અક્ષરધામમાં નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના

Saturday 16th November 2024 04:50 EST
 
 

ગાંધીનગર: સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં સોમવારે કાર્તિક સુદ દસમના શુભ દિને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ભગવાન સ્વામિનારાયણના તપોમય કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુ - મૂર્તિની વેદોક્ત પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ પહેલાં ગાંધીનગરમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના અજવાળાં પાથરતા ભવ્ય અને દિવ્ય અક્ષરધામની ભેટ આપી અને હાલમાં મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થાના સંતો અને હરિભક્તોના સમર્પણથી નવીન સોપાનો સર થઈ રહ્યાં છે. આવા જ એક નૂતન સોપાનમાં શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, આ તપોમૂર્તિના દર્શન કરતા મન સ્થિર થઈ જાય અને મન ખેંચાઈ જાય તેવી આ ભવ્ય તપોમૂર્તિ છે. સર્વ જીવમાત્રનું કલ્યાણ કરવાના સંકલ્પ સાથે નિઃસ્વાર્થ ભાવે નીલકંઠવર્ણી મહારાજે આવું આકરું, કલ્પનાતીત તપ અને વિચરણ કર્યું હતું. નીલકંઠવર્ણી સર્વેના સંકલ્પો પૂરા કરે અને તપ કરવાની પ્રેરણા મળે. જેમણે અહીં સેવા કરી છે, તેમને ધન્યવાદ અને સર્વેના જીવનમાં સત્સંગની દૃઢતા રહે તેવી પ્રાર્થના.
મહંત સ્વામીનો સંકલ્પઃ ઇશ્વરચરણ સ્વામી
મૂર્તિના નિર્માણમાં વિશેષ માર્ગદર્શન આપનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે તપોમૂર્તિ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે તે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ છે. નીલકંઠવર્ણી મહારાજ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સમગ્ર ભારતવર્ષમાં વિચરણ કરીને આપણાં ગુજરાતમાં પધાર્યા અને રામાનંદ સ્વામી દ્વારા આ સંપ્રદાયની જવાબદારી સ્વીકારી. સમગ્ર ગુજરાતમાં વિચરણ કરીને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો અને ગુણાતીત પુરુષો દ્વારા પોતાની પરંપરા ચાલુ રાખી. આજે તેઓ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. તપથી ભગવાન રાજી થાય છે અને ભગવાન સ્વામિનારાયણે મુક્તિનાથમાં અઢી મહિના જે તપ કર્યું હતું તેની સ્મૃતિ નિરંતર રહે તે માટે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
સંત અક્ષરવત્સલદાસ સ્વામીએ સમગ્ર ભારતમાં શ્રી નીલકંઠવર્ણીની સૌથી ઊંચી એવી આ તપોમૂર્તિની વિશેષતા વર્ણવી હતી. નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં મૂર્તિની રચના કરાઇ છે.
મહંત સ્વામી મહારાજના હસ્તે 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter