રવિવાર ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ ડો. દીપક ચોપરાના વાર્તાલાપનું આયોજન જૈન વિશ્વભારતી , લંડનના ઉપક્રમે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના સંયુક્ત સહકારથી કરવામાં આવ્યું હતું. એનું મીડીયા પાર્ટનર હતું ABPLGROUP(ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ).
"સુખાકારી અને ઉચ્ચ સભાનતાનું ભાવિ" આધ્યાત્મિકતાના બળ થકી મન-તન અને આત્માનું સમતુલા જાળવી શકાય છે એ વિષય અંગે આ વર્ચ્યુલ વાર્તાલાપમાં દેશ-વિદેશના હજારેક ભાઇ-બહેનો સામેલ થયા હતા. હકારાત્મક અભિગમ કેળવવામાં સુખાકારી, સભાનતા અને આધ્યાત્મિકતા વચ્ચેની લીંક બહુ જરૂરી છે. હાલ આપણે સૌ પેનેડેમીકના સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ભારે ગ્લાની અને વિષમ પરિસ્થિતનો સામનો કરતા - કરતા માનસિક તાણ અનુભવી રહ્યા છીએ. આ નમૂનારૂપ પરિવર્તન આપણને સ્વ-પ્રતિબિંબ, સભાનતા અને કુદરતને સાંભળવા તરફ જવા પ્રેરી રહ્યું છે. આપણને કાયમી મંજૂરી મળી ગઇ હોય એમ આપણે કુદરતની અવગણના કરી એ કોવીદ-૧૯ ના પ્રકોપે સમજાવી દીધું.
સુખાકારી અને સભાનતા એ પાયાની વાસ્તવિકતા છે. ડો. ચોપરાએ કહ્યું, “ હાલ ચાલી રહેલ પ્રતિકૂળ વાતાવરણ અને વિષાદની પળ સાથે તક ઝડપી લેવાની ક્ષણ પણ છે.” આપણને લાગેલ ઘા રૂઝવી સામૂહિક ચેતના દ્વારા વધુ શાંતિદાયક અને શાશ્વત આનંદપૂર્ણ વિશ્વ બની રહે એ તક ઝડપી લેવાની છે.”
ડો.ચોપરાએ ભારપૂર્વક જણાવ્યું કે, મન-તન અને આત્માને સભાનતા પૂર્વક શાંત કરવાનું મહત્વ છે. સુખાકારીના બધાં જ પાસાંઓને જીવનમાં દરેકે અપનાવવાની જરુર છે. આ સાતેય બાબતોનો જીવનમાં અમલ કરવાથી સુખાકારી જળવાય છે જેમાં *ઉંઘ *સાધના અને સ્ટ્રેસ મેનેજમેન્ટ *વ્યાયામ યોગા, પ્રાણાયામ *સંવેદના *ખોરાક અને પોષણ *શારીરિક રિધમ અને *સભાનતા...આ ચોપરાના સાત સ્તંભ તરીકે ઓળખાય છે.
"સભાનતાની સમજ" એ માત્ર થીયરી કે એકેડેમીક એક્સરસાઇઝ નથી, એ બેયનું મિશ્રણ છે. મહત્વનું એ છે કે, એ અનુભવવું રહ્યું, એમ એમણે એમના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું. આપણા મનનો આધાર સભાનતા પર છે; આપણા તન પર નહિ. વધુમાં એમણે ઉમેર્યું કે, “સભાનતા, કાલ્પનીકતા, શાસન અને બંધારણના સમન્વયથી સમગ્ર બ્રહ્માંડ રચાય છે; જે આંતરિક છે. એનું અસ્તિત્વ બધેજ અને પ્રત્યેક જીવન સાથે સંકળાયેલ છે. આપણે ચાલતા બ્રહ્માંડ છીએ.”
“આપણે આપણી શ્રધ્ધાને શરણે જવાની જરૂર છે, જે આપણને કાયદાને વ્યવસ્થિત રૂપ આપવાનો અનુભવ કરાવે છે. એમણે એમના વક્તવ્યનું સમાપન ખૂબ જ ગહન નિવેદન અને વિચાર બીજના રોપણ સાથે કર્યું: “સુખાકારીનું ભાવિ સભાનતા છે. જાગો" !” શ્રોતાજનોને જકડી રાખે એવી આ માહિતીપ્રદ ચર્ચામાં ઉપસ્થિત સૌએ ડો. ચોપરાની વાણીનું સંમોહન અનુભવ્યું.
આ કાર્યક્રમ દરમિયાન રસપ્રદ પ્રશ્નોત્તરી પણ થઇ હતી. અંતમાં આવા કાર્યક્રમ પુન: યોજાય એવી માંગ પણ થઇ હતી.
Contact: [email protected], whatsapp: +447796134301