લંડનઃ બ્રિટનમાં ટેક્સ સંબંધિત ફ્રોડ વધી રહ્યા છે ત્યારે HMRC દ્વારા ૧૦ વર્ષની સઘન તપાસ પછી મલ્ટિ મિલિયન પાઉન્ડની છેતરપીંડીનો પર્દાફાશ કરાયો છે. સધર્ક ક્રાઉન કોર્ટે છ સભ્યના ગુનાખોર જૂથને ૧૦૭.૯ મિલિયન પાઉન્ડની મોટી છેતરપીંડી બાબતે કુલ ૪૫ વર્ષની જેલની સજા ફરમાવી હતી. આ ગુનાખોરોએ ટેક્સમાં રાહત આપનારી બનાવટી ઈકો-ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ જાહેર કરી ધનવાન ઈન્વેસ્ટર્સને લપેટમાં લીધા હતા. આ જૂથમાં બેન્કર્સ, બિઝનેસમેન, સોલિસિટર અને એન્જિનીઅરનો સમાવેશ થયો છે. આ ધુતારાઓને જાહેર આવક સાથે છેતરપીંડીના કાવતરા બદલ સજા કરવામાં આવી હતી.
કેમ્બ્રિજમાં અભ્યાસ કરેલા અને ઈસ્ટ સસેક્સનો ૫૫ વર્ષીય એન્જિનીઅર માઈકલ રિચાર્ડ્સ આ કૌભાંડનો સૂત્રધાર હતો, જેણે બનાવટી પર્યાવર્ણીય પ્રોજેક્ટસમાં ધનવાન લોકોને રોકાણ કરવાને આકર્ષવા કરરાહતની ખાતરીઓ આપી હતી. રિચાર્ડ્સને ૧૧ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. દુબઈના ૪૯ વર્ષીય એન્ટ્રેપ્રીન્યોર રોબર્ટ ગોલ્ડે તેને વાટાઘાટોમાં મદદ કરી હતી. તેણે યુકે અને દુબઈમાં પોતાના નામે પ્રોપર્ટી ખરીદવા નાણાનો ઉપયોગ કર્યો હતો. ગોલ્ડને પણ ૧૧ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. સાઉથ ઈસ્ટ લંડનના સોલિસિટર અને રોટરી ક્લબ ઓફ લંડનના ૬૬ વર્ષના પૂર્વ પ્રેસિડેન્ટ રોડની વ્હીસ્ટોન-ડ્યૂને ૧૦ વર્ષ, ઓક્સફર્ડના મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પૂર્વ એક્ઝિક્યુટિવ અને ૭૮ વર્ષીય પૂર્વ બેન્કર એવડોરોસ ક્રિસાન્થોસ દીમિટ્રુને ૬ વર્ષ, ઈસ્ટ સસેક્સના ૪૪ વર્ષીય એન્વિરોન્મેન્ટાલિસ્ટ અને બિઝનેસ કન્સલ્ટન્ટ જોનાથન એન્વિલને સાડા પાંચ વર્ષની જેલની સજા કરાઈ હતી. છઠ્ઠા અપરાધી માલ્કોમ ગોલ્ડે અપરાધની કબૂલાત કરી લેતા જાન્યુઆરી ૨૦૧૭માં તેને ૨૦ મહિનાની જેલની સજા થઈ હતી.
આ જૂથ દ્વારા બનાવટી કાર્બન એમિશન રિડક્શન સર્ટિફિકેટ્સ તૈયાર કરાયા હતા. અપરાધી જૂથે ઈન્વેસ્ટર્સ પાસેથી મેળવેલા નાણાનો ઉપયોગ પોતાની વૈભવી જીવનશૈલી, સમગ્ર વિશ્વમાં પ્રોપર્ટી અને કિંમતી જ્વેલરીની ખરીદી તેમજ ખર્ચાળ વેકેશન માણવા માટે કર્યો હતો.