લંડનઃ કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર સાદિક ખાને ઈમર્જન્સી સર્વિસીસ સેનોટાફની રજૂઆત તેમજ તેના નાણાભંડોળ માટે વડા પ્રધાનને પત્ર પાઠવ્યો હતો.
એસેમ્બલીના લિબરલ ડેમોક્રેટ મેમ્બર કેરોલિન પિડગોને આ મુદ્દે ઠરાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના પૂર્વ, વર્તમાન અને ભાવિ વર્કર્સનું આપણા દેશ માટે મહત્ત્વને સન્માનવું અગત્યનું છે. યુકેમાં કેટલીક ઈમર્જન્સી સેવા વર્કર્સના સ્મારક છે પરંતુ, સર્વેના સન્માન અને દેશ માટે તેમના મહત્ત્વને દર્શાવવા એક જ સ્થળે સ્મારક નથી. લેબર એસેમ્બલી મેમ્બર ડો. ઔંકાર સાહોટાએ ઠરાવને ટેકો આપ્યો હતો.
આવું સ્મારક (Cenotaph) યુકેમાં સંયુક્ત સ્મારક બની રહેશે અને કોવિડ -૧૯ મહામારીની ફ્રન્ટલાઈન્સ પર રહેલા NHS અને ઈમર્જન્સી સેવાઓના બે મિલિયન વર્કર્સની કદર અને સન્માન કરશે.