શ્રી મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના પ્રથમ પાટોત્સવની શાનદાર ઉજવણી સંસ્થાના આચાર્ય પૂ. આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિય દાસજી મહારાજની ઉપસ્થિતીમાં ધામધૂમપુર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે એમપી બેરી ગાર્ડીનર, બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, ભારતીય હાઇકમિશનના કાઉન્સેલર શ્રી જ્ઞાન સિંઘ, સ્થાનિક કાઉન્સિલર્સ, સેંકડો હરિભક્તો અને અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આખાય સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક, મનોરંજક અને અન્ય કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું હતું. સ્થાપનાના એક જ વર્ષ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી લંડન અને બ્રિટનના હિન્દુઅો અને સ્થાનિક લોકોમાં વ્યાપક આર્કષણનું કેન્દ્ર બન્યું છે.
સ્થાપના દિનની ઉજવણીનો પ્રારંભ મંદિરના મુક્તા અોર્કેસ્ટ્રાના પ્રોડ્યુસર અમિત ઠક્કર અને જાણીતા ગાયીકા દિપ્તી દેસાઇ દ્વારા ભક્તિ સંગીતભરી સાંજથી કરાયો હતો. તે પછી બીજા દિવસે મંદિરના જ કલાકારોએ ભક્તિ નૃત્યો રજૂ કર્યા હતા. શ્રી મુક્તજીવન ડાન્સ એકેડેમી દ્વારા ત્રણ વર્ષના માસુમ બાળકથી લઇને યુવાન વયના કલાકારોએ ભારત નાટ્યમ અને ગુજરાતી લોક નૃત્યો રજ્ૂ કર્યા હતા.
તા. ૨૩ અોગસ્ટના રોજ પૂ. આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિય દાસજી મહારાજની ઉપસ્થિતીમાં ધામધૂમથી વિધિવિધાન સાથે પાટોત્સવ કરાયો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સ્વામીબાપા સમક્ષ શાનદાર અન્નકૂટ - ભોગ ધરાવાયો હતો. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ દ્વારા ખૂબજ મનોરંજક સંગીતની સુરાવલિઅો પ્રસ્તુત કરાઇ હતી. મહોત્સવમાં ભાગ લેવા સમગ્ર વિશ્વમાંથી હરિભક્તો પધાર્યા હતા. બીજી તરફ સમગ્ર વિશ્વના ભક્તો ઉત્સવનો લાહ્વો લઇ શકે તે આશયે વેબસાઇટ પર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમનું આગવું આકર્ષણ તા. ૨૩ અોગસ્ટ રવિવારના રોજ યોજાયેલ સ્થાપના દિની ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજ આરોહણનો કાર્યક્રમ હતો. પૂ. પુરૂષોત્તમપ્રિય દાસજી મહારાજે મંદિરના શિખર પર ધજા લહેરાવી હતી. જ્યારે બ્રિટનના રાષ્ટ્ર ધ્વજ યુનિયન જેકને સ્થાનિક એમપી બેરી ગાર્ડીનરે અને બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે લહેરાવ્યો હતો. જ્યારે ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજને ભારતીય હાઇકમિશનના કાઉન્સેલર શ્રી જ્ઞાન સિંઘે ફરકાવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ અને અન્ય નોંધપાત્ર સખાવતી કાર્યોને પગલે સ્થાનિક સમુદાયમાં મંદિરની લોકપ્રિયતા ખૂબજ વધી છે.