'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શનિવાર તા. ૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં પિરસવામાં આવતી વાચન સામગ્રી, વિવિધ વિભાગો, કોલમો વગેરે અંગે સુખદ સંતોષ વ્યક્ત કરી મનનીય વિચારો અને મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વાચક મિત્રોએ એક 'રીડર્સ ફોરમ' શરૂ કરવાનું સૂચન કર્યું હતું જેથી વાચક મિત્રો અને પત્ર લેખકો તેમાં ભાગ લઇ પોતાના વિચારો રજૂ કરી શકે.
આ સ્નેહમિલનમાં સર્વશ્રી ઇલાબેન ત્રિવેદી (એજવેર), સુધાબેન ભટ્ટ (બેન્સન), ગૌરાંગભાઇ પાટડીયા (બ્રિસ્ટોલ), ભરત સચાણીયા (લંડન), નટવરભાઇ શાહ (ફિંચલી), રમેશભાઇ સોની, ડો. નગીનભાઇ પટેલ (નોરવુડ, લંડન), પૂ. પીપી સ્વામી (ડાંગ), રાજવૈદ્ય હીરુભાઇ પટેલ (નડિયાદ), બિપીનભાઇ પટેલ, હરીશભાઇ પોપટ, નિરંજનભાઇ વસંત (સાઉથ લંડન), પ્રમોદભાઇ મહેતા 'શબનમ' (હેરો) ઉપેન્દ્રભાઇ કાપડીયા- ઇલાબેન કાપડીયા (કિંગ્સબરી), ધરમ સહદેવ (ઇલફર્ડ), બટુકભાઇ ત્રિવેદી, રતીલાલભાઇ ટેલર (સાઉથગેટ) ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિ વાચક મિત્રો અને પત્ર લેખકોએ 'ગુજરાત સમાચાર એશિયન વોઇસ'માં આવતા સમાચાર, વિવિધ વિભાગો, કોલમો વગેરે અંગે માહિતીપ્રદ સૂચનો કર્યા હતા અને દેશ, રાજકારણ, ધર્મ અને વિજ્ઞાન, સંસ્કૃતિ, હિન્દુ અંતિમ સંસ્કાર, ગુજરાતી ભાષા, સ્વચ઼છતા, મહિલા સશક્તિકરણ, બાળ ઉછેર અને બાળ શિક્ષણ વિષે મનનીય મંતવ્યો રજ્ૂ કરી ચર્ચા કરી હતી.
તંત્રી શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'ભારત બહારના સૌથી મોટા અખબાર તરીકે અમે આ દેશમાં વસતા સર્વે ભારતીયો-ગુજરાતીઅો અને એશિયન પ્રજાની સેવા કરવા કટિબધ્ધ છીએ. તમે આજે અહિં પધારીને અમારી ખૂબજ મોટી તરફેણ કરી છે. એક જવાબદાર પત્ર લેખક તરીકે કોઇના ધર્મ, આસ્થા કે વૈચારીક મુલ્યોને તકલીફ ન થાય તે જોવાની ખૂબ જરૂર છે. આપણા સૌને આશય ભારત તેમજ બ્રિટનને વફાદાર રહેવાનો અને મદદરૂપ થવાનો છે. ભાષા આપણી વાત કે માહિતી બીજા સુધી પહોંચાડવાનું એક સાધન છે. ભાષા ગમે તે હોય પણ આપણે આપણે સંસ્કૃતિ જાળવવાની છે. ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ અને માતૃભાષા વિના સંસ્કૃતિ નહિં ટકે એ પણ સત્ય હકિકત છે.'
શ્રી સીબીએ બેન્શન, અોક્સફર્ડશાયરથી પધારેલા સુધાબેન ભટ્ટના પુત્રનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. જેમણે પોતાની માતા નિયમિત પત્રો લખે છે અને 'ગુજરાત સમાચાર'નું વાંચન કરે છે તે જાણી સુધાબેનને છેક બેન્શનથી કેબ કરીને આ સ્નેહમિલનમાં મોકલ્યા હતા.
પૂ. પીપી સ્વામીએ જણાવ્યું હતું કે 'પત્ર લેખકોનું ખૂબ જ મુલ્ય છે અને 'એશિયન વોઇસ - ગુજરાત સમાચાર' પત્ર લેખકોના પત્રો રજૂ કરી ને ખૂબજ મહત્વપૂર્ણ સેવા કરી રહ્યું છે. પત્રલેખકોના અભિપ્રાય બહુમુલ્ય હોય છે અને ઘણી વખત પત્રલેખકો મહત્વપૂર્ણ દ્રષ્ટીકોણ રજૂ કરતા હોય છે. '
પૂ. પીપી સ્વામીએ તેમની સંસ્થા પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ડાંગમાં ચલાવાતી વિવિધ શૈક્ષણિક સામાજીક અને ધાર્મિક પ્રવૃત્તિઅો અંગે આછેરો ખ્યાલ આપ્યો હતો (જુઅો ગુજરાત સમાચાર પાન નં. ૨૬).
રાજવૈદ્ય શ્રી હીરૂભાઇ પટેલે જણાવ્યું હતું કે 'શિક્ષણ માતાના ધાવણમાંથી જ આવે છે, કમનસીબે ગુજરાતની શાળામાં બાળકોને ભણાવાતું નથી અને અમુક વખત તો શિક્ષક ફક્ત પગાર લેવા શાળાએ જતા હોય તેમ લાગે છે. ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં સેવા કાર્યો કરતા પૂ. પીપી સ્વામી, હરવિલાસબેન અને કાંતાબેન, ઘેલુભાઇ અને છોટાલાલ નાયક તેમજ પુર્ણીમાબેન પકવાસા જેવા લોકો સાચા સંતો છે અને તેમને એવોર્ડ આપવા જોઇએ.'