અયોધ્યાઃ અયોધ્યામાં રામમંદિરના નિર્માણના મુદ્દે કોર્ટમાં ભલે જુદા જુદા જૂથો વચ્ચે કાનૂની ખેંચતાણ ચાલી રહી હોય, પરંતુ મુસ્લિમ સમુદાયની એક જૂથ એવું પણ છે જે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે જ મંદિર નિર્માણ માટે દૃઢ નિશ્ચયી છે. મુસ્લિમ કારસેવક મંચ નામની આ સંસ્થાના ૫૦ સભ્યો ગુરુવારે સાંજે એક ટ્રકમાં ૩,૦૦૦ ઈંટો લઈને અયોધ્યા પહોંચ્યા હતા. એટલું જ નહીં, તેમણે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે આ ઈંટોનો ઉપયોગ રામમંદિરના નિર્માણ માટે કરવામાં આવે. આ મુસ્લિમ કારસેવકોએ જયશ્રી રામના નારા સાથે ‘મંદિર વહીં બનાયેંગે’નાં સૂત્રો પોકાર્યા હતા. મુસ્લિમ કારસેવકોએ કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બનાવાથી દેશની પ્રગતિ થશે અને દેશાં લોકોની પ્રગતિ તેમજ ઉન્નતિ થશે.
રામ હિંદુસ્તાની ઓળખ છેઃ આઝમ ખાન
મુસ્લિમ કારસેવક મંચના અધ્યક્ષ આઝમ ખાનને થોડાક દિવસ પહેલા લખનઉમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે લખનઉમાં આશરે ૧૨ જેટલાં સ્થળોએ અયોધ્યામાં રામમંદિર બનાવવાની વાતને ટેકો આપીને પોતાના ફોટોગ્રાફ સાથેના હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લગાવ્યાં હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે ‘દેશ કે મુસલમાનો કા યહી હૈ માન, શ્રી રામમંદિર કા હો નિર્માણ’.
પોલીસે વિવાદિત સ્થળે જતા અટકાવ્યા
અખબારી અહેવાલ અનુસાર, ૫૦ જેટલા કારસેવકોએ રામલલ્લાના દર્શન કર્યાં હતાં. મંદિર બનાવવા માટે લાવેલી ઇંટોની ટ્રક સાથે તેઓ સમગ્ર શહેરમાં ફર્યા હતા અને ‘જય શ્રીરામ’ તેમજ ‘મંદિર વહી બનાયેંગે’ના નારા પોકાર્યા હતા. આ લોકોએ કહ્યું હતું રામમંદિર અહીં જ બનવું જોઈએ. આનાથી દેશની પ્રગતિ થશે અને દેશ સમૃદ્ધ થશે. જોકે પોલીસે આ કારસેવકોને વિવાદિત પરિસર નજીક જતા રોક્યા હતા. પોલીસે તેમને સમજાવીને મંદિર પરિસર નજીકથી પાછા મોકલ્યા હતા.
હિંદુ-મુસ્લિમો વચ્ચે નફરત ઘટશે
મુસ્લમ કારસેવક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે રામમંદિર અહીં જ બને એવું અમે ઇચ્છીએ છીએ. રામમંદિરનાં નિર્માણથી દેશનું નિર્માણ થશે અને સૌની પ્રગતિ અને ઉન્નતિ થશે. મંદિર બનાવવાથી હિંદુ અને મુસ્લિમો વચ્ચે નફરતની ખાઈ ઓછી થશે. હિંદુસ્તાનના મુસલમાનો હવે જાગી ગયાં છે. કોમના દલાલોએ તેમને અત્યાર સુધી બહુ બેવકૂફ બનાવ્યા છે. હવે હિંદુસ્તાનનાં મુસ્લિમો મંદિર બનાવવાની તરફેણમાં આવી ગયા છે. જ્યાં રામલલ્લા બિરાજમાન છે ત્યાં જ મંદિર બનશે. હવે અમે આવી ગયા છીએ. ભવ્ય મંદિર બનાવીને ત્યાં રામલલ્લાને સ્થાપિત કરવામાં આવશે.