કોવિડ-૧૯ મહામારીના કપરા કાળમાં કોમ્યુનિટીને સેવા આપનારા લોકોની કદર કરવા, આદર દર્શાવવા અને હૃદયથી આભાર પ્રદર્શિત કરવા ABPL ગ્રૂપ દ્વારા ૩ ઓક્ટોબર, રવિવારે ધામેચા લોહાણા સેન્ટર ખાતે ‘સેવા રત્ન સન્માન’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેને વિવિધ કોમ્યુનિટીઓ દ્વારા ઉત્સાહપૂર્વક વધાવી લેવાયો હતો.
આપણી ભારતીય સંસ્કૃતિમાં સેવાને પરમ ધર્મ માનવામાં આવે છે ત્યારે કોમ્યુનિટીઓના પરગજુ અને ઉદારદિલ વ્યક્તિઓ અને સંસ્થાઓને ‘સેવા રત્ન સન્માન’ આપીને અમે સમાજ પ્રત્યે ઋણ ઉતારવાનો નાનકડો પ્રયાસ કર્યો છે તેમ અમે દિલથી માનીએ છીએ. આ કાર્યક્રમ ભારે સફળ થયો અને તેને બિરદાવાયો તેના માટે અમે આપ સહુના ઋણી છીએ.
સમગ્રતયા સમાજને સેવા આપનારા શ્રેષ્ઠ વ્યક્તિઓ અને સંસ્થાઓની એન્ટ્રીઝમાંથી પસંદગી કરવાનું કાર્ય અમારા નિર્ણાયકોની પેનલ માટે પણ ભારે મુશ્કેલ બની રહ્યું હતું. આમ છતાં, જજીસ પેનલે નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે એવોર્ડવિજેતાઓની પસંદગી કરી હતી.
કોમ્યુનિટી વેક્સિનેશન કેન્દ્ર તરીકે કામ કરનારા નવનાત વણિક એસોસિયેશન (NVA) યુકેના નવનાત સેન્ટરની સેવા બદલ ‘સેવા રત્ન સન્માન’ માટે પસંદગી કરવામાં આવી હતી. NVA યુકે દ્વારા તેમના જ્ઞાતિ મેગેઝિન ‘નવનાત દર્પણ’માં સમગ્ર કાર્યક્રમને આવરી લેવાયો છે. NVA યુકેના પ્રેસિડેન્ટ દીલીપભાઈ મીઠાણીએ કાર્યક્રમના આયોજક ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ (ABPL ગ્રૂપ) તેમજ કાર્યક્રમ સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ પ્રતિ કદર અને આનંદની લાગણી વ્યક્ત કરી છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.
અમે આ સમગ્ર ‘સેવા રત્ન સન્માન’ કાર્યક્રમનું આયોજન એક અનોખી શુભચેષ્ટા તરીકે અને નિઃસ્વાર્થભાવે કર્યું હતું. આ ઈવેન્ટ માટે કોઈની પણ પાસેથી કોઈ ચાર્જ લેવાયો નથી કે કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રી ફી પણ રાખવામાં આવી ન હતી. લોર્ડ ડોલર પોપટ, ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસાર કુમાર, લોર્ડ ભીખુ પારેખ, કાઉન્સિલર ગજનફર અલી (હેરોના મેયર) અને શ્રી શાંતિભાઈ ધામેચા (ધામેચા ગ્રૂપ) સહિત વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ અમારા માટે ઉત્સાહપ્રેરક બની રહી હતી.
અમે અમારા વહાલા વાચકો, શુભેચ્છકો અને સ્નેહીઓ પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમના અપ્રતિમ સમર્થન બદલ ઋણી બની રહીશું. આવો જ પ્રેમ અને સમર્થન ભવિષ્યમાં પણ મળતા રહેશે તેવી આશા અને અપેક્ષા ABPL ગ્રૂપ રાખે છે.