સજા કાપી રહ્યો હતો. તેને હત્યાકેસમાં 20 વર્ષની અને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા માટે એક વર્ષની સજા ફટકારાઇ હતી.
બિકિની કિલરની ઓળખ કેમ મળી?
ચાર્લ્સ શોભરાજને ગુનાઓની દુનિયામાં બિકિની કિલરના નામે ઓળખવામાં આવતો હતો. શોભરાજ 1970ના દાયકાથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય હતો. માનવામાં આવે છે કે તેણે દક્ષિણ પૂર્વ એશિયામાં જ 12 લોકોની હત્યા કરી હતી.
વિશ્વના અનેક દેશોમાં હત્યા કરી ચૂકેલા ચાર્લ્સ શોભરાજનો જન્મ એક સમયે જાપાની કબજો ધરાવતા સાઇગોનમાં એપ્રિલ 1944ના રોજ થયો હતો. વિયેતનામમાં જન્મેલા શોભરાજના પિતા ભારતીય અને માતા વિયેતનામી હતી. પિતાનું મૃત્યુ થતાં માતાએ બીજા લગ્ન કરી લીધા. માતાનો નવો પતિ ફ્રાન્સની સેનાનો લેફ્ટનેન્ટ હતો. માતાના નવા પતિએ ચાર્લ્સને અપનાવી લીધો હતો. આ પછી તે નાની ઉંમરમાં ફ્રાન્સ જતો રહ્યો ને નાની-નાની ચોરી જેવા ગુના આચરતો હતો. આ પછી ચાર્લ્સ પેરિસના રસ્તાઓ પરથી કાર ચોરવા લાગ્યો. પેરિસની જેલ સુધી પહોંચી ગયો હતો. જેલકર્મીઓએ અહીં પણ તેને ગેરકાયદે છૂટછાટ આપી હતી. પેરોલ પર બહાર નીકળીને પેરિસની અંધારી આલમ સાથે હાથ મિલાવી લીધા. તે પછી સતત તેની અપરાધ પ્રવૃત્તિ વધતી જ ગઈ.
1970ના દાયકામાં શોભરાજે દક્ષિણ પૂર્વ એશિયાની યાત્રા કરી, જ્યાં હત્યાને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. તેણે મુખ્યત્વે થાઈલેન્ડ, ભારત અને નેપાળના પર્યટકોને નિશાન બનાવ્યા હતા. તે પહેલા દોસ્તી કરતો, પછી ડ્રગ્સ આપતો અને તેના સામાનની ચોરી કરતો હતો. કેટલાક કેસમાં લોકોની હત્યા પણ કરી હતી.
શોભરાજને મીડિયા અને પોલીસ બિકિની કિલર તરીકે ઓળખતી કારણ કે તેનો શિકાર સામાન્ય રીતે રજાઓ પર આવનાર પર્યટક યુવતીઓ રહેતી જે બિકિની પહેરતી હતી. તે બિકિની પહેરતી યુવતીઓની હત્યા કરતો હતો તેથી તેને ‘બિકિની કિલર’નું ઉપનામ મળ્યું હતું. તે ખુબ ચાલાક હતો અને યુવતીઓને ફસાવી લેતો હતો. નેપાળમાં હત્યા કેસમાં વીતેલા 19 વર્ષથી તે સજા કાપી રહ્યો હતો.
શા માટે જેલમાંથી મુક્તિ મળી?
નેપાળ વરિષ્ઠ નાગરિક અધિનિયમને કારણે શોભરાજ જેલમુક્ત થયો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં પણ તે કાયદાનો ઉલ્લેખ કર્યો છે. શોભરાજના વકીલ લાંબા સમયથી શોભરાજને ક્ષમા કરવાની માગણી કરી રહ્યા હતા. વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2063ની કલમ 12(1)ની જોગવાઈ ઉંમરલાયક કેદીઓને સજામાં છૂટછાટની મંજૂરી આપે છે. શોભરાજ હાલ 78 વર્ષનો થઈ ગયો છે. નેપાળના કાયદાએ તેમને જેલમુક્ત થવામાં તેથી મદદ કરી. નેપાળમાં ફ્રાન્સના દૂતાવાસે પણ શોભરાજની તબિયતને ધ્યાને રાખીને જેલમુક્તિ માટે નેપાળ સરકારનો સંપર્ક સાધ્યો હતો. નેપાળના કાયદા મુજબ 65 વર્ષના કેદીની વર્તણૂક સારી હોય તો સજામાં 75 ટકા સુધી છૂટછાટ આપી શકાય છે.
નવ દેશોની પોલીસ પાછળ હતી
નેપાળી કોર્ટે ભલે ચાર્લ્સ શોભરાજને જેલમુક્ત કર્યો હોય. પરંતુ એક સમય એવો હતો કે નવ - નવ દેશોની પોલીસ શોભરાજની પાછળ પડી હતી. એક સમયે ભારત, નેપાળ, મ્યાંમાર, થાઇલેન્ડ, ફ્રાન્સ, ઇરાન, ગ્રીસ, તુર્કી સહિતના દેશોની પોલીસ શોભરાજને શોધી રહી હતી. એક અહેવાલ મુજબ શોભરાજે 20થી વધુ હત્યાઓ કરી હતી. ફ્રાન્સ, ભારત અને નેપાળની જેલોમાં ચાર્લ્સ સજા કાપી ચૂક્યો છે. રસ્તાથી માંડીને સિનેમાગૃહો સુધી ચાર્લ્સ શોભરાજના નામની ચર્ચા થતી રહેતી હતી.
ભારતમાં 4 વર્ષમાં 24 હત્યા કરી હતી?
ચાર્લ્સ શોભરાજ અને તેની પત્ની સંતલ 1970માં પોલીસથી બચતાં બચતાં 1970માં ભારત આવ્યા હતા. મુંબઇમાં સંતલે એક પુત્રીને જન્મ આપ્યો હતો. તે સમયે જ શોભરાજ બિકિની કિલર તરીકે કુખ્યાત થયો હતો. વિદેશી પર્યટકોને મિત્ર બનાવીને તેમને નશીલી દવા આપીને તેમની હત્યા કેરી દેતો હતો. વિદેશી મહિલાઓને તે શિકાર બનાવતો હતો. કહેવાય છે કે ભારતમાં ચાર જ વર્ષમાં તેણે 24 લોકોની હત્યા કરી હતી. 1979માં ભારતમાં પોલીસને હાથે તે ઝડપાઈ ગયો હતો, પરંતુ 1986માં જેલમાંથી નાસી જેવામાં સફળ રહ્યો હતો.
શોભરાજ અને બોલિવૂડ ફિલ્મો
ચાર્લ્સના જીવન પર અનેક ફિલ્મો બની અને પુસ્તકો પણ લખાયા છે. થોમસ થોમ્પસનની ફિલ્મ ‘સર્પેન્ટાઇન’(1979), રિચર્ડ નેવિલ અને જુલી ક્લાર્કની ફિલ્મ ‘લાઇફ એન્ડ ક્રાઇમ ઓફ ચાર્લ્સ શોભરાજ' (1980) તેમ જ નોએલ બાર્બરની ફિલ્મ ‘ધ બિકિની મર્ડરર્સ’ જેવી ફિલ્મો ચાર્લ્સ શોભરાજના જીવન ઉપર જ બની હતી. તે દિલ્હીની તિહાડ જેલમાંથી ભાગ્યો તે કથાનક પર વર્ષ 2015માં હિન્દી ફિલ્મ ‘મૈં ઔર ચાર્લ્સ’ બની હતી. મિની વેબ સિરીઝ ‘ધ સર્પેન્ટ’ પણ ચાર્લ્સ શોભરાજના જીવન આધારિત જ હતી.