બર્મિંગહામઃ યુનાઈટેડ કિંગ્ડમમાં વિશ્વસ્તરીય બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલરી (BMAG) દ્વારા પાંચ ફેબ્રુઆરીએ નવી ગેલરી ‘ફેઈથ ઈન બર્મિંગહામ’ લોન્ચ કરાઈ છે. આ ગેલરી ક્રિશ્ચિયાનિટી, ઈસ્લામ, હિંદુત્વ, બૌધ્ધવાદ, શીખવાદ અને જ્યુડાઈઝમની અનોખી ઝાંખી કરાવે છે. આ ગેલરીમાં ગણેશ અને વિષ્ણુની ૧૧મી સદીની બિહારની મૂર્તિઓ, પૂર્વ ભારતમાંથી ૧૧મી સદીનું શિવ લિંગમ, મૈસુરથી ૧૩મી સદીનું નંદીનું શિલ્પ તેમજ વિવિધ હિન્દુ કળાકૃતિઓ પ્રદર્શનાર્થે મૂકાઈ છે.
યુએસએના નેવેડાસ્થિત હિન્દુ અગ્રણી અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડે નવી મલ્ટિફેઈથ ગેલેરી લોન્ચ કરવા બદલ બર્મિંગહામ મ્યુઝિયમ્સની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ ગેલરી પ્રેમ અને શાંતિની સંસ્કૃતિના સર્જન સાથે ઈન્ટરફેઈથ સંવાદિતા અને એકતાને વધારશે તેમજ આંતરધર્મીય મંત્રણા અને સહકારને પ્રોત્સાહન આપશે અને બર્મિંગહામ તથા અન્યત્ર વિવિધધર્મી લોકોમાં સારા સંબંધોનું નિર્માણ કરશે તેવી મને આશા છે.’
બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા સંચાલિત બર્મિંગહામ મ્યુઝિયમ્સના ભાગરૂપ BMAG નો આરંભ ૧૮૮૫માં કરાયો હતો અને તેમાં ૪૦થી વધુ ગેલરીનો સમાવેશ થાય છે. મ્યુઝિયમ્સમાં ૮૦૦,૦૦૦થી વધુ આઈટમ્સ પ્રદર્શનાર્થે મૂકાઈ છે. દર વર્ષે આશરે ૧૦ લાખથી વધુ મુલાકાતી તેનો લાભ લે છે. બર્મિંગહામ મ્યુઝિયમ્સ દ્વારા નવેમ્બરમાં હિન્દુ શૈલીની રંગોળીનું પ્રદર્શન યોજાયું હતું. તેના સંગ્રહમાં ભગવાન વિષ્ણુના કુર્મ અવતારની ૧૯-૨૦મી સદીનું કોતરણીદાર કાષ્ઠશિલ્પ પણ છે.