ભાવનગરની "ઘરશાળા'ના સ્થાપક, સુવિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને તેના પ્રથમ ઉપકુલપતિ શ્રી હરભાઇ ત્રિવેદીના સૌથી મોટાં દીકરી અાદરણીય જશીબેન રઘુભાઇ નાયકને ગયા મહિને લિવરપુલમાં મળવાનો મોકો મળ્યો હતો. ૧૯૧૮માં જન્મેલાં જશીબહેન ૯૬ વર્ષ પૂરાં કરી અાવતા નવેમ્બરમાં જ ૯૭માં પ્રવેશશે તેમ છતાં તેઅો તન-મન અને શરીરથી સ્વસ્થ છે અને અંગ્રેજી પણ સરળતાથી બોલી શકે છે. અાદરણીય જશીબહેન અને એમના દિવંગત પતિશ્રી રઘુભાઇ નાયકે શૈક્ષણિકક્ષેત્રે અપ્રતિમ સેવાઅો હાંસલ કરી છે એની સરાહના કરતાં "ગુજરાત સમાચાર" તથા "Asian Voice" તરફથી એક માનપત્ર અમે એમના અોર્થોપિડિક સર્જન સુપુત્ર ડો. પ્રશાંતભાઇ નાયકના નિવાસ્થાને જઇ જશીબહેનને સુપ્રત કર્યું હતું.
અા માનપત્રમાં લખ્યું હતું કે, "અાપે કન્યાઅો માટે શિક્ષણ દોહ્યલું હતું તે યુગ (૧૯૩૮)માં એમ.એ. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદના ગરીબ અને પછાત ગણાતા અસારવા વિસ્તારમાં સ્થપાયેલી સરસ્વતી વિદ્યાલયના ઉપઆચાર્ય તરીકે અને તે પછી અસારવા વિદ્યાલયના સ્થાપક આચાર્ય તરીકે તન, મન અને ધનથી સેવાઅો આપી ગરીબ અને શ્રમિક પરિવારના સંતાનોમાં ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી સમાજને વિવિધ સ્વરૂપે સતત મદદરૂપ થવાના આપના અભિગમને અમે સસ્નેહ વંદન કરી વધાવીએ છીએ અને 'કર્મયોગી સન્માન પત્ર' એનાયત કરતા ગૌરવ અનુભવીએ છીએ. આપે સરદાર પટેલ વિદ્યાલય, નવી દિલ્હીના પૂર્વ આચાર્ય તરીકે અને સરસ્વતી વિદ્યામંડળના ચેરપર્સન તરીકે દસ વર્ષ ગરિમાપૂર્ણ સેવાઅો આપી હતી. આપે જેને વટવૃક્ષ બનાવ્યું છે તે િવદ્યામંડળ સંચાલિત અસારવા, સરસપુર અને નજીકના વિસ્તારની પાંચ શાળાઅો કુલ ૪,૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઅોને શિક્ષણની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડે છે. આપના પિતા અને તે પછી આપના દ્વારા સંવર્ધિત શિક્ષણ ક્ષેત્રે મોખરાના શૈક્ષણિક સામાયિક 'ઘરશાળા'ને આવતા વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તંત્રી તરીકે આપ છેલ્લા ૧૫ વર્ષથી સેવાઅો આપો છો તે આપની આ સિદ્ધિ સવિશેષ નોંધપાત્ર છે.
આપ ખૂબ જ જાગૃત મહિલા તો છો જ સાથે સાથે આપ સુધારાવાદી અને વિચારક લેખિકા પણ છો. આપના દ્વારા લખાયેલા ચાર પુસ્તકો પ્રકાશીત થયા છે જેમાં નવા આત્મકથનાત્મક 'શિક્ષણમાં સાહસ' અને 'સ્મૃિતના અસવાર'નો સમાવેશ પણ થાય છે. આપના શિક્ષણ સમર્પિત સેવાકાર્યો બદલ આપને વિવિધ સંસ્થાઅો દ્વારા 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ્સ એવોર્ડ'થી નવાજવામાં આવ્યા છે તે યથાયોગ્ય છે. આપ સુવિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને તેના પ્રથમ ઉપકુલપતિ શ્રી હરભાઇ ત્રિવેદીના સુપુત્રી છો. આપના પતિ ડો. રઘુભાઇ નાયકે અમદાવાદની વિખ્યાત સરસ્વતિ વિદ્યાલયના સ્થાપક આચાર્ય અને ચેરમેન તરીકે સેવાઅો આપી હતી. ડો. રઘુભાઇને શિક્ષણ ક્ષેત્રે બજાવેલી અપ્રતિમ સેવાઅો બદલ ૧૯૭૫માં રાષ્ટ્રપતિના વરદહસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો અને તે પછી 'નેશનલ એવોર્ડ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ ટીચર્સ' એનાયત થયો હતો.
જશીબહેન, આપ ખરા અર્થમાં 'કર્મયોગી' છો.”
જીવનસંધ્યાએ પહોંચેલા જશીબહેનના મુખારવિંદ પર હંમેશા સ્મિત રમતું જ રહે છે. તંત્રીશ્રી સી.બી પટેલે એમની સાથે રસપ્રદ વાતો કરી હતી એ અત્રે ટૂંકમાં રજૂ કરીએ છે. અાદરણીય જશીબહેને ૧૯૩૬માં મેટ્રીક પાસ કરેલી અને ૧૯૩૮માં મુંબઇની SNDT કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. જશીબહેન કહ્યું કે, "નાનપણથી જ અમે દક્ષિણામૂર્તિમાં ભણ્યા, એમાં નિયમિતતા ઉપર ખુબ ભાર મૂકાતો. ત્યાં રહી મેં સિતાર, તબલાં અને હાર્મોનિયમની તાલીમ લીધેલી અને કંઠ્યસંગીત પણ કરેલું. મેં ૧૯૪૦માં નડિયાદની રાષ્ટ્રીય નિવાસી કન્યાશાળામાં પણ શિક્ષિકા તરીકે ફરજ બજાવી છે." અાપને ગાંધીજીને જોયેલા? એનો ઉત્તર વાળતાં જશીબહેન કહ્યું કે, “હા, એકવાર મેં ગાંધીજીને જોયેલા. મારા પિતા હરભાઇ અાશ્રમની કમિટીમાં હતા. ગાંધીબાપુએ એમના મોટા દીકરા હરિભાઇને મારા પિતા હરભાઇ પાસે ભણવા મૂકેલા.”
તેમના પિતા હરભાઇ ત્રિવેદીએ ભાવનગરમાં "ઘરશાળા" શરૂ કરી હતી એમાં જર્મનીથી પીએચડી કરીને અાવેલા રઘુભાઇ મોરારજીભાઇ નાયકને પ્રિન્સીપાલ તરીકે નિયુક્ત કરેલા. દરમિયાન રઘુભાઇની સુંદર કામગીરીથી તેઅો પ્રભાવિત થયેલાં. ઘરશાળામાં પિતા હરભાઇને મદદ કરતાં એમાં રઘુભાઇ સાથે સંપર્ક વધતો ગયો. કોઇપણ જાતના ઢોલવાજાં કે ધાર્મિક વિધિ વગર બ્રાહ્મણ શિક્ષકની ઉપસ્થિતિ વગર લેખિત વિધાન વાંચી જશીબહેન અને રધુભાઇએ એકમેકના સંગાથી બનવાના કોલ અાપી લગ્નગ્રંથિથી જોડાયા હતા. નવસારી નજીક ચલથાણના વતની રઘુભાઇ નાયકે બી.એ. રવિન્દ્રનાથ ટાગોર સાથે શાંતિનિકેતનમાં કરેલું. એમણે ટાગોરે કહેલું કે, “જયાં અંધારૂ હોય ત્યાં દીપક જલાવજે.” અત્યારે રઘુભાઇ સ્વદહે હાજર નથી પણ જશીબહેને એ જ્યોત પ્રજ્વલિત રાખી છે.