‘મારે સેમી ન્યૂડ અને કમ્પ્લીટ ન્યૂડ વીડિયો કરવા પડ્યા હતા’

શર્લિન ચોપરાએ ઉઘાડા પાડ્યા કુન્દ્રાના પોર્ન કરતૂત

Wednesday 11th August 2021 09:01 EDT
 
 

મુંબઇઃ મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ પોર્ન રેકેટ કેસ સંબંધમાં સાતમી ઓગસ્ટે શર્લિન ચોપરાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોર્ન ફિલ્મ કેસની તપાસ કરી રહેલા પ્રોપર્ટી સેલ દ્વારા તેને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે બોલાવાઇ હતી. આ નિવેદનમાં શર્લિન ચોપરાએ કુન્દ્રાના કાળા કરતૂતો ખુલ્લાં પાડતાં જણાવ્યું હતું કે (રાજના કહેવાથી) મારે સેમી ન્યૂડ અને કમ્પલીટ ન્યૂડ વીડિયો કરવા પડ્યા હતા. તેણે આ નિવેદનમાં શિલ્પા સામે પણ આંગળી ચીંધી છે.
સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા બાદ શર્લિને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાજ કુન્દ્રાએ તેને એમ કહીને મિસગાઈડ કરી હતી કે, શિલ્પા શેટ્ટીને તેના વીડિયોઝ પસંદ છે. શર્લિને કહ્યું હતું કે રાજ કુન્દ્રા મારો મેન્ટોર હતો. તેમણે મને એમ કહીને મિસગાઈડ કરી હતી કે હું જે પણ શૂટિંગ કરું છું તે ગ્લેમર માટે છે. તેણે મને એમ પણ કહ્યું હતું કે શિલ્પા શેટ્ટીને મારા વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ પસંદ છે. રાજ કુન્દ્રાએ મને વિશ્વાસ અપાવ્યો હતો કે સેમી ન્યૂડ અને પોર્ન કેઝ્યુઅલ છે, દરેક જણ કરે છે, એટલે મારે કરવું જોઈએ.
શર્લિને રડતાં રડતાં કહ્યું હતું કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું આવા કોઈ કૌભાંડમાં સંડોવાઈશ અને એક દિવસ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ મારે સ્ટેટમેન્ટ આપવું પડશે. હું જ્યારે રાજ કુન્દ્રાને પહેલી વખત મળી હતી ત્યારે મેં વિચાર્યું હતું કે કે મારી સમગ્ર જિંદગી બદલાઈ જશે. મેં વિચાર્યું હતું કે મને બિગ બ્રેક્સ મળશે. જોકે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે શિલ્પા શેટ્ટીનો હસબંડ મારી પાસેથી ખોટા કામ કરાવશે.
શર્લિને વધુ કહ્યું હતું કે મેં આર્મ્સપ્રાઈમની સાથે એક એગ્રીમેન્ટ કર્યો હતો અને વીડિયોઝ બનાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆત ગ્લેમરસ વીડિયોઝથી થઈ હતી અને ધીરે ધીરે બોલ્ડ ફિલ્મો તરફ વળી. મારે સેમી ન્યૂડ અને કમ્પલીટ ન્યૂડ વીડિયોઝ કરવા પડ્યા હતા. મને હંમેશા કહેવામાં આવ્યું હતું કે એમાં કશું જ ખોટું નથી કેમ કે દરેક જણ એમ કરે છે.
નવી યુવતીઓને મિસગાઇડ કરે છે
શર્લિને કહ્યું હતું કે તેની મેરિયટ હોટેલમાં રાજ કુંદ્રા સાથે પહેલી મુલાકાત થઈ હતી. આ પછી અવારનવાર મળ્યા હતા. બાદમાં રાજે મારી સાથે બોલ્ડ કન્ટેન્ટ બનાવવાનો કરાર કર્યો હતો. શર્લિને વધુમાં કહ્યું હતું કે રાજ કુંદ્રા નવી યુવતીઓને મિસગાઈડ કરે છે, તેમને દેશના પોર્નોગ્રાફી એક્ટ વિશે કશી જ ખબર હોતી નથી. મારી જેમ એ બધા રાજ કુંદ્રા ઉપર વિશ્વાસ કરે છે અને છેવટે ફસાય છે.
શર્લિને કબૂલ કર્યું કે તેણે આર્મ્સ પ્રાઈમ કંપની માટે બોલ્ડ વીડિયોઝ શૂટ કરવાનો કરાર કર્યો હતો. તેમાં ઈરોટિક, સેમિન્યૂડ અને ન્યૂડ કન્ટેન્ટ શૂટ કરાવતી હતી. એ વીડિયો તેની જ એપ ઉપર અપલોડ થતા હતા. તેની એપ આર્મ્સ પ્રાઈમ મેનેજ કરતી હતી. શર્લિને જણાવ્યું હતું કે એક તબક્કે લાગ્યું કે બધું બરાબર નથી થતું. તેણે કરાર પડતો મૂકવા માટે વાત કરી તો કુન્દ્રાએ કહ્યું હતું કે ખૂબ ઈન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે. જો કરાર તોડીશ તો નાણા રિકવર કરવા કન્ટેન્ટ અન્યત્ર આપવું પડશે.
શર્લિનના જણાવ્યા મુજબ જૂન ૨૦૨૦માં તેની એપ બંધ કરવામાં આવી હતી. એ પછી તેણે કોઈ કરાર વગર કુન્દ્રાની વિનવણીથી અન્ય કંપની જેએલ સ્ટ્રીમ માટે પણ ત્રણ ઈરોટિક બોલ્ડ વીડિયો શૂટ કર્યા હતા, એના નાણાં હજી નથી મળ્યા.
ઉલ્લેખનીય છે કે શર્લિને એપ્રિલ ૨૦૨૦માં મુંબઈના જૂહુ પોલીસમથકે રાજ કુંદ્રા શારીરિક સંબંધ માટે દબાણ કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે પછીથી રાજ કુંદ્રાએ માનહાનિનો દાવો કરવાની વાત કરતાં ફરિયાદ પાછી ખેંચી હતી.
ગહના વશિષ્ઠે બધાનાં નામ આપ્યાં
પોલીસે આ કેસમાં ગહના વશિષ્ઠને સૌપ્રથમ નિવેદન આપવા બોલાવી હતી. ગહનાએ કહ્યું હતું કે પોલીસ તેને જ કેમ સકંજામાં લે છે? પૂનમ પાંડે, શર્લિન ચોપરા, જોયા રાઠૌર અને ટીના નંદી સહિત અનેક લોકો છેલ્લા દોઢ-બે વર્ષમાં ગહના કરતાં ૩૦ ગણી વધારે કમાણી કરી ચૂક્યાં છે. તેમને કેમ પૂછવામાં નથી આવતું?
મુંબઈ હાઈ કોર્ટે જામીન અરજી ફગાવી
રાજ કુન્દ્રાને હજુ જેલમાં જ રહેવું પડશે. તેની જામીન અરજી સાતમી ઓગસ્ટે મુંબઈ હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. ગત ૧૯ જુલાઈના રોજ કુન્દ્રાની પોલીસે પોર્નોગ્રાફી ફિલ્મ રેકેટમાં ધરપકડ કરી હતી અને ત્યારથી તે પોલીસ કસ્ટડી અને ન્યાયિક કસ્ટડીમાં છે. હાલમાં જ તેની જામીન અરજી સ્થાનિક કોર્ટે નકારતા કુન્દ્રાને જેલમાં રહેવાની ફરજ પડી રહી હતી અને હવે મુંબઈ હાઈ કોર્ટે પણ તેની અરજી ફગાવી છે. કુન્દ્રા અને તેના સાથી રિયાન થોર્પ બંનેને જામીન આપવાનો હાઈ કોર્ટે ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જે અપરાધ છે તે અત્યંત ગંભીર છે. અદાલત તેના પર પોલીસની કામગીરીમાં દખલ કરવા માંગતી નથી. અગાઉ શિલ્પા શેટ્ટીએ પણ તેના પતિ માટે જામીન અરજી કરી હતી તે પણ ફગાવાઈ છે. કોર્ટમાં હવે આ કેસની સુનાવણી ૨૦ ઓગસ્ટે થશે.

રાજ પુરાવાનો નાશ કરતો હતોઃ પોલીસ
કુન્દ્રાએ કરેલી જામીન અરજીની હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાના લેપટોપ વગેરે સાધનોમાંથી ઘણો બધો ડેટા રિકવર કર્યો હતો. તેમાંથી બે એપમાં કુલ ૫૧ પોર્ન ફિલ્મો મળી આવી છે. રાજ કુંદ્રા અને રિયાન થોર્પે વોટ્સએપ ગ્રૂપ અને ચેટ ડિલીટ કરી રહ્યા હતા અને પુરાવાનો નાશ કરી રહ્યા હતા તેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ રાજ કુંદ્રાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસે પોતાના પહેલા રિમાન્ડમાં કોઈ ચેટ ડિલીટ કર્યાનો ઉલ્લેખ નથી કર્યો.

રાજના કર્યા શિલ્પાને વાગ્યા
શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર રિયાલિટી શોમાં સેલિબ્રિટી જજ તરીકે હાજરી આપતી હતી. જોકે પતિ રાજ કુંદ્રા સામે પોર્નોગ્રાફી ફિલ્મ અંગે કેસ થયો અને તેની ધરપકડ કરવામાં આવી તેથી શિલ્પાએ જજ તરીકે હાજરી આપવાનું હાલ બંધ કરી દીધું છે. શિલ્પા શેટ્ટી આ શોમાં હાજરી આપવાના એક એપિસોડના ૨૨ લાખ રૂપિયા મેળવતી હતી. હાજરી આપવાનું બંધ કરવાથી તેને ૩ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન જવાનું છે. જોકે ચેનલે શિલ્પાને દૂર કરવાનો નિર્ણય કર્યો નથી, પરંતુ તેણે જાતે જ શોમાંથી હાલ થોડાક સમય માટે ખસી જવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે. ચેનલને આશા છે કે શિલ્પાને ક્લીનચીટ મળતાં તે શોમાં પાછી ફરશે. આની સાથોસાથ શિલ્પાની ૧૪ વર્ષ પછી આવેલી ફિલ્મ હંગામા-ટુ ફિલ્મ પણ પીટાઈ ગઈ છે.

શિલ્પા અને તેની માતા સામે ઠગાઇની ફરિયાદ
શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધતી જઈ રહી જણાય છે. શિલ્પાની કંપની આયોસિસ વેલનેસ - સ્પા સ્કિન સલોન સ્લિમિંગની બ્રાન્ચ ખોલવાના નામે બે કરોડ રૂપિયાની ઠગાઈના મામલે લખનૌમાં ઠગાઈની ફરિયાદ નોંધાતા ઉત્તર પ્રદેશ પોલીસ મુંબઈ પહોંચી છે. તે શિલ્પા અને તેની માતાની પૂછપરછ કરી શકે છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સામે આરોપ છે કે બંનેની કંપનીએ પૈસા લઈને પોતાનું કમિટમેન્ટ પૂર્ણ કર્યું નથી. શિલ્પા શેટ્ટી આ કંપનીની ચેરમેન છે અને તેના માતા સુનંદા શેટ્ટી કંપનીના ડાયરેક્ટર છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ ન તો શિલ્પા આ બ્રાન્ચના ઓપનિંગ દરમિયાન ત્યાં પહોંચી હતી અને ન તો શિલ્પા શેટ્ટીની કંપનીના લોકોએ બ્રાન્ચ ખોલનારાઓની કોઈ મદદ કરી હતી. આ અંગે ઓમેક્સ હાઈટ્સ ખાતે રહેનાર જ્યોત્સના ચૌહાણે વિભૂતિખંડ પોલીસ સ્ટેશને અને રોહિત વીરસિંહે હઝરતગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કેસમાં હાઈપ્રોફાઈલ વ્યક્તિ સામેલ હોવાથી કેસની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કેસના દરેક એન્ગલની તપાસ કરવામાં આવશે. પૂરતા પુરાવા મળે તો આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter