અગ્રગણ્ય લોહાણા સમાજના પ્રમુખ ઉર્મિલાબહેન ઠક્કર MBE

ગૌરવશીલ વ્યક્તિત્વ

Wednesday 03rd January 2018 05:46 EST
 
 

લોહાણા કોમ્યુનિટી-નોર્થ લંડનના મહિલા પ્રમુખ તરીકે સક્રિય ઉર્મિલાબહેન નરેન્દ્રભાઇ ઠક્કરનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. યુ.કે.માં ૧૯૬૨માં આવ્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય કાર્યક્રમમાં ભાગ લઈને રોયલ આલ્બર્ટ હોલમાં નૃત્ય કર્યું હતું. કંપાલામાં ઈન્ડિયન વિમેન એસોસિએશન તેમજ લોહાણા સમાજના સક્રિય સભ્ય તરીકે સેવા આપી હતી. યુગાન્ડાના ટીવી, રેડિયો પ્રેઝન્ટર તરીકે તેઓ ખૂબ લોકપ્રિય થયા હતા. ૧૯૭૨માં યુકેમાં આવી ટૂંકા વસવાટ પછી તેઓ ૧૦ વર્ષ માટે બેંગ્લોર જતા રહ્યા હતા એ દરમિયાન તેઓ બેંગ્લોરના પ્રગતિ મહિલા મંડળના સ્થાપક સભ્ય હતા. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોની કોરિયોગ્રાફી કરી હતી અને રાસ-ગરબાની સ્પર્ધાઓમાં ઘણી ટ્રોફી જીત્યા હતા.૧૯૮૨માં તેઓ પરિવાર સાથે યુકે પરત આવ્યા હતા અને LCNL અને LCUKમાં જોડાયા હતા. તેમણે સેક્રેટરી, ટ્રેઝરર, વાઈસ પ્રેસિડેન્ટ, ટ્રસ્ટી જેવા વિવિધ હોદ્દા સંભાળીને સમાજની સેવા કરી હતી.
૧૯૯૫માં તેમણે પ્રગતિ(લોહાણા) મહિલા મંડળની ૧૯૯૫માં સ્થાપના કરી. આ મંડળના તેઓ પહેલા પ્રમુખ હતા અને તે હોદ્દે પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું. તે પછી બ્રેસ્ટ કેન્સર થતાં તેમણે પ્રમુખપદ છોડી દીધું હતું. તે દરમિયાન તેમને LCNLના નેજા હેઠળ લોહાણા મહિલા મંડળની રચના માટે વિનંતી કરવામાં આવી હતી. તેઓ આ મંડળના પ્રથમ ચેરપર્સન બન્યા. દરમિયાન ઘણી ચેરિટીઝમાં ડોનેશન કરી શકાય તે માટે સારી એવી રકમ ઉભી કરી હતી. તેઓ LCNL સિનિયર લેડીઝના પાંચ વર્ષ સુધી ચેરપર્સન રહ્યા હતા અને મંડળનો સર્વાંગી વિકાસ કર્યો હતો. તેમણે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, હિંદુ કાઉન્સિલ (હેરો એન્ડ બ્રેન્ટ), CRE, ઈન્ટરનેશનલ ગ્રૂપ ઓફ જાયન્ટ્સ, કેન્ટન લાયન્સ ક્લબ અને યુકે વિમેન એસોસિએશનની કમિટીમાં સેવા આપી હતી. તેમની સામાજિક સેવાની સરાહના બદલ મહારાણી દ્વારા MBEનો ખિતાબ આપી સન્માનિત કરાયાં છે. 'ગુજરાત સમાચાર' દ્વારા તેમને 'સંસ્કાર ગરિમા એવોર્ડ 'એનાયત કરાયો હતો. ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા બદલ લંડન બરો ઓફ બ્રેન્ટ દ્વારા તેમનું 'સિવિલ એવોર્ડ' થી સન્માન કરાયું હતું. છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ સિનિયર લેડિઝ ગ્રૂપ, હેરોના ડેવલપિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. લોહાણા કોમ્યુનિટી-નોર્થ લંડનના ૨૦૧૭ -૧૯ના વર્ષના મહિલા પ્રમુખ તરીકે ઉર્મિલાબહેન સૌના સાથ-સહયોગ સાથે સુંદર સેવા પ્રદાન કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter