લંડનઃ હિન્દુ ફોરમ બ્રિટન (HFB) દ્વારા નવનિર્વાચિત પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર અને લેબર પાર્ટીને 4 જુલાઈ 2024ના જનરલ ઈલેક્શનમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. HFBના સભ્યો વતી સર કેર સ્ટાર્મરને અભિનંદન પાઠવતાં પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે પત્રમાં હિન્દુ કોમ્યુનિટીએ હિન્દુવિરોધી નફરતમાં ભારે વધારાનો અનુભવ કર્યો હોવાનું જણાવી સર કેરની નેતાગીરી ખાઈઓ પૂરવા સાથે સંવાદિતાને ઉત્તેજન આપી વધુ એકતાપૂર્ણ અને સ્થિતિસ્થાપક સમાજની રચનામાં આગળ વધશે તેવો વિશ્વાસ કર્યો હતો.
પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, ‘આપણો મહાન દેશ અનેક મોરચે ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક સંઘર્ષોએ આપણી મલ્ટિફેઈથ કોમ્યુનિટીની અંદર ધર્મ આધારિત મુદ્દાઓ પર નોંધપાત્ર અસરો ઉપજાવી છે. બ્રિટિશ હિન્દુઓનો અવાજ બનવા હિન્દુ ફોરમ બ્રિટનની 2004માં સ્થાપના થઈ હતી અને રાજકીય રંગને ધ્યાનમાં લીધાં વિના હંમેશાં દરેક સરકારો સાથે કામ કરવા પ્રયત્નશીલ રહે છે. અમારા હિન્દુ મૂલ્યો અમને દેશના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. હિન્દુઓ માત્ર મહેનતુ અને સફળ હોવાની સાથોસાથ દેશના જીડીપીમાં પણ અમૂલ્ય યોગદાન આપે છે. કાયદાનું પાલન કરતા હિન્દુઓ બ્રિટિશ સમાજ સાથે ઓતપ્રોત બની રહ્યા છે અને દેશના માટે રચનાત્મક સંપત્તિ છે.’
HFB દ્વારા જણાવાયું હતું કે હિન્દુ કોમ્યુનિટીની જરૂરિયાતો, ઈચ્છાઓ અને મહેચ્છાઓને પાર પાડવામાં આવે તે માટે તમારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ જેથી હિન્દુઓ આપણા દેશમાં તેમનું યોગદાન વધારી શકે. બ્રિટનમાં વિવિધ પ્રદેશ અને સાંસ્કૃતિક પશ્ચાદભૂ સાથેના 300થી વધુ હિન્દુ સંગઠનોની છત્રસંસ્થા HFBએ સરકાર અને હિન્દુઓ વચ્ચે રચનાત્મક સંવાદ સાધી શકાય તકે માટે પ્રાઈમ મિનિસ્ટર સાથે મુલાકાતની ઈચ્છા પણ દર્શાવી હતી અને દેશને આગળ લઈ જવા કેટલાક રચનાત્મક નીરિક્ષણો પણ રજૂ કરાશે તેમ જણાવાયું હતું.