• ‘અમને ગુજરાત પીડિત ન સમજો’ઃ પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ ગત સપ્તાહે ટ્વિટ કર્યું હતું કે, ‘એલઓસી પર વધુ એક હુમલો. એવું લાગે છે કે, પાકિસ્તાન વિરુદ્ધ ભારત ઇઝરાઇલ મોડલ અપનાવા માગે છે. મોદીએ જરૂર સમજવું જોઈએ કે, અમે ગુજરાતના પીડિત નથી, આનો જવાબ આપી શકીએ એમ છીએ.’ પાકિસ્તાનમાં મોદી પ્રત્યે એટલો રોષ વ્યાપ્યો છે કે, ટ્વિટર પર #CowardModi ટોપ ટ્રેન્ડ બની ગયો હતો. જેમાં, વર્ષ ૨૦૦૨ના ગુજરાતના કોમી રમખાણો અને એક કાર્યક્રમમાં મોદીએ મુસ્લિમ ટોપી ન પહેરી હોવા અંગે પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
• મોદીના રાજમાં હિંદુત્વના ઠેકેદારો તૈયાર થશેઃ અગાઉ ભારતનાં મંગળ મિશન અંગે બફાટ કરનારા અને મહત્ત્વના મિશનની મજાક ઉડાવનારા અમેરિકી અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક નીતિઓની ટીકા કરી છે. આ અખબારના તંત્રી લેખમાં નરેન્દ્ર મોદી અને તેમની હિંદુત્વની હિમાયત ટિપ્પણી કરી છે. જેમાં મોદીએ શિક્ષણક્ષેત્રે કરેલા સુધાર અંગે અખબારે સવાલો ઉઠાવ્યા છે અને નવી સરકારના શૈક્ષણિક સુધારાને હિંદુ વિચારધારાને પ્રોત્સાહિત કરનાર ગણાવ્યું છે.
• ન્યૂ યોર્કની સ્કૂલોમાં દિવાળીએ રજા રાખવા મેયરને અપીલઃ ન્યૂ યોર્કની ૪૦ જેટલી સંસ્થાઓ અને મંદિરોના સંગઠને શહેરના મેયર બિલ ડે બ્લાસિયો સમક્ષ રજૂઆત કરી છે કે, દિવાળીના દિવસે જાહેર રજા રાખવામાં આવે. આ સંગઠને મેયરને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે હિન્દુ, જૈન અને શીખ સમુદાય માટે દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને આ વાતને ધ્યાનમાં રાખીને શહેરની જાહેર સ્કૂલોમાં રજા રાખવામાં આવે જેથી બાળકો આ તહેવાર
ઊજવી શકે. ન્યૂ યોર્કના સંગઠનની સભ્ય ઉમા મૈસૂરકરે જણાવ્યું હતું કે, હિન્દુ સમુદાયમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે.