અમદાવાદઃ આગામી પાંચમી ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. વર્ષ 1952 બાદ એટલે કે 72 વર્ષના લાંબા અરસા શ્રાવણ માસ સોમવારે શરૂ થઈને સોમવારે જ સમાપ્ત થશે. અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી ત્રીજી સપ્ટેમ્બરે 30 દિવસ પૂરા કરીને સોમવારે જ શ્રાવણ મહિનો પૂરો થઇ રહ્યો છે.
આ વર્ષે યોગાનુયોગ સોમવારથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે. સામાન્ય રીતે ચાર સોમવાર આવતા હોય છે. શિવજીનો અતિપ્રિય સોમવાર શિવભક્તો માટે અતિ ઉમંગ, ઉત્સાહ સાથે નિત્ય શિવલિંગ પર જળાભિષેક સાથે વિશિષ્ટ પૂજાઓ કરીને અલગ-અલગ વ્યંજનોથી શણગાર કરવામાં આવશે.
આવનારા શ્રાવણ મહિનામાં ગ્રહોના યોગ પણ રચાશે, જેમાં બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશક યોગનો સમાવેશ થાય છે. જેમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ, ગુરુ ચંદ્રનો નવ પંચમ યોગ, ચંદ્ર મંગળ કુબેર યોગ, શનિનો શશક યોગ તેમજ ગુરુ-ચંદ્રનો ગજ કેસરી યોગ રચાય છે. આ મહાન પાંચ ગ્રહયોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે, જે શ્રાવણ માસ જેવા સિદ્ધ માસને પરમ સિદ્ધિદાયી બનાવે છે. સંપૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર મંત્ર, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે.