‘હુમલામાં મારો બચાવ ચમત્કાર... ઇશ્વરકૃપાથી જ આજે હું જીવતો છું’

પેન્સિલવેનિયામાં ચૂંટણી સભા સંબોધતા ટ્રમ્પ પર ગોળીબારઃ હુમલાખોર યુવાન ઠાર

Tuesday 16th July 2024 15:13 EDT
 
 

વોશિંગ્ટનઃ હત્યાનાં પ્રયાસ પછી અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા પહેલા પ્રતિભાવમાં કહ્યું હતું કે કેટલાક લોકોના મતે મારે મરી જવું જોઈતું હતું પણ ભગવાને મને બચાવ્યો. મારી સારવાર કરનાર હોસ્પિટલનાં ડોકટરે પણ મને કહ્યું કે મેં આવું અગાઉ ક્યારેય જોયું નથી. હુમલામાં મારો બચાવ એક ચમત્કાર જ છે. લોકો કહી રહ્યા હતા કે ભગવાનની કૃપાથી હું અહીં જીવતો છું.
‘ન્યૂયોર્ક પોસ્ટ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે જ્યારે મારી પર હુમલો થયો ત્યારે સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે મેં ફક્ત મારું મોઢું એક તરફ ફેરવ્યું હતું અને તે પણ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ફેરવ્યું હતું તેથી બચી ગયો. અન્યથા જે ગોળી મારા કાનને સ્પર્શીને ઈજા કરતી ગઈ તે આસાનીથી મારો જીવ પણ લઈ શકતી હતી. હુમલામાંથી બચવું તે એક ચમત્કાર જ છે. લોકો કહેતા હતા કે હતા કે ભગવાનની કૃપાથી હું અહીં છું અન્યથા મારે અહીંયા ન હોવું જોઈતું હતું. ટ્રમ્પને જે કાન પર ઈજા થઈ હતી ત્યાં સફેદ પટ્ટી લગાવી હતી.
અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે સમી સાંજે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીસભા ગોળીબારના અવાજથી ધણધણી ઉઠી હતી. હુમલાખોરનું નિશાન હતા ટ્રમ્પ. સદનસીબે ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને નીકળી ગઈ. ભાષણ આપી રહેલા 78 વર્ષીય ટ્રમ્પે જમણા કાન પર હાથ મૂક્યો અને તરત મંચ પર જ નીચે નમી ગયા. હુમલાખોરે ટ્રમ્પ પર લગભગ 102 મીટરના અંતરેથી એક યાર્ડની છત પરથી ગોળીબાર કર્યો હતો. જોકે સ્નાઈપરે પળનાય વિલંબ વિના 20 વર્ષના હુમલાખોર યુવક થોમસ મેથ્યુ ક્રૂક્સને ઠાર કર્યો હતો. હુમલાખોરની ગોળીથી 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘવાયા હતા. એફબીઆઈએ ટ્રમ્પ પર હુમલાને હત્યાનું ષડયંત્ર ગણાવ્યું છે. પ્રમુખ જો બાઇડેને કહ્યું, અમેરિકામાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી.
જુસ્સાભેર મુઠ્ઠી ઊંચી કરતી મારી તસવીર એક સાચી તસવીર
ગોળીબાર થયા બાદ કાનમાંથી લોહી નીકળીને ચહેરા પર ફેલાયેલું હતું તેવી સ્થિતિમાં સિક્રેટ સર્વિસ એજન્ટો વચ્ચે ટ્રમ્પે જુસ્સાભેર એક હાથની મુઠ્ઠી વાળીને તેને હવામાં જોશભેર લહેરાવી હતી. ટ્રમ્પે કહ્યું કે આ મારી સાચી તસવીર છે. તેઓ લોકોને લડવાની અપીલ કરતા ‘ફાઇટ... ફાઇટ... ફાઇટ...’ બોલતા જોવા મળ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે આ અત્યાર સુધી જોવા મળેલી મારા જુસ્સાની એક સાચી તસવીર છે. હું મર્યો નથી. સામાન્ય રીતે એક સાચી તસવીર મેળવવા તમારે મરવું પડતું હોય છે.
ટ્રમ્પે કહ્યું કે ફાયરિંગ પછી તેઓ પોતાનું ભાષણ ચાલુ રાખવા માંગતા હતા પણ સિક્રેટ સર્વિસે તેમને હોસ્પિટલ જવા દબાણ કર્યું હતું. જો બાઇડેન દ્વારા હુમલા પછી ફોન પર ટ્રમ્પના ખબરઅંતર પૂછવામાં આવ્યા હતા. આ વલણને ટ્રમ્પે બિરદાવ્યું હતું.
હુમલાખોર 20 વર્ષનો યુવાન
અમેરિકામાં આગામી 5 નવેમ્બરે યોજનાર પ્રમુખ ચૂંટણી પહેલા પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈ સમગ્ર વિશ્વ અચંબામાં છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે 20 વર્ષીય હુમલાખોર થોમસ મેથ્યુ ક્રૂક્સ બટલરમાં 60 કિમી દૂર રહેતો હતો. થોમસ કાર્યક્રમ સ્થળ પર કોઈ ઓળખપત્ર લાવ્યો ન હતો. ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો હતો. એક ગોળી ટ્રમ્પને સ્પર્શીને નીકળી ગઈ હતી. જોકે જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર મરાયો હતો. હુમલાખોરની કાર અને ઘરમાંથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
પિટ્સબર્ગ ટ્રિબ્યુન-રિવ્યુ અનુસાર, થોમસ 2022માં બેચેલ પાર્ક હાઈસ્કૂલમાંથી સ્નાતક થયો હતો. તેને નેશનલ મેથ એન્ડ સાયન્સ ઇનિશિયેટિવ તરફથી સ્ટાર એવોર્ડ પણ મેળવ્યો હતો. થોમસના પિતા મેથ્યુ ક્રૂકસે કહ્યું હતું કે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું? તેઓ તેમના પુત્ર વિશે કંઈપણ કહેતા પહેલા કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે વાત કરશે.
હુમલાખોર ટ્રમ્પની પાર્ટીનો જ રજિસ્ટર્ડ વોટર
હુમલાખોરે થોમસ ક્રૂક પેન્સિલવેનિયાના બીથલ પાર્ક વિસ્તારનો જ રહેવાસી હતો. તે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો રજિસ્ટર્ડ વોટર હતો. 2021માં તેણે પાર્ટીને 15 ડોલરનું ડોનેશન પણ આપ્યું હતું. હાઈસ્કૂલમાં તેણે 500 ડોલરનો સાયન્સ એવોર્ડ પણ જીત્યો હતો.
હુમલાખોરનો મોટો પ્લાન હતો
ટ્રમ્પ પર હુમલો કરનાર હુમલાખોર થોમસ મેથ્યુ કુક્સની કાર અને તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ જપ્તી બાદ એમ મનાય છે કે હુમલાખોરની યોજના માત્ર ટ્રમ્પ પર ગોળીબાર કરવા પુરતી જ મર્યાદિત નહોતી બલકે તેની યોજના વધારે ખતરનાક હતી. અધિકારીઓના અનુસાર તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની વસ્તુઓ પણ મળી આવી છે.
ટ્રમ્પની સુરક્ષામાં ગંભીર ખામી
ટ્રમ્પ પર જીવલેણ હુમલાના કાવતરામાં મોટી ખામીઓ સામે આવી છે. પેન્સિલ્વેનિયાની રેલીમાં લગભગ એક હજાર લોકો હતા, એવામાં અમેરિકન સિક્યુરિટી પ્રોટોકોલ મુજબ ઓછામાં ઓછા 25 સિક્રેટ સર્વિસ એજન્ટ તૈનાત કરવાના હતા. જ્યારે ઘટનાસ્થળે માત્ર 6 એજન્ટ તૈનાત કરાયા હતા. તેમાં પણ અસોલ્ટ ટીમના ચાર એજન્ટ મંચ પર હતા. સિક્રેટ સર્વિસ ટીમના બે સ્નાઇપર કમાન્ડો ટ્રમ્પના મંચની પાછળ મોરચો સંભાળતા હતા. બિલ્ડિંગ સહિત પાર્કના આઉટર રિંગની સુરક્ષા પણ સ્થાનિક પોલીસ પાસે હતી પરંતુ તેને પણ સુનિશ્ચિત નહોતી કરાઈ.
સિક્યુરિટી સર્વિસની કામગીરી સામે સવાલ
પૂર્વ પ્રમુખ ટ્રમ્પની હત્યાના પ્રયાસ પછી સિક્રેટ સર્વિસની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા છે અને ટ્રમ્પની સુરક્ષામાં રહેલા છીંડાની તપાસ કરવાની માગણી ઊઠી છે. ટ્રમ્પની પ્રચાર રેલીમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ સંપૂર્ણ રાઇફલ કિટ સાથે એક સ્નાઈપરને 150 મીટર દૂરની છત પર જવા કેવી રીતે મંજૂરી મળી તેવા ગંભીર સવાલો પૂછાઈ રહ્યા છે. એક સ્નાઈપરને આખેઆખી કિટ સાથે ટ્રમ્પની એકદમ નજીકની છત પર જવાની મંજૂરી કોણે આપી. પ્રમુખના સુરક્ષા કાફલામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા પૂર્વ સિક્રેટ એજન્ટ જોસેફ લાસોરસાએ કહ્યું કે ઘટનાની ઊંડી અને તલસ્પર્શી તપાસ કરવામાં આવે. રિપબ્લિકન નેતાઓએ તરત ઝડપી તપાસની માગણી કરી હતી જ્યારે પ્રમુખ બાઇડેન દ્વારા સ્વતંત્ર તપાસની જાહેરાત કરાઈ હતી.
4 પ્રમુખ પર હુમલાઃ 3 નાં મોત
14 એપ્રિલ, 1865ઃ અબ્રાહમ લિંકન પ્રથમ પ્રમુખ હતા, જેમની હત્યા કરાઈ. જુલાઈ 2, 1881ઃ પ્રમુખ જેમ્સ ગારફિલ્ડની સત્તા સંભાળ્યાના છ મહિના પછી હત્યા કરાઈ હતી. 14 સપ્ટેમ્બર, 1901ઃ વિલિયમ મેકકિન્લીને ન્યૂ યોર્કમાં ગોળી મારી દેવામાં આવી. નવેમ્બર 22, 1963ઃ ડલાસમાં જ્હોન એફ. કેનેડીની હત્યા.
ફાયરિંગ માટે એઆર-15 રાઇફલનો ઉપયોગ
ટ્રમ્પ પર ફાયરિંગ કરવા માટે વપરાયેલી એઆર-15 રાઈફલ એકમાત્ર એવી બંદૂક છે જેનો ઉપયોગ અમેરિકામાં હત્યાઓમાં કરવામાં આવ્યો છે. મેયર્સ અગેઇન્સ્ટ ઇલીગલ ગન્સ અનુસાર, અમેરિકામાં 93 માસ શૂટિંગમાંથી 14માં આ ગનનો ઉપયોગ કરાયો છે. આધુનિક અમેરિકન ઇતિહાસમાં 10 સૌથી ખતરનાક માસ શૂટિંગમાં આ હથિયાર સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter