નવી દિલ્હી, લંડનઃ ભારતમાં બાળક નહિ ધરાવતાં નિઃસંતાન લોકો માટે ભાડૂતી કુખની સેવા (સરોગસી) માટેના બિલ સંબંધિત પાર્લામેન્ટરી સમિતિએ પોતાની ભલામણમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં સરોગસી સેવા મેળવવા ઈચ્છતા ભારતીય મૂળના પરંતુ, વિદેશ રહેતા લોકો સાથે કોઈ ભેદભાવ કરી શકાય નહિ કારણકે તેઓ પણ ભારતીય નાગરિક જ છે. આમ, નિઃસંતાન નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI), પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) માટે આશાના દ્વાર ખુલ્યાં છે. અન્ય વિદેશીઓને ભારતમાં સરોગસી માટે પરવાનગી અપાશે નહિ તેમ પણ સંસદીય સમિતિની ભલામણોમાં સ્પષ્ટ કરાયું છે. અત્યારે NRI, PIO અને OCIને ભારતમાં કુખ ભાડે લેવાની પરવાનગી અપાતી નથી. ઉલ્લેખનીય છે કે આવી સમિતિઓ દ્વારા કરાતી ભલામણો સરકારને બંધનકારી હોય તેમ નથી. છતાં, સંસદીય સમિતિઓના રિપોર્ટ્સ ‘સંસદની ઈચ્છા કે મરજી’ ગણાતા હોવાથી મોટા ભાગે સરકાર તેને સ્વીકારી લે છે.
આરોગ્ય સંબંધિત સંસદીય સ્થાયી સમિતિએ Surrogacy (Regulation) Bill, 2016 બિલ પર પોતાની ભલામણો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ભારતમાં સરોગસી સેવા મેળવવા ઈચ્છતા ભારતીય મૂળના લોકો સાથે આ બાબતે ભેદભાવ રાખી શકાય નહિ. સમિતિએ જણાવ્યું હતું કે સરોગસી સેવાની પરવાનગી આપવા માટે નિર્ધારિત કરાયેલી ઓથોરિટી સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોની પૂરતી ચકાસણી કરાયા પછી બિનનિવાસી ભારતીયો (NRI), ભારતીય મૂળના લોકો (PIO) અને દરિયાપારના ભારતીય નગરિકો (OCI) ને આવી પરવાનગી અપાવી જોઈએ. પાર્લામેન્ટમાં તાજેતરમાં રજૂ કરાયેલા સમિતિના રિપોર્ટમાં જણાવાયું હતું કે સરોગસી સેવા મેળવવા ઈચ્છતાં આ નાગરિકો પર ‘નિયંત્રણ’ રાખવાનો કોઈ અર્થ નથી.
વિદેશી નાગરિકોનો સમાવેશ Surrogacy (Regulation) Bill, 2016 બિલમાં નહિ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપતા પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન હેલ્થના રિપોર્ટમાં એવી હિમાયત કરવામાં આવી છે કે પોતાના વતી બાળજન્મની જવાબદારી ઉઠાવતી માતાની સેવા મેળવવાનો ઈરાદો વ્યક્ત કરનારા NRI, PIO અને OCIનો ઈતિહાસ એટલે કે તેમની સંપૂર્ણ પશ્ચાદભૂ ચકાસવા યોગ્ય વ્યવસ્થાતંત્ર ઉભું કરવું જોઈએ.
કેન્દ્રીય કેબિનેટે ગયા જ વર્ષે અપરિણિત યુગલો, સિંગલ પેરન્ટ્સ, લિવ-ઈન પેરન્ટ્સ અને સજાતીય લોકોને સરોગસીનો વિકલ્પ આપવા પર પ્રતિબંધ લગાવતા સરોગસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૧૬ને સંસદમાં રજૂ કરવા બહાલી આપી હતી. આ બહાલી પછી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે,‘વિદેશીઓ તેમજ NRI અને OCI કાર્ડધારક PIO ને સરોગસી સેવા મેળવવા માન્ય રખાયા નથી.’
સમાજવાદી પક્ષના નેતા રામ ગોપાલ યાદવની અધ્યક્ષતા હેઠળની સમિતિએ જણાવ્યું હતું કે સરોગસી અગાઉ તે માટેનો ઈરાદો ધરાવનારે રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી તેમજ કોઈ પણ નિયમોનો ભંગ થયો હોય તો અરજી નકારવા માટેની ઓથોરિટી મુદ્દે બિલમાં પૂરતી જોગવાઈ કરાઈ જ છે. ‘સમિતિના રિપોર્ટમાં જણાવાયું છે કે,‘ PIO અને OCIને અન્ય વિદેશી નાગરિકોની સમકક્ષ વર્ગીકૃત કરવા ન જોઈએ તેમ સમિતિ માને છે.’ કમિટીનું સ્પષ્ટ મંતવ્ય છે કે NRI, PIO અને OCI કાર્ડધારકો ભારતીય મૂળના જ હોવાથી તેમની સાથે આ મુદ્દે ‘પૂર્વગ્રહ અને ભેદભાવ’ રખાવો ન જોઈએ. ભારતીય ડાયસ્પોરાને તેમના મૂળ વતન સાથેના સંબંધોને પ્રોત્સાહિત કરવા સરકારે તેમને કેટલીક છૂટછાટો આપેલી જ છે.
સંસદીય સમિતિએ એવી ભલામણ કરી હતી કે સરોગસીનો લાભ મેળવવા ઈચ્છનાર યુગલે સરોગસી દ્વારા જન્મનાર બાળક ઈરાદો ધરાવનાર વ્યક્તિઓ ધરાવતા હોય તેવા જ નાગરિકત્વ અધિકારો મેળવશે તેવું ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ અથવા ચોક્કસ જાહેરનામું આપવાનું રહેશે.