અમદાવાદઃ દેશમાં લોકસભા મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં ભાજપે ‘મોદી કા પરિવાર’ નારા સાથે ચૂંટણીજંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. વિપક્ષના નેતા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મ - પરિવારના મુદ્દે કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણોએ ભાજપના હાથમાં મજબૂત મુદ્દો આપી દીધો છે. લાલુ પ્રસાદના નિવેદનના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 140 કરોડ લોકોનો મારો દેશ મારો પરિવાર છે. આ શબ્દો સાથે જ મોદીએ ચૂંટણીપ્રચારનો એજન્ડા નક્કી કરી નાંખ્યો છે. 2019માં ‘મૈં ભી ચોકીદાર’ નારો છવાયો હતો એમ આ વખતે ‘મોદી કા પરિવાર’ ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં રહેશે તે નક્કી છે.
વિપક્ષની યુતિ INDIA બેઠકોની વહેંચણી મામલે હજુ ચર્ચા કરે છે ત્યારે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારો પણ સામેલ છે. બાકી 11 બેઠકના ઉમેદવારો હવે જાહેર થશે. 15માંથી 10 સાંસદોને જ્ઞાતિ-જાતિ-કામને આધારે રિપીટ કરાયા છે, તો પાંચના પતા કપાયાં છે.
ચૂંટણીનો બૂંગિયો પાટનગર દિલ્હીમાં પીટાયો છે, પણ તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા તેમના ખાસ સાથીદાર પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેર સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. અને કોંગ્રેસમાંથી હજુ કેટલાક મોટા માથાની વિકેટ પડવા શક્યતા છે.