બેંગલૂરુ-મુંબઈઃ જો બધું સુખરૂપ પાર પડ્યું અને છેલ્લી ઘડીનો કંઇ અવરોધ ન સર્જાયો તો આપ સહુ વાચકોના હાથમાં આ અખબાર આવશે ત્યાં સુધીમાં ભારતે ચંદ્રને આંબતી સફળતા હાંસલ કરી લીધી હશે. ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ સફળતાના વિજયપતાકા લહેરાવતા અંતરિક્ષના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું હશે.
સોમવારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક સ્થાપિત કર્યો તે સાથે જ ઇસરોના મૂનમિશનના અંતિમ અને અતિ મહત્ત્વના તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું. ભારતે 2019માં ચંદ્ર પર મોકલેલા ચંદ્રયાન-2ના ઓર્બિટરે સોમવારે વિક્રમ લેન્ડરનું ‘વેલકમ બડી. દોસ્ત, આવ, આવ, સ્વાગત છે તારું....’ શબ્દો સાથે સ્વાગત કર્યું હતું. આ સાથે જ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને ચંદ્રયાન-2ના ઓર્બિટર વચ્ચે મજબૂત સંપર્ક પણ સ્થપાઇ ગયો હતો. બન્ને ઉપકરણ વચ્ચે શરૂ થયેલા સંપર્કનો લાભ વિક્રમ લેન્ડરને મળશે. ઇસરોનાં સૂત્રોએ કહ્યું હતું કે અમે 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યોદયની રાહ જોઇ રહ્યા છીએ. બરાબર આ જ સમયે વિક્રમ લેન્ડર સફળતાથી ઉતરશે.
ઇસરોના સિનિયર વિજ્ઞાની (નિવૃત્ત) અને ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2માં મહત્વનું ટેકનિકલ યોગદાન આપનારા ડો. નરેન્દ્ર ભંડારીએ કહ્યું હતું કે ચંદ્રયાન-2ના ઓર્બિટર અને ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર વચ્ચે બહુ ઉપયાગી સંદેશવ્યવહાર થશે. વળી, ઓર્બિટરે અત્યાર સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતીની ઘણી ઇમેજીસ પણ લીધી છે. આ જ ઇમેજીસના આધારે વિક્રમ લેન્ડર સરળ, સલામત, સફળ રીતે ઉતરશે.
વળી, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જે કોઇ સંશોધનાત્મક અભ્યાસ કરશે તેની બધી માહિતી ચંદ્રયાન-2ના ઓર્બિટર પાસે જશે અને ઓર્બિટર પૃથ્વી પરના ઇસરોને મોકલશે. આમ ચંદ્રયાન-3 માટે ચંદ્રયાન-2નું ઓર્બિટર ખરેખર બહુ ઉપયોગી બનશે. બીજું ચંદ્ર પર 14 દિવસ દિવસ અને 14 દિવસ રાત હોય છે. 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દિવસ – રાતનું ચક્ર પૂરું થશે અને સાંજે 6-04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યોદય થશે.
ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન મૂન હવે ચંદ્રનાં ચરણ ચૂમવાનાં છેલ્લા તબક્કામાં પ્રવેશી ગયું છે. ચંદ્રયાન-3 માંથી છૂટા પડેલા લેન્ડર વિક્રમની સ્પીડ ઘટાડવાની તેમજ તેને ચંદ્રની ભ્રમણ કક્ષામાં વધુ નજીક લાવવાની છેલ્લી ડીબૂસ્ટિંગની પ્રોસેસ સફળતાપૂર્વક પૂરી કરાઈ છે. શનિવાર અને રવિવારની મધરાતે 1.50 કલાકે ડીબૂસ્ટિંગ કરવામાં આવ્યા પછી લેન્ડર વિક્રમ ચંદ્રથી ફક્ત 25 કિમી જ દૂર પ્રદક્ષિણા કરી રહ્યું છે. હવે તેનું ચંદ્રથી નજીકમાં નજીક અંતર 25 કિમી અને દૂરમાં દૂરનું અંતર 134 કિમી છે. વિક્રમની સ્પીડને પણ ધીમી કરાઈ છે.
ઇસરોએ જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમ હવે 23મી ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ત્યાં સુધી તેની તમામ કામગીરીનું ઝીણવટભર્યું પરીક્ષણ કરાશે અને કોઈ ખામી નથીને તેની ખરાઈ કરાશે. ઇસરો હવે 23મીએ ચંદ્ર પર સૂર્યોદય થાય તેની રાહ જોઈ રહ્યું છે. આ પછી વિક્રમને સોફ્ટ લેન્ડિંગ કરાવવાની પ્રોસેસ શરૂ કરાશે.
