લંડનઃ BAPS ચેરિટીઝ ઘણાં વર્ષોથી જાગૃતિ અભિયાન અને રજિસ્ટ્રેશન ઝુંબેશ હાથ ધરીને નેશનલ બોન મેરો ડોનર રજિસ્ટરને મદદરૂપ થઈ રહી છે. તા. ૨૭-૧-૧૮ને શનિવારે સાંજે ૪થી રાત્રે ૯ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્લડ કેન્સરને નાબૂદ કરવા કાર્યરત DKMS સાથે રજિસ્ટ્રેશન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ ૯ વર્ષના યુવાન જેવા લ્યુકેમિયા સામે ઝઝૂમી રહેલા અને જેમને પોતાનું જીવન બચાવવા માટે બોન મેરો ડોનરની તાત્કાલિક જરૂર છે તેવા બ્લડ કેન્સરથી પીડાતા બાળકો માટે છે.
યુવાન અને તેના જેવી હાલતમાં જીવતા અન્ય દર્દીઓને મદદરૂપ થવા જેમણે રજિસ્ટ્રેશન કરાવવાનું નથી વિચાર્યું તેવા તમામને અમે કોઈકનું જીવન બચાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. રજિસ્ટ્રેશન ખૂબ સરળ અને તકલીફ વિનાની પ્રક્રિયા છે, જેમાં એક ફોર્મ ભરવાનું અને માઉથ સ્વેબ આપવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે આપની વય ૧૭થી ૫૫ વર્ષની હોવી જ જોઈએ અને લાંબા સમયની મેડિકલ કંડીશન ન હોવી જોઈએ. આપ લાયક છો કે નહીં તેને માટે તેમજ વધુ માહિતી માટે DKMS વેબસાઈટની મુલાકાત લો અથવા શનિવારે સ્ટોલ પર હાજર વોલન્ટિયર્સ સાથે વાત કરો.
ઝુંબેશની વધુ વિગતો માટે BAPS ચેરિટીઝની મુલાકાત લો. કૃપા કરીને આપના પરિવારજનો અને મિત્રોને આ સમાચારની જાણ કરો અને તેમને રજિસ્ટ્રેશન માટે પ્રોત્સાહિત કરો. આપ એક જિંદગી બચાવી શકો છો !