ગુજરાત સમાચારની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે સ્ત્રીશક્તિની સિદ્ધિઓ અને સશક્તિકરણને બિરદાવતી વિશિષ્ટ ઝૂમ ઈવેન્ટની શ્રેણીમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા બ્રિટિશ એશિયન મહિલાઓને સમર્પિત કાર્યક્રમ 27 મે, 2023 શનિવારના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બ્રિટિશ એશિયન મહિલાઓના યોગદાન, તેમની સફળતાની કહાણીઓ તેમજ તેમણે સામનો કરેલા પડકારો અને તેના ઉપાયો સંબંધે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઈવેન્ટ પહેલા ડો. જયશ્રીબહેન શાહ લિખિત અને તેમના દિવંગત માતાને સમર્પિત કાવ્યસંગ્રહના પુસ્તક ‘વ્હીસ્પર્સ ઓફ માય હાર્ટ’નું ઈ-લોન્ચિંગ કરાયું હતું. આ હૃદયસ્પર્શી કાવ્યસંગ્રહના પુસ્તકના વેચાણમાંથી થનારી આવક ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અતિ ગરીબ લોકો માટે મોતિયાના ઓપરેશન્સ અને દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં વપરાશે.
સહેલી એન્ફિલ્ડના સીઈઓ કૃષ્ણાબહેન પૂજારા અને ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ દ્વારા ઈવેન્ટનું સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગાયિકા ભારતીબહેન પટેલે પોતાના સુમધુર અવાજમાં ગીતો દ્વારા ઈવેન્ટમાં જોડાયેલા સભ્યોના દિલ ડોલાવ્યાં હતાં. પુસ્તકનાં ઈ-લોન્ચિંગ સમયે ડો. આશની શાહે કવિતાની કેટલીક કંડિકાઓનું પઠન કર્યું હતું. પ્રકાશક અને ABPLગ્રૂપના એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી. પટેલે ડો. જયશ્રીબહેન શાહને તેમનાં પુસ્તક વિશે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે,‘કવિતા એ જીવનનો આરંભ છે.’
યુકેમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે,‘ આપણા સમાજ, સંસ્કૃતિ અને ધર્મમાં સ્ત્રીઓને કેવી રીતે નિહાળવામાં આવે છે તેનું વિશેષ મહત્ત્વ છે. યુગોથી આપણી પાસે દેવીઓ, આપણા ઈતિહાસમાં મહાન નારીરત્નો, યુદ્ધો લડનારી રાણીઓ અને ઘણી આદર્શ સ્ત્રીઓ છે જેઓ આપણને પ્રેરણા પૂરી પાડતાં રહે છે. આમ છતાં, આપણા સમાજની વાત આવે છે ત્યારે અથવા રોબરોજનાં જીવનમાં ઉચ્ચ આસને સ્થાપિત કરાયેલી સ્ત્રીની બાળકી, માતા તરીકે છબીનું દર્શન થાય છે જેનું આપણે સન્માન અને પૂજન કરવાનું હોય છે. બીજી તરફ, દુર્વ્યવહાર, પીડિત અથવા કચડાયેલી સ્ત્રી અને પોતાની પૂર્ણ ક્ષમતાએ વિકસી નહિ શકેલી સ્ત્રીઓ સહિત અનેક મુદ્દાઓ અને અવરોધો જોવા મળે છે. સ્ત્રીઓને પરિવારની અપેક્ષાઓ પૂરી પાડવા માટે જ તાલીમ સાથે ઉછેરવામાં આવે છે તેથી તેઓ કોઈ લક્ષ્ય રાખવાનું સ્વપ્ન પણ નિહાળી શકતી નથી. આ જ મોટું દ્વિભાજન છે. એક તરફ, આપણી સમક્ષ એ સમાજ છે જે મહિલાઓને મૂલ્યવાન ગણાવે છે. બીજી તરફ, આ જ સંસ્કૃતિમાં મહિલાઓને યોગ્ય દરજ્જો પ્રાપ્ત થાય તે માટે લાંબો પંથ કાપવાનો છે. સશક્તિકરણની યાત્રામાં સ્ત્રીઓ જે અવરોધોનો સામનો કરે છે તે જ કારણ દર્શાવે છે કે આ કાર્યક્રમ કેટલો મહત્ત્વનો છે.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘જ્યારે સ્ત્રી સારા વ્યવસાયમાં જોડાય અથવા સારો હોદ્દો પ્રાપ્ત કરે છે ત્યારે તેમણે ચોક્કસ પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે. મને યાદ છે કે હું જ્યારે પ્રથમ વખત હાઈ કમિશનર બની ત્યારે મારી ચાલિસીમાં હતી જે હાઈ કમિશનર બનવા માટે નાની વય કહેવાય. મને આ પ્રકારના ફીડબેક્સ મળતા રહ્યા કે, ઓહ, તમારા યુવાન ખભા પર આટલી મોટી જવાબદારીનો ભાર આવી પડ્યો છે. મને ખબર નથી કે પુરુષોએ તેઓ ઘણા યુવાન હોય કે વૃદ્ધ, આ પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હોય. આ કોઈ મોટું પરિબળ નથી પરંતુ, સ્ત્રીઓ માટે તમામ બાબત, તેમના કાર્યના દરેક પાસા, હંમેશાં માટે થોડીઘણી કસોટી હેઠળ જ હોય છે. હું મારા સાથીઓ અને ખાસ કરીને યુવાન સ્ત્રી સાથીઓને કહેતી રહું છું કે તેમણે બમણી મહેનત કરવાની રહેશે, તેમણે પરફેક્ટ રહેવું પડશે કારણકે પુરુષનું કાર્ય સારું નહિ હોય તો માત્ર તેને જ દોષી ગણવામાં આવશે પરંતુ, જ્યારે સ્ત્રીનું કાર્ય સારું નહિ હોય તો તમામ સ્ત્રીઓને દોષિત ઠરાવાશે. આથી દરેક સ્ત્રીઓ, જેમણે પોતાનો મુકામ હાંસલ કર્યો છે અથવા કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે તેમણે અન્ય સ્ત્રીઓ પ્રતિ એ ચોકસાઈ રાખવી પડશે કે તેમના કારણે અન્યોને સહન કરવું ન પડે. ઘણી સ્ત્રીઓને રોલ મોડેલ્સની જરૂર પડતી હોય છે. હું માનું છું કે દરેક સ્ત્રીએ કોઈના મેન્ટર બનવા અથવા લોકો સુધી પહોંચવા, અન્યોને હિંમત આપવા માટે લોકો સમક્ષ પોતાને રજૂ કરવા અને તેમના માટે રોલ મોડેલ બની રહેવાં પોતાનામાં જ રોડ મોડેલ શોધવાના રહે છે જેથી મહિલાઓ આગળ આવવામાં આત્મવિશ્વાસી બની રહે’
શ્રીમતી ઘનશ્યામે કહ્યું હતું કે,‘સ્ત્રીઓ જે યાત્રા હાથ ધરે છે તે માત્ર સ્ત્રીઓ માટે જ નથી. હું માનતી નથી કે આ યાત્રા કદી સફળ બની રહે સિવાય કે આપણા જીવનમાં પુરુષોનો સાથ અને સહકાર મળી રહે. આપણે કારના વ્હીલ્સ-પૈડાં જેવાં છીએ જેનો અર્થ એ છે કે એક વ્હીલથી જ કાર આગળ લઈ જઈ શકાતી નથી, વાહનને આગળ વધવા માટે તમામ પૈડાંની જરૂર રહે છે. પ્રેમાળ પિતા તેમજ મદદકારી અને પ્રોત્સાહક પતિનો સપોર્ટ જરૂરી છે. સ્ત્રીને આગળ વધવા માટે પુત્રો અને ભાઈઓ પણ પ્રોત્સાહન આપનારા બની રહે છે.’
કૃષ્ણાબહેન પૂજારાએ જણાવ્યું હતું કે, ‘જો તમે કશાંનું સ્વપ્ન નિહાળતા હો તો તેને તમારાં મનમાં જ ન રાખશો, તેના માટે કશું કરો અને તમારું સ્વપ્ન સફળ બની શકશે. આપણે સમાન અધિકાર અને સમાન વેતન સાથે કામ કેવી રીતે કરી શકીએ તેમજ મેન્ટરિંગ સહિતની બાબતોમાં સમાનતા સંદર્ભે અમે કેમ્પેઈનિંગ કરી રહ્યા છીએ. આથી મહિલાઓ સાથે ચાલતી થઈ અને આપણે પુરુષોનો સપોર્ટ પણ મેળવવાનો જ છે. સ્વાભાવિક છે કે આપણે પુરુષોની પાછળ ન ચાલીએ, આપણે સાથે ચાલવા માગીએ છીએ અને જોઈશું કે આપણે બધા કોમ્યુનિટીમાં કેવું પરિવર્ત લાવી શકીશું.’
ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા’. અર્થાત્ નારીનું જ્યાં સન્માન થાય છે ત્યાં દેવતાનો વાસ થાય છે. જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે તેટલો જ પ્રતગિશીલ અને વિકસિત હોય છે. પરિવાર અને સમાજના નિર્માણમાં નારીનું સ્થાન અને કાર્ય ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એવો સમાજ સશક્ત અને વિકસિત બને છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે અમારું એબીપીએલ ગ્રૂપ. અમારા પ્રેરણાદાયી અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલે અમારાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં મહિલા સશક્તિકરણને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે.
જ્હોન હર્બર્ટના કથન અનુસાર ‘એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે’, માટે દરેક પરિસ્થિતિમાં માતૃશક્તિનું સન્માન થવું જ જોઈએ. આપણા સનાતન ધર્મમાં પણ ‘યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા’ શ્લોકમાં સર્વ દેવતાઓએ શક્તિ સ્વરૂપા જગતજનની જગદંબાને મહાશક્તિ સ્વરૂપે વર્ણવીને પૂજા કરી છે. ઋગ્વેદ અને ઉપનિષદોનાં લખાણ સૂચવે છે કે અનેક મહિલા ઋષિ અને મુનિ હતાં, જેમાં ગાર્ગી અને મૈત્રેયી પ્રમુખસ્થાને હતાં. ઝાંસીની વીરાંગના રાણી લક્ષ્મીબાઈ, માલવાનાં મહારાણી અહલ્યાબાઈ, મહાન યોદ્ધા અને વહીવટકર્તા જીજાબાઈ જેવી વીર મહિલાઓની અમર કહાનીઓ હજુપણ ઇતિહાસના પાને અમર છે. બ્રિટન સહિત પશ્ચિમના દેશોમાં પણ બાહોશ ભારતીય મહિલાઓની ઐતિહાસિક ગૌરવગાથા આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયક છે. સ્ત્રી સશક્તિકરણ માટે અતિ પ્રેરણાદાયક પાંચ ભારતીય બ્રિટિશ મહિલાઓમાં પંજાબના રાજકુંવરી સોફી, કોર્નિએલા સોરાબજી, ઇન્દિરા દેવી, નૂર ઇનાયત ખાન, કરપાલ સંધુને હું વધુ અગ્રસ્થાને મૂકું છું.’ આ પછી તેમણે આ ભારતીય બ્રિટિશ મહિલાઓનો સંક્ષિપ્ત પરિચય પણ આપ્યો હતો.
પંજાબના રાજા દિલીપસિંહની રાજકુંવરી સોફિયા સિંહ – બ્રિટિશ રાજે દગો કરી રાજા દિલીપસિંહને પદભ્રષ્ટ કરી તેમનું રજવાડું છીનવી લઈ 15 વર્ષનાં રાજકુંવરી સોફિયાને બ્રિટનમાં લાવી ગોડમધર મહારાણી વિક્ટોરિયાની દેખરેખ હેઠળ હેમ્પ્ટન કોર્ટ પેલેસમાં રાખ્યાં હતાં. સોફિયા સિંહે સોશિયલ એન્ડ પોલિટિકલ વુમન યુનિયન, વુમન રાઇટ્સ ટુ વ્હોટ મૂવમેન્ટમાં સેવા આપી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સ્વયંસેવક મહિલાદળ દ્વારા 10 હજાર મહિલાની વિરોધકૂચમાં પણ તેઓ જોડાયાં અને બ્રિટિશ રેડક્રોસ નર્સ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, તેમની સ્ત્રી મતાધિકારની ચળવળથી 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મતદાન કરવાની મંજૂરી મળી હતી. તેમના ભારત પ્રવાસોમાં તેમણે દેશમાં સ્ત્રી મતાધિકાર ચળવળને પણ વેગ આપ્યો હતો.
1866માં નાસિકમાં જન્મેલાં બીજાં બ્રિટિશ ભારતીય સન્નારી કોર્નિએલા સોરાબજી દક્ષિણ એશિયાનાં પ્રથમ મહિલા બેરિસ્ટર પૈકી એક છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યા બાદ કાયદાની પરીક્ષા આપનારાં તેઓ પ્રથમ મહિલા હતાં. શરૂઆતમાં મુંબઈ યુનિવર્સિટીમાં લો કરવાની પરમિશન ન મળી પણ સોરાબજીએ હાર ન માની. તેના બદલે તેમણે મદદની વિનંતી કરતા પત્રો સંખ્યાબંધ અગ્રણી સંસ્થાઓને લખ્યા અને ફ્લોરેન્સ નાઇન્ટીગેલ સહિતના બ્રિટિશ મહાનુભાવોએ તેમને જબરજસ્ત સકારાત્મક પ્રતિસાદ આપ્યો. શરૂઆતમાં મહિલા વકીલની નિમણૂક ન કરાતી હોવાથી ભારે સંઘર્ષ કર્યો, જે બાદ સંવેદનશીલ મહિલાઓ ખાસ કરીને પુરુષપ્રધાન સમાજ દ્વારા મહિલાઓ માટે કાનૂની સલાહકાર બનવાની ઝુંબેશ ચલાવી. કોર્નિએલા સોરાબજીએ 600થી વધુ મહિલાઓ અને અનાથોને તેમનાં કેસ લડવામાં મદદ કરી હતી.
ત્રીજા બ્રિટિશ ભારતીય મહિલા કપૂરથલાનાં ઇન્દિરા દેવી જેઓ અભિનેત્રી બનવાના સપના સાથે 1935માં યુકે આવ્યાં હતાં અને તેમણે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિકલ આર્ટમાં અભ્યાસ પણ કર્યો હતો. કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો હોવા છતાં તેમને ક્યારેય મોટો બ્રેક ન મળ્યો. આ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે સેન્ટ જોન એમ્બુલન્સની પરીક્ષા પાસ કરી અને હવાઈ હુમલા દરમિયાન મોટર એમ્બુલન્સ ચલાવવાનું પણ પસંદ કર્યું. 1942માં તેઓ બીબીસી ઇન્ડિયન સેક્સન ઓફ ઇસ્ટર્ન સર્વિસમાં જોડાયાં. તે પ્રસારણમાં એટલાં હોશિયાર હતાં કે રેડિયો પ્રિન્સેસ તરીકે જાણીતાં થયાં. તેઓ હાઉસ ઓફ કોમન્સ પરની કાર્યવાહી પરનો સાપ્તાહિક અહેવાલ પ્રસ્તુત કરતાં પ્રેસ ગેલેરીમાં સ્થાન મેળવનારાં એકમાત્ર મહિલા હતાં.
1914માં જન્મેલાં નૂર ઇનાયત ખાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ જાસૂસ તરીકે સેવા આપી હતી. તે પ્રથમ મહિલા વાયરલેસ ઓપરેટર બન્યાં હતાં. યુકે અધિકૃત ફ્રાન્સમાં યુદ્ધ દરમિયાન ફ્રેન્ચ પત્રકારને મદદ કરવા તેમને મોકલવામાં આવ્યાં હતાં. ખાન એક હોશિયાર વ્યક્તિ હતાં. તેઓ વાયરલેસ ઓપરેટર તરીકે દુશ્મનના સંદેશા લેવા માટે રેડિયો ટ્રાન્સમીટર ઓપરેટરનું કામ કરતાં. ટીમના એક ડબલ એજન્ટ સાથે તેમને તહેનાત કરવામાં આવ્યાં હતાં. ત્યાં નૂરને મોટું જોખમ હોવાની જાણ થતાં ત્યાં સલામત ઘરો વચ્ચે તેઓ ફરતાં રહ્યાં અને સંદેશા લંડન મોકલતાં રહ્યાં. કમનસીબે તેઓ જ્યારે લંડન પાછાં ફરવાનાં હતાં તેના એક દિવસ પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ખાને ત્યાંથી બે વખત છટકી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 11 સપ્ટેમ્બર 1944ના રોજ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખાનને મરણોત્તર જ્યોર્જ ક્રોસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેને બીજો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય.
‘વ્હીસ્પર્સ ઓફ માય હાર્ટ્સનું ઈ-લોકાર્પણ
‘વ્હીસ્પર્સ ઓફ માય હાર્ટ્સ’નાં લેખિકા ડો. જયશ્રીબહેન શાહે જણાવ્યું હતું કે, ‘આ પુસ્તકનું પ્રથમ લોકાર્પણ મારી 75મી વર્ષગાંઠે મુંબઈમાં કરાયું હતું. મારી આધ્યાત્મિક માતાને સમર્પિત સ્વપ્રકાશિત પુસ્તકની 350 નકલ જ છપાઈ હતી. આ બુકનું સર્જન અંધજનો માટે ભંડોળ ઉભું કરવા માટે હતું. સૌથી મહત્ત્વનું એ છે કે હું મારાં ગ્રાન્ડચિલ્ડ્રન અને પરિવાર માટે વારસો છોડી જવાં ઈચ્છું છું. આ યાત્રા પડકારસભર અને સ્વઓળખની હતી. અંતરના અવાજનો લાગણીઓની સાથે આ માનવીય અનુભવ હતો. આ યાત્રા પ્રકૃતિ, મેઘધનુષ, પક્ષીઓ, પ્રાણીઓ, રોબિન અને ખિસકોલીઓ અને બ્રહ્માંડ અને તારાઓ, ખુશી, પીડા અને આનંદ અને તમામ માનવીઓની કથાની છે. આ મેડિકલ પ્રોફેશનલની પણ વાચા છે. અનેક નિર્બળતા, લાગણીઓ, કરુણા, સમવેદના છે. મૂળભૂત રીતે તો મઝાનો સમય, અને જિજ્ઞાસા તેમજ નિવૃત્તિકાળમાં પસાર કરાયેલો સમય છે. આ કાર્ય એક વ્યક્તિનું નથી, તે સમગ્ર ટીમનું છે. પુસ્તકના આરંભથી અંત સુધી મદદ કરનારા મારા પતિનો અવિરત અને અથાક સપોર્ટ રહ્યો છે. હં માનું છું કે વાંચકો ઘણા ઉત્સાહી છે તેમણે મને અપેક્ષાથી વધુ હૂંફ અને પુસ્તકને પ્રેમ આપ્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આની પાછળ પરોપકારનો ઉદ્દેશ છે. હું અંધ લોકો માટે ભંડોળ એકત્ર કરવા માગું છું. આપણી પાસે યુકેસ્થિત ચેરિટી છે અને વિવિધ કાર્યો થકી અત્યાર સુધી 200,000 પાઉન્ડ તેમજ મારાં મિત્રો અને સ્વજનોએ 7000 પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરી છે. આમ, 350 આંખોની બાંયધરી મળી છે. જોકે, સી.બી. પટેલ દ્વારા વધુ અને વધુ નાણા એકત્ર કરવા વિશે અઢળક આત્મવિશ્વાસ અપાયો છે. વિશ્વભરના અંધ લોકોમાંથી ભારતમાં 62 ટકા લોકો સંપૂર્ણ અંધ છે અને ભારતમાં 7.4 મિલિયનથી વધુ લોકો મોતિયા-કેટેરેક્ટના કારણે અંધાપાથી પીડાય છે અને તેમાંથી 80 ટકા લોકો સાદી સર્જરીથી સાજાં થઈ શકે છે.’
ખાન્ડો લિન્ગ બુદ્ધિસ્ટ સેન્ટરના સ્પિરિચ્યુઅલ ડાયરેક્ટર ગોર્ડન એલિસે જણાવ્યું હતું કે, ‘જયશ્રી આપણને કાવ્યોની સુંદર અને સુવાસિત પુષ્પમાળા ઓફર કરે છે જે તમારી જાતને ખુલ્લી મૂકી વિદ્વતાને છોડી ખોવાઈ જવા અને હૃદયને ખોલી નાખે છે. કાવ્યો આપણને જીવનને ભરપૂર માણવા આપણને વિકસાવે છે, પ્રેરિત કરે છે અને પ્રોત્સાહિત કરે છે. આ કાવ્યો આપણા અભિગમો અને પ્રવૃત્તિઓનું ઉદાહરણ આપે છે જેને કેળવીને આપણને બધાને લાભ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તે આપણને અન્ય સચેતન જીવો અને સમગ્ર બ્રહ્માંડ સાથે આપણી અખિલાઈનું સ્મરણ કરાવે છે. આ વિશ્વમાં આપણા આધારના પાયા તરીકે જાતને પુનઃ ઓળખવાની હાકલ કરે છે. આ કવિતાઓ ખરેખર તમામ પ્રત્યે બિનશરતી વહાલ વરસાવતી પ્રેમાળ માતાનું દર્શન કરાવે છે. ઘણી કવિતાઓ નાની, નાજૂક અને ઘણી વખત ગૂંચવાયેલી, ચિંતાતુર લાગે છે પરંતુ, આપણે દરેક તમામ સાથે ઐક્યથી સંકળાઈને પ્રેમ, આનંદ, કરુણા, આભારની સાથે જીવન જીવીએ અને ડહાપણ અને સમજની ભેટ મેળવીએ તે સમજાવે છે.’
મેનેજમેન્ટ ટ્રેઈનર ડેવિડ મોર્ટને જણાવ્યું હતું કે,‘ વડા પ્રધાન અને તેમના પત્નીએ આ પુસ્તક મળ્યાંની પહોંચ દર્શાવતો 10 ડાઉનિંગ સ્ટ્રીટનો પત્ર મેં નિહાળ્યો છે જેમાં તેમણે રચનાત્મક બાબતો માટે ફંડરેઈઝિંગ માનવીય દયાનું કેવું અતુલનીય કાર્ય છે અને લોકો દ્વારા તેની કદર કરાય છે તેને સ્વીકાર્યું છે. પરંતુ, બધા જ ફીડબેક પર નજર નાખીએ ત્યારે લેખકો દ્વારા પ્રેરણાદાયક, ઉદ્ધારક, મનભાવન જેવાં ઘણા શબ્દો ઉપયોગમાં લેવાયા હતા. પરંતુ, જેમણે આ પુસ્તક જોયાં પછી લખેલી ટીપ્પણીઓમાં વ્યક્તિની કલ્પનાને પાંખો આપનારી, હૃદયમાંથી લાગણીનીતરતા શબ્દો, મારાં ઓશિકાં પર રહેનારું પુસ્તક, પ્રાસંગિક અને સુસંગત જેવી ટીપ્પણીઓ મને સૌથી સારી લાગી છે.’
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ગુજરાતી વિભાગના પૂર્વ વડા અને આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડીન તેમજ ગુજરાતી રાઈટર્સ એસોસિયશનનાં વાઈસ પ્રેસિડેન્ટ અને જાણીતા લેખિકા ઉષાબહેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,‘આજે આ કાર્યક્રમ દ્વારા આપ સૌ સાથે સંવાદ કરવાનો મને આનંદ છે. આદરણીય સી.બી. પટેલ સાહેબ મારા માટે સન્માનીય છે. વુમન એમ્પાવર્મેન્ટ માટેના સમગ્ર કાર્યક્રમમાં અને એચિવમેન્ટ માટે જેમને અભિનંદન અપાયાં છે, તેનો મને આનંદ છે. જયશ્રીબહેને સરસ કહ્યું છે કે, તમારે તમારી સુષુપ્ત શક્તિ જગાડવાની છે. સ્ત્રીશક્તિ જાગૃત થાય અને સકારાત્મક રીતે કામ કરે તો વિશ્વમાં ક્યાંય મુશ્કેલી ઊભી ન રહી શકે.
આદરણીય સી.બી. પટેલ સાહેબ બ્રિટનમાં રહી આપણને જોડે છે અને વુમન એમ્પાવર્મેન્ટ સાથે અમે જે કામ કરીએ છીએ તેની સાથે તમે જોડાઈ રહ્યાં છો તેવું અનુભવી રહી છું. વિશ્વભરમાં માતાનું સ્થાન અનેરું છે, પરંતુ વિવિધ પરિસ્થિતિમાં ક્યારેક એવું લાગે છે કે સ્ત્રીને ક્યારેક સન્માન અપાય છે અને ક્યારેક તેનો ઉપયોગ થઈ શકતો નથી. આ સ્થિતિમાં જો ખરેખર સ્ત્રીઓના એમ્પાવર્મેન્ટ માટે કોઈ પ્લેટફોર્મ અને સહયોગ મળે તો તેમની શક્તિઓ સમાજને ખૂબ આગળ લઈ જઈ શકે. વિશ્વભરમાં આલંકારિક રીતે કહેવાયું છે કે, જે અડધું આકાશ અને અડધી ધરતીની હકદાર છે તેવી સ્ત્રીને બાજુમાં રાખીને સમાજ આગળ જાય છે, ત્યારે પોતાની 50 ટકા શક્તિનો તે ઉપયોગ નથી કરતી. આ ગેરફાયદો લાંબા ગાળે સમાજને જ થવાનો છે. ડહાપણ એમાં જ છે કે સ્ત્રીની શક્તિઓને આપણે સમાજના વિકાસમાં જોડીએ. સંગઠિત થઈ અવિરત પ્રયત્નો કરવામાં આવે તો સારાં પરિણામ મળી શકે.
આપણી પાસે અનેક દૃષ્ટાંતો છે. પ્રાચીન સમયમાં વૈદિક કાળમાં ભારતમાં ઋષિકાઓએ સુંદર રીતે ઋચાઓની રચના કરી છે, જે ઋગ્વેદમાં પણ મળે છે. ગાર્ગી અને મૈત્રી જેવી વિદૂષી જે સભામાં વિદ્વાનોની સાથે વાદવિવાદ પણ કરી શકતી હતી તેનાં દૃષ્ટાંતો પણ મળે છે. આજના સમયમાં સુનિતા વિલિયમ્સ હોય અથવા આપણા દેશનાં અન્ય સ્ત્રીરત્નોએ ખભેખભો મેળવી સમાજ માટે કામ કર્યું છે. નારીમાં પડેલી અપાર શક્તિનો જો સમાજ ઉપયોગ કરે તો સમાજને તેનાથી મોટો ફાયદો છે. સ્ત્રીઓમાં જે શક્તિ છે તેને સંયોજિત કરવા માટે વુમન એમ્પાવર્મેન્ટ એન્ડ અચિવમેન્ટ જેવા કાર્યક્રમ સતત થાય. જે લોકો જાગૃત છે તેઓ એકત્ર થઈ સંયોજિત રીતે આયોજન કરે અને અનેક બહેનોને જોડે તો ઘણું કામ થઈ શકે.
જૂના સમયની સરખામણીને જોઈને એક પંક્તિ
‘ખીણ-ગુફા-ઓરડે વર્ષો રળ્યાં
લો હવે આવી ઊભાં આ ટોચ પર...’
મહાત્મા ગાંધીના આગમન બાદ એક વિશેષ પરિમાણ શિક્ષણ ઉમેરાયું. ગાંધીજીએ ચાર દીવાલમાં પુરાયેલી સ્ત્રીને મુક્ત કરી અને મુક્ત પ્રવાહની સાથે જોડી આઝાદીના સંગ્રામમાં. ત્યાર બાદ શિક્ષણના દરવાજા ખૂલ્યા. શિક્ષિત સ્ત્રીઓએ જે સિદ્ધિઓ મેળવી છે તે આપણે જાણીએ જ છીએ. આજે ભારતના રાષ્ટ્રપતિ એક મહિલા હોય તેનાથી વિશેષ ગૌરવની વાત કઈ હોય. આવાં અનેક દૃષ્ટાંતો આપી શકાય.
ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ જણાવ્યું હતું કે ,‘ જયશ્રીબહેન શાહ દ્વારા લિખિત આ પુસ્તક પ્રેરણાદાયી છે અને વિશિષ્ટ કાવ્યસંગ્રહ છે જે તમને પીડા અને આનંદના અશ્રુ સારવા આમંત્રિત કરે છે એટલું જ નહિ, પ્રકૃતિનો પ્રવાસ પણ કરાવે છે. બ્રહ્માંડ અને તેની યાત્રાનાં માર્ગમાં ખિસકોલીઓ સાથે મુલાકાત, આત્મામાં સ્પંદનો સાથેનું મેઘધનુષ્ય અને શબ્દાવલિઓ. હું આપ સહુને આ ઉમદા કાર્યમાં ઉદાર હાથે યોગદાન આપવાનો અનુરોધ કરું છું અને સીબી સાહેબે કહ્યું છે તેમ અમે કોમ્યુનિટી તેમજ કોમ્યુનિટીના ઉત્થાન માટેના ઉમદા ઉદ્દેશો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.’
બ્લાઈન્ડ પીપલ એસોસિયેશન (BPA)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિનીબહેન રાવલ અને જનરલ સેક્રેટરી ભૂષણ પૂનાનીએ લેખિકા જયશ્રીબહેન શાહ અને તેમના પરોપકારી કાર્યોને બિરદાવ્યાં હતાં. પોઝિટિવ સાઈટ ચેરિટીના સ્થાપક ડો. રજનીકાન્ત શાહે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.