બર્મિંગહામઃ બુધવાર ૧૧ નવેમ્બર અને ગુરુવાર ૧૨ નવેમ્બરે હિન્દુ પંચાંગના સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારો દિવાળી અને હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવા સેંકડો લોકો બર્મિંગહામના હોલ ગ્રીન ખાતે આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં એકત્ર થયાં હતાં. મહેમાનોમાં કાઉન્સિલર બેરી બાઉલ્સ અને કાઉન્સિલર કેરી જેન્કિન્સનો પણ સમાવેશ થયો હતો.
પરંપરાગત રંગીન અને વિવિધ રંગોળીઓ, દીવડાની ભવ્યતમ હારમાળા, સેંકડો સ્વાદિષ્ટ શાકાહારી વ્યંજનોથી સમૃદ્ધ અન્નકૂટ તેમજ બાળકોની પ્રતિભા દર્શાવતું પ્રદર્શન ઉજવણીનું કેન્દ્ર બની રહ્યાં હતાં. ‘ખાદ્યપદાર્થોના પર્વત’ ગણાવાયેલાં અન્નકૂટમાં વિશ્વભરની ૩૦૦થી વધુ શુદ્ધ શાકાહારી વાનગીઓનું નેવૈદ્ય ભગવાનને ચડાવાયું હતું. આભારના પરંપરાગત પ્રકારમાં શ્રદ્ધા અને સમર્પણ સાથે ભક્તો દ્વારા આ વાનગીઓ તૈયાર કરીને ઈશ્વરને ધરાવાઈ હતી. બાળકોએ ‘કિડ્ઝ ઝોન’માં મસ્તીની મોજ માણી હતી, જ્યાં તેમણે રમતો, ફેસ પેઈન્ટિંગ અને મહેંદી લગાવવાનો આનંદ લીધો હતો. આ ઉપરાંત, અહી બૂક અને ફૂડ સ્ટોલ્સ પણ રખાયાં હતાં.
કાઉન્સિલર બેરી બાઉલ્સે ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘મંદિર ખાતે દરેક ભક્તો દ્વારા અપાતા ઉષ્માપૂર્ણ આવકારથી તેઓ દર વખતે અંજાય છે. અહીં સ્વયંસેવાની ભાવના નોંધપાત્ર છે.’ કાઉન્સિલર કેરી જેન્કિન્સે કહ્યું હતું કે,‘આજે અહી હાજર રહેવામાં હું ગૌરવ અનુભવું છું. આ કોમ્યુનિટી સાથે મળીને કામ કરે છે અને બધાં માટે પોતાના દ્વાર ખોલે છે તે મારા હૃદયને સ્પર્શી જાય છે. હોલ ગ્રીનમાં દર વર્ષે લોકો આતુરતાપૂર્વક આ ઉત્સવની રાહ જુએ છે. તે સેંકડો લોકોને અહીં ખેંચી લાવે છે.’ અન્ય મુલાકાતીઓએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.