અત્યાધુનિક એલિઝાબેથ લાઈન ટ્રેન્સ લંડન અને ઈસેક્સ વચ્ચે દોડાવાશે

Wednesday 28th June 2017 06:24 EDT
 
 

લંડનઃ અત્યાધુનિક એલિઝાબેથ લાઈન્સની પેસેન્જર સેવાની પ્રથમ ટ્રેનને ઈસ્ટ લંડન અને ઈસેક્સ વચ્ચે આવકારવામાં આવી હતી. લોકોને આ ટ્રેનમાં પ્રવાસ કરવાની તક મળી હતી, જે આગામી વર્ષના ડિસેમ્બરથી સેન્ટ્રલ લંડનમાંથી પસાર થનારી નવી રેઈલ ટનલ્સ ખુલે ત્યારે એલિઝાબેથ લાઈનમાં જોડાશે. ૬૬ ટ્રેનનો આ કાફલો નવી લાઈન પર દોડાવાશે, જેનો એક હિસ્સો TfL રેઈલ રુટ પર લિવરપૂલ સ્ટ્રીટ અને શેનફિલ્ડ વચ્ચે દોડી રહ્યો છે.

ઓટમ સુધીમાં ૧૧ ટ્રેન આ રુટ પર દોડતી થઈ જશે. હાલ સાત કેરેજની ૧૬૦ મીટર લાંબી ટ્રેન આગળ જતાં નવ કેરેજની ૨૦૦ મીટરની લંબાઈ સાથે ૧૫૦૦ લોકોની વહનક્ષમતા ધરાવશે. આ ટ્રેનમાં એર કંડિશનિંગ, કેરેજમાં ચાલવાની આંતરિક વ્યવસ્થા, વ્હીલ ચેર તેમજ માલસામાનની અલગ સ્પેસ, સિક્યુરિટી માટે સીસીટીવી, લાઈટિંગ અને તાપમાન કંટ્રોલ સહિત આધુનિક સુવિધા અપાઈ છે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે TfL રેઈલ સર્વિસમાં અત્યાધુનિક એલિઝાબેથ લાઈનની પ્રથમ ટ્રેનના આરંભનો મને આનંદ છે. નવી સેવા પ્રવાસનો ચહેરો જ બદલી નાખશે.’ ૨૦૧૯માં તે સંપૂર્ણ કાર્યરત થવા સાથે દૈનિક પાંચ લાખ પેસેન્જરની હેરફેર કરશે.

એલિઝાબેથ લાઈનના આરંભના તબક્કાઓઃ

જૂન ૨૦૧૭- પ્રથમ નવી ટ્રેનની પેસેન્જર સેવા લિવરપૂલ સ્ટ્રીટ મેઈન લાઈન અને શેફિલ્ડ વચ્ચે TfL રેઈલ રુટ પર શરુ કરાશે.

મે ૨૦૧૮- TfL રેઈલ સર્વિસનો આરંભ પેડિંગ્ટન મેઈન લાઈન અને હીથ્રો ટર્મિનલ ૪ વચ્ચે શરુ કરાશે, જે વર્તમાન હીથ્રો કનેક્ટ સર્વિસનું સ્થાન લેશે તેમજ ગ્રેટ વેસ્ટર્ન ઈન સબર્બન સર્વિસનો અંશતઃ હિસ્સો બનશે.

ડિસેમ્બર ૨૦૧૮-પેડિંગ્ટન અને એબી વૂડ વચ્ચે એલિઝાબેથ લાઈનનો આરંભ, શેનફિલ્ડ સુધી લિવરપૂલ સ્ટ્રીટ મેઈન લાઈન અને હીથ્રો ટર્મિનલ ૪ સુધી પેડિંગ્ટન મેઈન લાઈન.

મે ૨૦૧૯- એલિઝાબેથ લાઈનની પૂર્ણ સેવા શેનફિલ્ડથી પેડિંગ્ટન સુધી લંબાવાશે.

• ડિસેમ્બર ૨૦૧૯- એલિઝાબેથ લાઈનની પૂર્ણ સેવા રીડિંગ અને હીથ્રો ટર્મિનલ ૪ સુધી વિસ્તારાશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter