જાણીતા સામાજિક કાર્યકર બશેશર નાથ ભાનોતનું 7 એપ્રિલના રોજ નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ભારતીય સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય અને સમાજસેવામાં હંમેશા અગ્રેસર બશેશર નાથજીનું અવસાન થયાના સમાચાર મળતાં જ ઇસ્ટ લંડનના હિન્દુ સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અંત્યેષ્ઠી વેળા 500થી વધુ લોકોએ ઉપસ્થિત રહીને તેમને અંતિમ વિદાય આપી હતી. લોકોમાં ‘ભાનોતજી’ના હુલામણા નામે જાણીતા બશેશર નાથનો જન્મ 1932માં પંજાબમાં થયો હતો. લગ્ન બાદ તેઓ કેન્યા અને ત્યાંથી યુકે આવીને વસ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત હતા. તેઓ એચએસએસ-યુકેના સમર્પિત સ્વયંસેવક હતા. વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરના સહસ્થાપક એવા ભાનોતજીએ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના ઇસ્ટ લંડન ચેપ્ટરના કો-ચેર તરીકે પણ કામ કર્યું હતું. તેઓ તેમની પાછળ પત્ની ક્રિષ્ના ઉપરાંત બહોળા પરિવારને વિલાપ કરતો મૂકી ગયા છે.