ચાર સપ્તાહના વિરામ પછી ABPLગ્રૂપના લોકપ્રિય ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’નો 21 નવેમ્બરે પુનઃ આરંભ થયો હતો. આ ઈવેન્ટમાં ભારતીય સંઘના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મંજયંતીની ઊજવણી પ્રસંગે મહત્ત્વના પ્રશ્નોનું ચિંતન કરવામાં આવ્યું હતું. ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર શ્રીમતી જ્યોત્સનાબહેન શાહે કાર્યક્રમના 35મા એપિસોડના સંચાલિકા તરીકે કામગીરી બજાવી હતી.
જ્યોત્સનાબહેન શાહે નૂતન વર્ષાભિનંદનના વધામણા પાઠવી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. વિક્રમ સંવત 2081નું વર્ષ સહુ કોઈને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. નૂતન વર્ષના આરંભ નિમિત્તે ગુજરાતી સાહિત્ય જગતના યુવા કવિ અંકિત ત્રિવેદીના કાવ્યકૃતિ ‘મારા સપના, મારા સપના તારી આંખે સાચાં પડતાં જાય એને નવું વર્ષ કહેવાય’ના પઠનથી શુભારંભ થયો હતો. આ પછી, માયાબહેન દીપકે મધુર સ્વરે કવિ શ્રી સુખદેવ ભાઈ પંડ્યાની ભજનકૃતિ ‘હરિ તું વરસે પારાવાર’ની રજૂઆત કરી હતી.
જ્યોત્સનાબહેને કાર્યક્રમના પ્રથમ વક્તા અને કેન્યા ખાતે નાઈરોબીમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરનો હોદ્દો શોભાવતા અને બોલિવિયામાં રાજદૂત તરીકે નિયુક્ત શ્રી રોહિતભાઈ વઢવાણા લંડનમાં ફર્સ્ટ સેક્રેટરી હતા ત્યારે ઘણી વાર મળવાનું થયાની યાદ તાજી કરી હતી. તેમનો સાલસ સ્વભાવ અને ગુજરાતીતાની ભાવના સ્પર્શી જાય તેવી હતી. રોહિતભાઈ 2010થી ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયેલા છે અને કાયદાશાસ્ત્ર ઉપરાંત, પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સારા વક્તા અને લેખક પણ છે તેમજ ગુજરાત સમાચારમાં લોકપ્રિય કોલમ ‘આરોહણ’ના તેમજ એશિયન વોઈસમાં ‘ઈન્ટ્રોસ્પેક્શન’ કટારના લેખક છે. રોહિતભાઈ વઢવાણાએ વીડિયો સંદેશામાં ABPLના વાચકગણને નૂતન વર્ષાભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,‘સીબી પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ABPL ટીમ ખૂબ સરસ કાર્ય કરી રહી છે. ટીમમાં કટારલેખક તરીકે જોડાયેલા હોવાનો મને ગર્વ છે. એક સમાચારપત્ર નવીન બનતી ઘટનાઓ રજૂ કરવા ઉપરાંત, લોકોના જીવન સામાજિક, રાજકીય અને આર્થિક રીતે બહેતર બનાવી શકાય તેના માટે સતત પ્રયત્ન કરતા રહે છે તેને સીબી જ્ઞાનયજ્ઞ તરીકે ઓળખાવે છે.’
આ પછી, જ્યોત્સનાબહેને જાણીતા ઈતિહાસવિદ, સાહિત્યકાર, પત્રકાર, વક્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સમાચારમાં ‘ઘટનાદર્પણ’ કોલમના લેખક, બહુપ્રતિભાધારી પદ્મશ્રી ડો. વિષ્ણુભાઈ પંડ્યાને દેશના અજોડ નેતા અને લોહપુરુષ વલ્લભભાઈ પટેલના કાર્યકાળ અને કાર્યક્ષેત્ર વિશે ચિંતનાત્મક વક્તવ્ય રજૂ કરવા આમંત્રિત કર્યા હતા. તેમણે અગાઉ, ગુજરાત સમાચારમાં ‘ગુજરાતના ક્રાંતિતીર્થો’ની યાત્રા વાચકોને કરાવી છે. ડો. વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે,‘સરદાર સાહેબ વિશે મારે થોડી વાત કરવી છે કારણકે તેમનું જીવન તો વિશાળ મહાકાવ્ય જેવું હતું.કવિ હરિવંશરાય બચ્ચને સરદાર વિશે નાનકડી પણ સુંદર કવિતા ‘યહી પ્રસિદ્ધ લોહ કા પુરુષ પ્રબલ, યહી શક્તિ કી શિલા અટલ, હિલા ન શકા ઈસે કોઈ શત્રુદલ, પટેલ પર સ્વદેશ કો ગુમાન હૈ ’લખી હતી. આવા હતા સરદાર જેમણે ભારતીય રાજનીતિ અને રાજ્યશાસનમાં ત્યાગ અને સાદગીનો ભવ્ય આદર્શ સર્જ્યો. આજની ભારતીય રાજકીય પરિસ્થિતિમાં રાજનીતિમાં જ્યારે વિશ્વસનીયતા અને જનસહયોગની કટોકટી અનુભવાઈ રહી છે, અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થઈ છે અને સમસ્યાઓના સમાધાનો પર સક્રિયતા દાખવવામાં આવી છે ત્યારે દરેક રાજ્યોએ, સરકારોએ, પ્રધાનશ્રીઓએ સરદારને રોલ મોડેલ તરીકે સ્વીકારવા જેવા છે. કોર્પોરેટરથી નાયબ વડા પ્રધાન સુધીના હોદ્દા ભોગવનાર, રાજકીય પક્ષના એક સમયના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન પામ્યા ત્યારે તેમની બેન્કબચત 216 રૂપિયાની હતી. કોઈ સ્થાવર મિલકત ન હતી, મકાન ન હતું, ચાર જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની પેટી, એક રેંટિયો, બે ટીફિન અને એક સગડી, આટલો સમૃદ્ધ વારસો તેમનો હતો.’ તેમમે નંદવંશની રાજ્યસત્તાનું પરિવર્તન કરનાર વિષ્ણુગુપ્ત કૌટિલ્ય ‘ચાણક્ય’ વિશે પણ વાત કરી હતી.‘ અકિંચન એવા સરદાર સાહેબ માટે તમામ ફિલસૂફી કે પંડિતાઈ કરતાં પણ ‘રાષ્ટ્રમાં આપણે જાગતા રહીએ’નો મંત્ર સાંસ્કૃતિક અધિષ્ઠાન હતું. આ માટે તેમણે પૂરી જિંદગી કામ કર્યું. રાજરજવાડાઓનું વિલિનીકરણ બહું જાણીતું પ્રકરણ છે. તેમમે કમને ભારત-પાકિસ્તાનના ભાગલા સ્વીકાર્યા હતા અને ભાગલા પછીના હિન્દુસ્તાનને અખંડિત રાખવા તેમમે યશસ્વી પ્રયત્ન કર્યો હતો. જોધપુર, ઉદયપુર, ઈન્દોર, ભોપાલ, વડોદરા રાજ્યોને પાકિસ્તાનમાં જોડી હિન્દુસ્તાનમાં પાથરી દેવાની યોજના હતી તેમ કનૈયાલાલ મુનશીએ લખ્યું છે. સરદારે આમ કરવા દીધું નહિ, લોખંડી છતાં, સૌજન્યપૂર્વક વર્તીને તેમણે 565 રજવાડાઓનું ભારતમાં વિલિનીકરણ કર્યું. એ સમયે સરદાર 72 વર્ષના મુત્સદ્દી હતા. રજવાડાઓને મ નાવી, જરૂર પડ્યે ચેતવી વિશાળ અખંડ ભારતસંઘનો નકશો કરવાનું મહાકાર્ય, ઐતિહાસિક, નિર્ણાયક કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું.’ ડો. વિષ્ણુભાઈ પંડ્યાએ લશ્કરી કાર્યવાહી સાથે નિઝામના રાજ્ય હૈદરાબાદને તેમજ જૂનાગઢના વિલીનીકરણની વાતો પણ જણાવી હતી. ‘આજે પણ પાકિસ્તાન દ્વારા કાશ્મીર, જૂનાગઢ અને માણાવદરને વિવાદાસ્પદ ગણાવાય છે. સરદારને મન સોમનાથ મંદિર ન હતું, રાષ્ટ્રીય ચેતનાનું એક આત્મીય સ્થાન હતું. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લેવાયો હતો’ તેમ ડો. પંડ્યાએ વાત સમાપ્ત કરતા કહ્યું હતું.
આ પછી, ગુજરાતના દક્ષિણ, વલસાડમાં મૂળ ધરાવતાં અને લંડનના જાણીતા ગાયિકા અચલાબહેન મિરાણીના મધૂર કંઠે, ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો’નો આસ્વાદ લેવાયો હતો. આ પછી જ્યોત્સનાબહેને ગુજરાત સરકારમાં લોકપ્રિય પૂર્વ સચિવ સારી નામના મેળવનારા જાહેર વક્તા, સાહિત્ય અને સભ્યતાના અભ્યાસુ ભાગ્યેશભાઈ જહાને વક્તવ્ય આપવા આમંત્રિત કર્યા હતા.ભાગ્યેશભાઈએ સાહિત્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રે અનેક એવોર્ડ્સ હાંસલ કર્યા છે. તેઓ બે વર્ષથી ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેમની એક રચના ‘પહાડ ઓગળતા રહ્યા, મીરાની જેમ મને મળજો, ટેલેન્ટને અજવાળે પાનબાઈ’ જાણીતી છે. ભાગ્યેશભાઈનો રેકોર્ડેડ મેસેજ રજૂ કરવામાં આવ્યો હતો. ભાગ્યેશભાઈએ સહુને નૂતન વર્ષાભિનંદન પાઠવતા મેસેજમાં જણાવ્યું હતું કે,‘સીબીના આમંત્રણ થકી મારે આવવાનું થાય. તમને મળવાનું થાય તે પણ એક સોનેરી સંગત જ છે. સીબી પટેલ, ધ યંગ મેન, કેવા એનર્જેટિક, કેવા ગ્રેટ હોસ્ટ, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને ઈંગ્લેન્ડમાં જીવંત રાખવાને તેમણે જાણે મિશન બનાવી દીધું છે. મિત્રો આપણે એવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ જ્યારે ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આપણા પ્રતિભાવંત, યશસ્વી અને વિશ્વનેતા એવા નરેન્દ્રભાઈ મોદી હરણફાળ ભરીને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ચારે તરફ તમે જુઓ કે ગુજરાત અને ભારતમાં હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વકક્ષાનું બની રહ્યું છે. આ સંજોગોમાં પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા કરે કે હું ભારતને વિકસિત બનાવવા માટે મારા પ્રયત્નો આદરીશ. વ્યક્તિગત રીતે હું 25 વર્ષ પછી ક્યાં હોઈશ તેની બ્લુપ્રિન્ટ મારી પાસે હશે. પરિવાર આગળ જશે, વ્યક્તિ આગળ જશે. સમૂહ આગળ જશે તો અંતે તો ભારત જ વિકસિત થશે.’
આ પછી, સાહિત્ય અને ગુજરાતી ભાષાના ભેખધારી ડોક્ટર જગદીશ દવેએ સરદાર પટેલ વિશે એક કવિતા ‘ હે સરદાર ક્યાં છો તમે, ક્યારેય જરૂર ન હતી એટલી તાતી જરૂર છે તમારા અગ્નિસરખા, સોંસરવા ઉતરી જાય તેવા તળપદા શબ્દોની, વાણીની, જે વાણી અને તેની પાછળના સાચુકલા..... ’ વાંચી સંભળાવી હતી.
અમદાવાદ ઓફિસમાં બ્યૂરો ચીફ નીલેશભાઈ પરમારે સપ્તાહના મુખ્ય સમાચાર અને ઘટનાઓ વિશે જાણકારી આપી હતી.
ગુજરાત સમાચાર અનેો એશિયન વોઈસના વિઝનરી તંત્રી સીબી પટેલે સહુ પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે આગામી કાર્યક્રમોની રૂપરેખા જણાવી હતી. તેમણે સહુને નૂતન વર્ષ 2081ના અભિનંદન પાઠવવા સાથે જણાવ્યું હતું કે કાર્યક્રમ ઘણો સારો રહ્યો છે. તેમણે રોહિતભાઈ વઢવાણાને માત્ર મળવા જેવા નહિ પરંતુ, મુઠી ઊંચેરા માનવી હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘વિષ્ણુભાઈ પંડ્યા અમારા મિત્ર અને સલાહકાર હોવા સાથે મારા ગુરુસમાન પણ છે. તેમણે સરદારશ્રીને શબ્દો થકી અંજલિ આપી તેનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. ભાગ્યેશભાઈ જહા તમે થોડા શબ્દોમાં ઘણું કહી જાઓ છો. તમારી સુક્ષ્મદૃષ્ટિ, વ્યવહારદક્ષતા, વહીવટી ક્ષમતા છે. જગદીશભાઈ દવેએ સુંદર કવિતા રજૂ કરી છે. કવિ નર્મદની કાવ્યરચના ‘શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત, જેને ગાયે નર્મદની સાથ, જય જય ગરવી ગુજરાત’ આ ગરવી ગુજરાત ભૌગોલિક નથી પરંતુ, એક શાશ્વત છે.’