ગીત અને સંગીત જાણે વારસામાં મળ્યું હોય તેમ લેસ્ટરનો માંડ ૧૧ વર્ષના ગાયક કલાકાર શીવ પુરોહિત પટેલને બાળપણથી જ જાણે કે ગીત સંગીતનું ઘેલુ લાગ્યું છે. 'લાગા ચુનરીમાં દાગ' હોય કે પછી 'એક ચતુર નાર કર કે સિંગાર', 'વહ કાગઝ કી કસ્તી' હોય કે પછી 'ચીઠ્ઠી આઇ હે..' જેવા ગીતો માસુમ શીવના હૈયે વસે છે.
જી હા, લેસ્ટરના કેર્બી મક્ષલોમાં રહેતા અને સાતમા ધોરણમાં ભણતા શીવ પુરોહિત પટેલ જ્યારે ૪ વર્ષનો હતો ત્યારે તેણે પોતાના નાના વસંતભાઇ પુરોહિતના ગેરેજમાં હાર્મોનીયમ પડેલું જોયું હતું. કુતુહલવશ તેણે નાના વસંતભાઇને આ શું છે? તેમ પુછ્યું હતું. વસંતભાઇએ પણ માસુમ શીવની જીજ્ઞાસાવૃત્તી જોઇને તેને હાર્મોનીયમ સાફ કરીને વગાડી બતાવ્યું હતું. બસ, માસુમ શીવના અંતરમનમાં રહેલ ગીત સંગીત જાણે કે જાગી ઉઠ્યું હતું. આજે શીવ પોતાના નાના વસંતભાઇના મદદથી તૈયાર કરેલા ૧૫૦ જેટલા ગીત, ભજન, ફિલ્મી ગીતો, કવ્વાલી વગેરે વગાડી અને ગાઇ શકે છે.
'હાર્મોનીયમ વાળો છોકરો' તરીકે જાણીતો શીવ ગીત સંગીતમાં ખુબજ મક્કમ અને અનેરો આત્મ વિશ્વાસ ધરાવે છે. શીવ મિત્રો, પરિચીત સંબંધીઅો સામે ગીત સંગીત રજૂ કરવામાં આનંદ અનુભવે છે. અને જ્યારે તેને શાબાશી કે વાહ વાહ મળે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ બેવડાઇ જાય છે. જો ગીતસંગીતની બાબતે જાણવું હોય તો તે સીધો જ નાનાજીની મદદ માંગે છે અને ઉચ્ચાર બાબતે માતાની મદદ લે છે.
શીવની એક ખાસ ખુબી એ છે કે તે કોઇ પણ ગીત સાંભળે કે તુરંત જ તેની આંગળીઅો હાર્મોનીયમ પર ફરવા લાગે છે અને જાદુઇ રીતે તેની નોટ્સ તે જાતે જ બનાવી લે છે. શીવના પસંદના કલાકારોમાં મોહમ્મદદ રફી, મુકેશ, કિશોર કુમાર અને પંકજ ઉધાસ છે. શીવને જુની હિન્દી ફિલ્મોમાંથી ગીતો ગાવાની પ્રેરણા મળે છે. શીવ સંગીતમય હનુમાન ચાલીસા ગાઇ શકે છે અને તેને વડિલોના મંડળ, સંગઠનોમાં અને ચેરીટી કાર્યક્રમોમાં ગાવાનું ખૂબજ ગમે છે.