લંડનઃ પોતાની ખોટી આવક દર્શાવી ટેક્સ ફ્રોડમાં ૬૦,૦૦૦ પાઉન્ડથી વધુ ચોરી કરનારા ક્રિમિનલ ડિફેન્સ સોલિસિટર અઝહર ઈસ્લામ ખાનને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ ૧૮ મહિના જેલની સજા ફરમાવાઈ છે. તેના પર ચાર વર્ષ સુધી કંપની ડિરેક્ટર બનવાનો પ્રતિબંધ પણ લગાવાયો હતો. ગ્રેટર લંડનમાં પિન્નેરના ૪૫ વર્ષીય રહેવાસી ખાને તેમના બિઝનેસમાંથી શેરહોલ્ડર ડિવિડન્ડની આવક તેમજ બ્લેકબર્ન અને પ્રેસ્ટનની બે પ્રોપર્ટીમાંથી ભાડાંની આવક ટેક્સ રિટર્નમાં દર્શાવી ન હતી.
HMRCની તપાસમાં જણાયું હતું કે ખાને તેમની લો ફર્મમાંથી નાણા ઉપાડ્યા હતા પરંતુ, હિસાબમાં આ ટ્રાન્ઝેક્શન્સને પ્રોફેશનલ ફી તરીકે દર્શાવી જૂઠાણું આચર્યું હતું. તેણે ઘરના નવા કિચન અને બાથરુમ માટેનો ખર્ચ કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી કર્યો હતો અને તેને બિઝનેસ ખર્ચ ગણાવ્યો હતો.
વેમ્બલીની સિટી લો સોલિસિટર્સ લિમિટેડના એકમાત્ર શેરહોલ્ડર ખાને ચાર સપ્તાહની ટ્રાયલમાં પૂરાવા-એવિડન્સ આપવાનું ટાળ્યું હતું. તેને ઈન્કમ ટેક્સની ચોરી અને પબ્લિક રેવન્યુની છેતરપીંડી માટે દોષિત ઠરાવાયો હતો. HMRCએ તેની ગુનાઈત રકમો પરત મેળવવાની કાર્યવાહી આરંભી છે.