‘મહારાજા’ની ઘરવાપસી

Friday 04th February 2022 04:33 EST
 
 

લંડનઃ ભારતના એવિએશન સેક્ટરના ઇતિહાસમાં ૧૫ ઓક્ટોબર ૧૯૩૨, ૧ ઓગસ્ટ ૧૯૩૫, ૮ ઓક્ટોબર ૨૦૨૧ અને ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસો ઐતિહાસિક બની ગયાં છે. ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ટાટા એરલાઇન્સના હેવીલેન્ડ પસ મોથવિમાને અમદાવાદ-કરાચી-મુંબઇની ઉડાન ભરી હતી. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયા પછી ૧૯૫૩માં તત્કાલિન નહેરૂ સરકાર દ્વારા સંસદમાં એર કોર્પોરેશન એક્ટ ઘડાયો અને ટાટા એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરી સરકાર હસ્તકની એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સનો પ્રારંભ કરાયો. 

તે વાતને ૬૮ વર્ષ વીતી ગયાં અને એર ઇન્ડિયા સરકારી બાબુશાહી અને ભ્રષ્ટાચારના કારણે તોતિંગ દેવામાં દટાઇ ગઇ. ઘણી સરકારોએ એર ઇન્ડિયાના ખાનગીકરણના પ્રયાસ કર્યા પરંતુ આખરે ૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ અગ્રણી ઔદ્યોગિક જૂથ ટાટાને પુનઃ એર ઇન્ડિયાનો હવાલો સોંપવાનો નિર્ણય લેવાયો. આખરે ૬૯ વર્ષના લાંબા ગાળા બાદ ૨૭ જાન્યુઆરીના રોજ ભારત સરકારે એર ઇન્ડિયાનો હવાલો ટાટા એન્ડ સન્સને સોંપી દીધો. એર ઇન્ડિયાના ૧૦૦ ટકા શેર ટાટા એન્ડ સન્સની પેટા કંપની ટેલેસ પ્રા.લિ.ને ટ્રાન્સફર થઇ ગયાં. આમ ૧૯૩૨માં જમશેદજી ટાટા દ્વારા શરૂ થયેલી એર ઇન્ડિયાની ટાટા એન્ડ સન્સમાં ઘરવાપસી થઇ છે. એર ઇન્ડિયાને ખરીદવા સ્પાઇસ જેટના વડા અજય સિંહ પણ મેદાનમાં હતા, પણ સરકારે ટાટા એન્ડ સન્સની રૂ. ૧૮,૦૦૦ કરોડની બોલી સ્વીકારી. ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એર ઇન્ડિયાને હસ્તગત કરતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બાદમાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાને હસ્તગત કરવાની પ્રક્રિયા સમાપ્ત થતાં અમે ઘણા ખુશ છીએ. અમે એર ઇન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઇન બનાવવા માગીએ છીએ.
ત્રીજા પ્રયાસે એર ઇન્ડિયાને વેચવામાં સફળતા
સતત ખોટ કરી રહેલી એર ઇન્ડિયાને વેચવાના પ્રયાસોમાં મોદી સરકારને સફળતા મળી છે. એવું નથી કે અગાઉની સરકારોએ એર ઇન્ડિયાને વેચવાના પ્રયાસ કર્યાં નહોતા. ૨૦૦૧માં તત્કાલિન વાજપેયી સરકારે એર ઇન્ડિયાનો ૪૦ ટકા હિસ્સો વેચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદેશી કંપનીઓ સિવાય તેમાં કોઇએ રસ દર્શાવ્યો નહોતો. પછી યુપીએ સરકાર દ્વારા કોઇ પ્રયાસ કરાયો નહોતો પરંતુ ૨૦૧૮માં મોદી સરકારે એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ સંભવિત ખરીદદાર કંપનીને એર ઇન્ડિયામાં સરકારનો હસ્તક્ષેપ કે હિસ્સો સ્વીકાર્ય નહોતો. આખરે ૨૦૨૧માં એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની પ્રક્રિયા હાથ ધરાઇ અને સોદો પાર પડ્યો.

૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ટાટા એરલાઇન્સની પ્રથમ ઉડાન
ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ એપ્રિલ ૧૯૩૨માં એર ઇન્ડિયા એટલે કે તત્કાલિન ટાટા એરલાઇન્સ સ્થાપી હતી. જોકે ટાટા એરલાઇન્સની પહેલી કોમર્શિયલ ફ્લાઇટે ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ઉડાન ભરી હતી. તે સમયે સિંગલ એન્જિન ધરાવતું હેવીલેન્ડ પસમોથ વિમાન અમદાવાદ -કરાચી- મુંબઇ ગયું હતું. જોકે આ પહેલી ફ્લાઇટમાં એક પણ પ્રવાસી નહીં પરંતુ ૨૫ કિલો પત્ર હતાં. આ પત્રો લંડનથી ઇમ્પિરિયલ એરવેઝ દ્વારા કરાચી લવાયા હતા. ટાટા એરલાઇન્સે પ્રવાસીઓ સાથેની પહેલી ઉડાન ૧૯૩૩માં ભરી હતી. આ કંપનીની સ્થાપના માટે ટાટાએ તે સમયે રૂપિયા બે લાખનું રોકાણ કર્યું હતું.

૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ટાટાના નેજામાં એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ
૨૭ જાન્યુઆરી ૨૦૨૨ રોજ ટાટાના નેજામાં એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ AI665એ દિલ્હીથી મુંબઇ ઉડાન ભરી હતી. તે સમયે ફ્લાઇટના કેપ્ટન વરુણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ડિયર ગેસ્ટ્સ, હું તમારો કેપ્ટન બોલી રહ્યો છું. આ ઐતિહાસિક ફ્લાઇટમાં તમારું સ્વાગત છે. આજે એર ઇન્ડિયા સાત દાયકા બાદ સત્તાવાર રીતે ટાટા ગ્રૂપનો હિસ્સો બની છે. અમે નવી પ્રતિબદ્ધતા અને જુસ્સા સાથે એર ઇન્ડિયાની દરેક ફ્લાઇટમાં તમારી સેવા માટે તત્પર છીએ. એર ઇન્ડિયાના ભવિષ્યમાં સ્વાગત છે.

પાક. બિઝનેસમેનના દેખાવ પરથી મહારાજનો મેસ્કોટ
એર ઇન્ડિયાનું પ્રતીક મહારાજાનો અવતાર કેવી રીતે થયો તેની પાછળ પણ દિલચસ્પ કહાણી છે. શેરવાની જેવો લાલ રંગનો રાજવી પોશાક, મોટી મૂછ, લાંબુ નાક, શાહી પાઘડી અને સ્વાગત કરતું સ્મિત. એર ઇન્ડિયાના મહારાજાના મેસ્કોટનો આઇડિયા એક પાકિસ્તાની બિઝનેસમેન પર આધારિત છે. ૧૯૪૬ના દાયકામાં એર ઇન્ડિયાને રિબ્રાન્ડ કરવાની જરૂર જણાઇ ત્યારે કંપનીના સેક્રેટરી અને જેઆરડી ટાટાના મિત્ર એસ કે કૂકાએ મસ્તીખોર મેસ્કોટ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ભારત રાજા-રજવાડાનો દેશ હોવાથી કૂકાના મગજમાં લાહોર સ્થિત બિઝનેસમેન સૈયદ વાજિદ અલીની તસવીર ઉભરી હતી. કૂકાએ મિત્ર ઉમેશ રાવને સૈયદ વાજિદ અલીની તસવીર પરથી મેસ્કોટ તૈયાર કરવા સૂચના આપી અને ઉમેશ રાવે મહારાજાનો સ્કેચ તૈયાર કર્યો હતો. ટાટાના બોર્ડને સ્કેચ ઘણો પસંદ આવ્યો અને મહારાજા નામકરણ કરી દેવાયું હતું. ત્યારથી એર ઇન્ડિયા અને મહારાજા એકબીજાના પર્યાય બની રહ્યાં છે.

ટાટા એર ઇન્ડિયામાં તાત્કાલિક બદલાવ શરૂ
• કેબિન ક્રુને વ્યવસ્થિત વેશપરિધાન કરવા સૂચના
• કેબિન ક્રુને બીએમઆઇ માપદંડોનું ચુસ્તતાથી પાલન કરવા આદેશ
• તમામ કામગીરી સમયસર પૂરી કરવા સૂચના
• ડિપાર્ચરની ૧૦ મિનિટ પહેલા એરક્રાફ્ટના દરવાજા બંધ કરી દેવાશે
• તાજ ગ્રૂપની એરલાઇન કેટરિંગ સર્વિસ તાજ એસએટીએસના પ્લાનિંગ પ્રમાણે ફ્લાઇટમાં ભોજન પીરસાશે

એર એશિયા અને વિસ્તારામાં પણ ટાટા ગ્રૂપની ભાગીદારી
ટાટા એન્ડ સન્સ હવે એર ઇન્ડિયાની માલિકીની સાથે એર એશિયા અને વિસ્તારા એરલાઇન્સમાં પણ ભાગીદારી ધરાવે છે. એર એશિયા ઇન્ડિયામાં ટાટાની સાથે મલેશિયન એરલાઇન્સ એર એશિયા બરહાદ અને વિસ્તારામાં ટાટાની સાથે સિંગાપોર એરલાઇન્સની ભાગીદારી છે. ટાટા સન્સમાં લગભગ ૧૦૦ કંપનીનો સમાવેશ થાય છે જે પોલાદ, મોટર વ્હિકલ્સથી માંડીને મીઠા સુધીના ઉત્પાદનો કરે છે. ટાટા ગ્રૂપ સાથે ૩.૫ લાખ કરતાં વધુ કર્મચારીઓ સંકળાયેલા છે.
ભારતીય એવિએશન માટે ગેમ ચેન્જર સોદો
એવિએશન ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે ભારત સરકાર અને ટાટા ગ્રૂપ વચ્ચેનો એર ઇન્ડિયાનો સોદો ભારતીય એવિએશન ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે. ટાટા હસ્તક એર ઇન્ડિયા જતા માર્કેટમાં વધુ તેજી આવશે પરંતુ અન્ય એરલાઇન્સ કંપનીઓને એર ઇન્ડિયા સાથે સ્પર્ધાનો સામનો કરવા પડશે. એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પ્રેકટિસના રિસર્ચ ડિરેક્ટર નૃપેન્દ્ર સિંહ કહે છે કે એર ઇન્ડિયાનું હસ્તાંતરણ ભારતીય એવિએશન ઉદ્યોગ માટે મોટું ગેમ ચેન્જર સાબિત થશે. ઇન્ડિગો અને સ્પાઇસ જેટને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે.

એર ઇન્ડિયા – ભારત સરકાર - ટાટા એન્ડ સન્સ વચ્ચેનો સોદો

• ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં સમગ્ર સોદો પાર પડ્યો
• ૨૭૦૦ કરોડ રૂપિયા ટાટાએ રોકડમાં ચૂકવ્યા
• ૧૫,૩૦૦ કરોડ રૂપિયા એર ઇન્ડિયાનું દેવુ ટાટા એન્ડ સન્સ ચૂકવશે
• ૬૧૫૦૦ કરોડ રૂપિયા એર ઇન્ડિયાનું કુલ દેવુ
• ૧૨૧ એર ઇન્ડિયાના વિમાન ટાટાને મળશે
• ૨૫ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાન ટાટાને મળશે
• ૫૦ ટકા હિસ્સો ગ્રાઉન્ડ હેન્ડલરAI-SATSમાં મળશે
• ૪૦૦૦ ડોમેસ્ટિક લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ ઘરઆંગણે
• ૧૮૦૦ ઇન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ ઘરઆંગણે
• ૯૦૦ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ વિદેશી એરપોર્ટ પર
• ૧૨,૦૦૦ કર્મચારીઓને એક વર્ષ સુધી જાળવવા પડશે
• ૫ વર્ષ સુધી એર ઇન્ડિયાની બ્રાન્ડ અને લોગો બદલી શકાશે નહીં


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter