'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮ જુલાઇ ૨૦૧૫ના રોજ 'જૈન સમાજ માંચેસ્ટર', સ્ટોકપોર્ટ, માંચેસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટોકપોર્ટના ડેપ્યુટી લોર્ડ મેયર સુશ્રી જૂન સોમેખ અને કાઉન્સિલર પીટર કૂકસન ઉપસ્થિતીમાં ૧૦૦ વર્ષના પ્રભાવતીબેન શાહ તેમજ ૯૮ વર્ષના વિરચંદભાઇ માલદે સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૩૫ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે 'ભૂલો ભલે બીજુ બધું' ભક્તિ ગીત સાથે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારી અભિવાદન કરાતા ઉપસ્થિત સૌની આંખો સજળ થઇ બની હતી.
આપણા સૌ માટે જેમણે ઠંડી કે ખરાબ હવામાનની પરવા કર્યા વગર પોતાના તન, મન અને ધનની આહુતી આપી છે તેવા વડિલોનું સન્માન કરવાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો. આ અગાઉ હેરોમાં સંગત સેન્ટર ખાતે બે વખત, લોહાણા કોમ્યુનિટી સેન્ટર ક્રોયડન, સનાતન મંદિર લેસ્ટર, ગુર્જર હિન્દુ યુનીયન - સનાતન મંદિર, પ્રેસ્ટનના સહકારથી આવા જ કાર્યક્રમો યોજાઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૩૫૦ કરતા વધુ વડિલોનું સન્માન કરવામાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' વિવિધ સંસ્થાઅોના સહકારથી સદ્ભાગી થયું છે.
આ પ્રસંગે 'હિન્દુ ફોરમ અોફ બ્રિટન'ના પ્રમુખ અને ઉત્તર ઇંગ્લેન્ડના સેલફર્ડ સીટી કાઉન્સિલના ટ્રાફિક મેનેજર, માંચેસ્ટર સીટી કાઉન્સિલ અને થ્રી રીવર્સ ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલના હાઇવે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં સૌ પ્રથમ એશિયન મહિલા સિવિલ એન્જીનીયર તરીકે લાગલગાટ ૩૪ વર્ષ સુધી સેવા આપનાર તૃપ્તિબેન પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.
માંચેસ્ટરમાં ઇમ્પોર્ટ, એક્ષપોર્ટ અને ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ સંભાળતા તેમજ લાગલગાટ ૨૫ વર્ષ સમાજના સેક્રેટરી તરીકે સેવાઅો આપી છેલ્લા ૯ વર્ષથી માંચેસ્ટર જૈન સમાજના પ્રમુખ તરીકે સેવાઅો આપનાર શ્રી પિયુશભાઇ મહેતાનું વિશેષ સન્માન કરાયું હતું.
૧૯૬૮માં ઇન્ડિયન એસોસિએશન અોલ્ડહામની સ્થાપના કરી પ્રમુખ, ઉપ્રપમુખ, સલાહકાર અને ટ્રસ્ટી જેવા વિવિધ હોદ્દાઅો દ્વારા સંસ્થાની સેવાને વેગ આપનાર તેમજ હિન્દુ કાઉન્સિલ નોર્થની સ્થાપનામાં પણ મહત્વનો ભાગ ભજવી પહેલા પ્રમુખ અને હાલ ઉપપ્રમુખ તરીકે સેવાઅો આપનાર શ્રી રામસીંઘજી કુંપાવતનું વિશેષ બહુમાન કરાયું હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડેપ્યુટી લોર્ડ મેયર સુશ્રી જૂન સોમેખે પોતાના રમૂજી સ્વભાવનો પરિચય આપતાં જણાવ્યું હતું કે 'મને આમ તો પાંચ મિનિટ બોલવા જણાવ્યું છે પરંતુ હું 'લેડીઝ એન્ડ જેન્ટલમેન' કરીને સંબોધન કરીશ ત્યાં સુધીમાં જ સમય પૂરો થઇ જશે.' તેમણે જણાવ્યું હતું કે 'મને નિમંત્રણ આપવા બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છું અને અહિં ઉપસ્થિત સૌ વડિલોનું સન્માન કરતાં હું ખુદ ગૌરવ અનુભવી રહી છું. આપણા જીવનમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવી રહ્યો છે. આપ ૮૦ વર્ષ કરતા ઉપરની વયના વડિલો વિષે વિચારો છો તે ખૂબ જ આનંદની વાત છે. હું મહાત્મા ગાંધીજીની ચુસ્ત પ્રસંશક રહી છું અને મને આનંદ સાથે કહેતા ગર્વ થાય છે કે આપનો સમુદાય વડિલ સન્માન સહિતની ખૂબ જ ગર્વપ્રેરક સામાજીક સેવાઅો કરે છે. આટલું જ નહિં આપ સમાનભાવે આપના પોતાના જ નહિં પણ સ્થાનિક સમુદાયના અન્ય લોકોની સેવા કરો છો. ગત બુધવારે જ મેં સીટીઝનશીપ સેરેમનીમાં આપના જ સમુદાયના બે સજ્જનોનું સન્માન કર્યું હતું. '
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'વડિલોનું સન્માન કરવાના આ કાર્યક્રમમાં અમે કોઇ પણ પ્રકારના નાત, જાત, ભાષા, દેશ કે ધર્મના ભેદભાવ વગર વડિલોનું સન્માન કરીએ છીએ. મેં મારા માતાપિતાને ઘણાં સમય પહેલા ગુમાવી દીધા હતા. મારી માતાનું અવસાન થયું ત્યારે તેમની વય ૯૪ વર્ષની હતી. પરંતુ આજે હું જે કાંઇ છું તે મારા માતાપિતાએ આપેલા સંસ્કાર અને પરંપરાના કારણે છું. અમારે ત્યાં કમલ રાવ, કોકિલાબેન તેમજ અન્ય સાથીઅો આ કાર્યક્રમના આયોજન માટે ખૂબજ મહેનત કરે છે. તેમને અહિંથી પિયુશભાઇ મહેતા અને વિજયભાઇ પટેલ તેમજ અન્ય સાથીઅોને ખૂબ જ સુંદર સહકાર સાંપડ્યો હતો. આવા સુંદર વડિલ સન્માનના કાર્યક્રમના આયોજન માટે અમને ખૂબ જ પૂછપરછ થાય છે.”
શ્રી સીબીએ જણાવ્યું હતું કે 'અહિં અમુક વડિલ સો વર્ષ કે તેથી નજીકની વયના બેઠા છે, આપણા વડિલોને શું જોઇએ છે? તેમને માત્ર પ્રેમ અને આદર જોઇએ છે. હું આપણા દરેક યુવાન યુવતીઅોને કહીશ કે આવા આપણા વડિલોને દરેક વાર તહેવાર જન્મદિવસ કે ઉજવણી પ્રસંગે ખૂબ ખૂબ આદર આપો. અમને આવા કાર્યક્રમનોના આયોજન કરીને કશું મેળવવું નથી, પરંતુ વડિલોની સન્માન દ્વારા સેવા કર્યાનો આનંદ મેળવવો છે. મને પણ ડાયાનિટીશ છે અને અન્ય બીમારીનો ભોગ બનેલો છું, પરંતુ જો આપના કુટુંબમાં કોઇ બીમાર હોય તો તેમને પ્રોત્સાહન અને સહકાર આપો. હું આ તબક્કે આયોજન માટે ખૂબજ જહેમત ઉઠાવનાર સૌને અભિનંદન આપું છું.'
જૈન સમાજ માંચેસ્ટરના પ્રમુખ શ્રી પિયુશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે 'આજે સૌ વડિલોનું સન્માન કરતાં અમને ખૂબ જ ગર્વ સાથે આનંદ થાય છે. અમે આજે આ વડિલ સન્માનના કાર્યક્રમનો એક ભાગ બન્યા છીએ તે બદલ ગૌરવ અનુભવીએ છીએ અને અમારૂ હૈયુ આનંદથી ઉભરાઇ રહ્યું છે. આજે આપ સૌને અમારી નમ્ર વિનંતી કે આપના અનુભવ અને જ્ઞાનનું ભાથુ આગામી નવી પેઢીને આપજો જેથી તેઅો પણ સિધ્ધીના શિખરો સર કરે. અમે જૈન સમાજના સૌ સદસ્યો એક પરિવારની જેમ રહીએ છીએ અને મને તેનો આનંદ છે. અમે અહિં વિવિધ ધાર્મિક, સામાજીક અને મનોરંજક કાર્યક્રમો દ્વારા સેન્ટરને ધમધમતું રાખીએ છીએ. અહિં દર રવિવારે ભજનભોજનનો કાર્યક્રમ થાય છે. અમે આ હોલના નિર્માણ માટે ખૂબજ મહત્વનો સહકાર, દાન આપનાર સૌના આભારી છીએ.'
આ પ્રસંગે કાઉન્સિલર પીટર કુકમેને પણ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે 'આજે આપ સૌ વડિલોનું સન્મના કરવાનો કાર્યક્રમ કરો છો તે ખરેખર અવર્ણનીય છે અને મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ગર્વ સાથે અંનદ થાય છે.'
કાર્યક્રમના પ્રારંભે સૌ સન્માનીત વડિલોએ સાથે મળીને ભોજન લીધું હતું અને સ્નેહમિલનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને સંચાલન 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર શ્રી કમલ રાવે કર્યું હતું. તો મેનેજિંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ની સ્થાપના અને સમાજ ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઅોને આછેરો ખ્યાલ આપ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જૈન સમાજ માંચેસ્ટર દહેરાસર અને સમાજની બહેનોએ "મૈત્રી ભાવનું વિપુલ ઝરણું" પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે ગાયક કલાકાર દિનેશભાઇ કોચરે સુંદર પ્રાર્થના અને જુની હિન્દી ફિલ્મોના ગીતો રજૂ કરી સૌની વાહવાહ મેળવી હતી. આભાર વિધી જૈન સમાજ માંચેસ્ટરના શ્રી વિજયભાઇ પોટેલે કરી હતી. કાર્યક્રમ દરમિયાન નામ નહિં આપવાની શરતે એક સદગૃહસ્થે £૨૫૧, તેમજ ઇન્દિરાબેન નરેન્દ્રભાઇ શાહ, ગુલાબબેન ગીરધરલાલ પટેલ અને વનિતાબેન વૃજલાલ મેહતા પરિવારે £૫૧ની સખાવતની જાહેરાત કરી હતી.
(તસવીર સૌજન્ય: અતુલભાઇ ઝવેરી, માંચેસ્ટર)