ઇસરોનાં નિષ્ણાતોના જણાવ્યા મુજબ અગાઉના ટાઇમટેબલ મુજબ લેન્ડર વિક્રમ 23મીએ સાંજે 5-47 કલાકે ચંદ્ર પર લેન્ડિંગ કરવાનું હતું પણ બાદમાં તેનો સમય થોડોક બદલવામાં આવ્યો હતો. હવે નવા સમય મુજબ તે 23મીએ સાંજે 6.04 કલાકે સોફ્ટ લેન્ડિંગ કરશે. વિક્રમના લેન્ડિંગ પહેલા એક ખુશખબર એ પણ છે કે પ્રોપલ્શન મોડ્યૂલમાં 150 કિલોગ્રામથી વધુ ઇંધણ બચ્યું છે. તેનાથી તે અંદાજિત ત્રણથી છ મહિનાના સ્થાને અનેક વર્ષો સુધી ચંદ્રની કક્ષામાં સક્રિય રહેશે. ઇસરોના ચેરમેન એસ. સોમનાથે પુષ્ટિ કરતા કહ્યું કે પ્રોપલ્શન મોડ્યૂલમાં અનુમાનથી વધુ ફ્યુઅલ બચ્યું છે.
...તો ચન્દ્રયાનનું લેન્ડિંગ 27મીએ
ચન્દ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઉતરાણ 23મીએ શક્ય નહીં બને તો 27મીએ ફરી પ્રયાસ થશે એમ ઇસરોના એક વિજ્ઞાનીએ જણાવ્યું હતું. ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નીલેશ દેસાઈએ કહ્યું હતું કે ચન્દ્રયાન-3 ચન્દ્રની સપાટી પર ઉતરવાનું હશે તેના બે કલાક પહેલાં આખરી નિર્ણય કરવામાં આવશે. ચંદ્ર પરની પરિસ્થિતિ અથવા તો લેન્ડરની સ્થિતિ સાનુકૂળ છે કે નહીં તેની ચકાસણી થશે. જો એમ લાગશે કે સાનુકૂળતા નથી તો મોડ્યૂલ 23મીએ ઉતારવાનું મુલત્વી રખાશે અને 27મીએ ફરી પ્રયાસ કરાશે.
દેસાઇએ જણાવ્યું હતું કે અવકાશયાન બે કલાક સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં હશે ત્યારે એટલે કે 23 ઓગસ્ટે કોઇ અવરોધ કે વિપરીત પરિસ્થિતિ નહીં હોય તો વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના નિશ્ચિત કરાયેલા સ્થળે અને સમયે ઉતરશે.
ભારત બનશે પહેલો દેશ
લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડિંગ કરશે તે સાથે જ ભારત અને ઇસરો નવો ઈતિહાસ રચશે. ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કરનાર ચોથો દેશ અને ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર વિશ્વનો પહેલો દેશ બનશે. અત્યાર સુધી ચંદ્રની સપાટી પર ત્રણ દેશો અમેરિકા, રશિયા અને ચીન સોફટ લેન્ડિંગ કરી શક્યા છે. અમેરિકાનાં સર્વેયર-1 દ્વારા 196માં ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરાયું હતું. ચીન દ્વારા ચાંગ-3 ને પહેલા પ્રયાસમાં ચાંદ પર ઉતારવામાં આવ્યું હતું. રશિયાએ લૂના-9ને સફળતાથી ચાંદ પર ઉતરાણ કરાવ્યું હતું.
રશિયાને ફટકોઃ મૂનમિશન નિષ્ફળ
રશિયાને પાંચ દાયકા પછી હાથ ધરેલા પહેલા ચંદ્રમિશનમાં મોટો ફટકો પહોંચ્યો છે. રશિયાનું અવકાશયાન લુના-25 રવિવારે ચંદ્રની ધરતી પર તૂટી પડયું હતું. રશિયાનું લુના-25 શનિવારે ચંદ્રની અનિયંત્રિત ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. તેના એક દિવસ પછી આ યાન ચંદ્રની ધરતી પર તૂટી પડયું હતું.
રશિયન સ્પેસ એજન્સીએ રવિવારે કહ્યું કે ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરાણ માટેની સ્પર્ધામાં હવે ભારતનું એકમાત્ર ચંદ્રયાન-3 મિશન બાકી રહ્યું છે. રશિયાનું લુના-25 ભારતના ચંદ્રયાન-૩ પછી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે તેના પહેલાં ચંદ્રની સપાટી પર પહોંચવાનું હતું. રશિયન અવકાશ સંસ્થા રોસકોસમોસે કહ્યું હતું કે, લુના-25 પ્રપોલ્શન મેનુવર સમયે ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. આ કારણે તે દુર્ઘટનાનો શિકાર થઈ ગયું છે.
લુના-25નું તૂટી પડવું તે રશિયા માટે મોટા ફટકા સમાન છે. વર્ષ 1976 પછી આ પહેલું ચંદ્રમિશન રશિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સોવિયેત સંઘના પતન પછી રશિયાએ કોઈ પણ લુનાર મિશન લોન્ચ કર્યું નહોતું. રશિયાએ આ મિશન માટે બજેટનો આંકડો સત્તાવાર રીતે જાહેર કર્યો નહોતો, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ રશિયાએ લુના-25 પાછળ અંદાજે રૂ. 1663 કરોડ (200 મિલિયન ડોલર)ના ખર્ચે કર્યો હતો.