નવી દિલ્હીઃ ભારતની ચાર દિવસની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સોમવારે પત્ની ઉષા અને ત્રણ સંતાનો ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે પાટનગરની આગવી ઓળખસમાન વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાતે પધાર્યા હતા.
પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતોએ ઉપરાષ્ટ્રપતિ વેન્સ અને તેમના પુત્રોનું જ્યારે મહિલા અગ્રણીઓએ તેમનાં જીવનસાથી ઉષા વાન્સ અને પુત્રીનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત ભારત અને અમેરિકાનાં શ્રદ્ધા, શાંતિ અને સંપનાં સહિયારા મૂલ્યોને દર્શાવતા, બન્ને રાષ્ટ્રોના પરસ્પર મજબૂત સંબંધોનું પ્રતીક બની રહી હતી. આ વિશિષ્ટ યાદગાર મુલાકાતના અંતે વેન્સે ભાવપૂર્ણ સ્વાગત બદલ આભાર પ્રગટ કરતાં જણાવ્યું કે, ‘આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે. અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું. ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે.’
વેન્સે પરંપરાગત હિન્દુ સ્થાપત્ય અને આધ્યાત્મિકતા, ભારતીય કળા, સંસ્કૃતિ અને આધુનિક મેનેજમેન્ટના સંગમ એવા વર્લ્ડ્સ મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર એવા અક્ષરધામ મહામંદિરમાં પધારી શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નીર્મિત આ ભવ્ય મંદિરના અજોડ સ્થાપત્ય અને બેનમૂન કલા-કારીગરીથી તેઓ પ્રભાવિત થયા હતા.
વેન્સે પરિવાર સાથે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા તથા પારિવારિક મૂલ્યોની વિવિધ સમયાતીત રજૂઆતોને નિહાળી હતી અને ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કરીને એમનાં ચરણે ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વેન્સે નજીકના ભવિષ્યમાં પરિવાર સાથે અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલ સ્થિત ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાતે પધારવાની પણ ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
અક્ષરધામના પ્રત્યેક પાસામાં છલકતી વિશ્વશાંતિની ઉદાત્ત ભાવનાથી તેઓ સવિશેષ પ્રેરિત થયા હતા. વિશ્વના આવા અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દિલ્હીમાં નિર્મિત સ્વામિનારાયણ અક્ષરધામની દર્શન-મુલાકાત લઈને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી સુવાસિત થઈને જાય છે.