લંડનઃ ગ્લોબલ એડવાઈઝરી ફર્મ EPG ના પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સથી દેશના રાજકીય અને જાહેર જીવનમાં નોંધપાત્ર અને સક્ષમ નેતાઓને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષના નોંધપાત્ર વિજેતાઓની યાદીમાં દેશના બે સૌથી વરિષ્ઠ રાજકીય અગ્રણીઓ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન MP અને વિપક્ષના ડેપ્યુટી નેતા એન્જેલા રાયનેર MPનો સમાવેશ થયો હતો જેમને પાર્લામેન્ટેરિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે લંડનના મેયરપદની ચૂંટણી નજીક છે ત્યારે મેયર સાદિક ખાન લોકલ ગવર્મેન્ટ એવોર્ડના વિજેતા જાહેર કરાયા હતા.
વિશ્વભરમાંથી રાજકીય નેતાઓ ખાસ આ એવોર્ડ્સના સાક્ષી બનવા લંડન આવ્યા હતા. મહેમાનોમાં ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઈન્ડિયા ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ સુરેશ પ્રભુ, નેપાળના ભરતપુરના મેયર રેણુ દહલ અને મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ અમીનાહ ગુરિબ-ફાકિમનો સમાવેશ થયો હતો.
યુકે માર્કેટમાં થોડાં વર્ષોમાં શાનદાર ઝડપી વૃદ્ધિ પછી, બેન્ક ઓફ ધ યરનો એવોર્ડ SBI (UK)ના ફાળે ગયો હતો જ્યારે બ્રિટિશ ઈરાકી બિલિયોનેર બિઝનેસવુમન અને ફિલાન્થ્રોપિસ્ટ લેડી ઈબ્તિસામ ઓચી હ્યુમેનિટેરિયન ઓફ ધ યર એવોર્ડના વિજેતા જાહેર કરાયાં હતાં. ગત થોડાં વર્ષો યુકે માટે અભૂતપૂર્વ પડકારોના રહ્યાં. આ મુશ્કેલ સમયગાળા અને અરાજકતાપૂર્ણ રાજકીય વાતાવરણમાંથી યુકે અને વિશ્વને બહાર લાવવામાં રાજકીય અને જાહેર જીવનના કેટલાક ગણનાપાત્ર અને સક્ષમ નેતાઓનો ફાળો રહ્યો છે. એવોર્ડ સમારંભની સાંજમાં યુકે અને વિદેશથી પાર્લામેન્ટેરિયન્સ, બિઝનેસ અને કોમ્યુનિટી અગ્રણીઓ સહિત 200થી વધુ મહેમાન ઉપસ્થિત હતા.
EPGના ડાયરેક્ટર એલ. જ્યોર્જે જણાવ્યું હતું કે,‘અમારા એવોર્ડ્સ આપણી સમક્ષના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા સાથે ગત વર્ષમાં વિધેયાત્મક અસર સર્જનારા જાહેર જીવનના કેટલાક નોંધપાત્ર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે છે. બ્રિટનને બહેતર બનાવનારા વિશિષ્ટ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવા EPGનો આ નમ્ર પ્રયાસ છે.’
વોલ્સાલ સાઉથના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વેલેરી વાઝે જણાવ્યું હતું કે,‘ ગત 12 મહિનામાં તમામં અવરોધો પાર કરીને આપણા રાજકીય અને જાહેર જીવનમાં વિશિષ્ટ યોગદાન આપી આપણને ગૌરવાન્વિત કરનારાની સિદ્ધિઓને ઉજવવાની તક આ એવોર્ડ્સ આપે છે. આપણે ક્યાં જન્મ્યા કે ઉછર્યા હોઈએ તેની વાત નથી, આપણે બધાં જ વિશ્વમાં સૌથી મોટા બહુસાંસ્કૃતિક દેશના નાગરિક હોવાનું ગૌરવ ધરાવીએ છીએ.’
અગાઉના વર્ષોમાં એવોર્ડવિજેતાઓમાં સર કેર સ્ટાર્મર, સાજિદ જાવિદ, વિલિયમ હેગ, એન્ડી બર્નહામ, પ્રીતિ પટેલ MP, લાયલા મોરાન MP અને જોનાથન એશવર્થ MPનો સમાવેશ થાય છે.