લંડનઃ બકિંગહામશાયરના વૂબર્ન ગ્રીન ખાતે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા અદ્યતન ડાયગ્નોસ્ટિક અને સર્જિકલ સેન્ટર VISIO Health ક્લિનિકનું ઉદ્ઘાટન 13 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન મિસ રણજિત સાંધુ અને ઓપરેશન્સ ડાયરેક્ટર માસ્ટર્સ ઈન સિવિલ એન્જિનીઅરીંગ સંજોગ સાંધુના સહકારી સાહસ VISIO Health ક્લિનિક થકી બકિંગહામશાયર તેમજ પડોશની બર્કશાયર, ઓક્સફર્ડશાયર, હર્ટફોર્ડશાયર અને નોર્થ વેસ્ટ લંડન સહિતની કાઉન્ટીઝના લોકોને ઓપ્થેલ્મોલોજી, ડર્મેટોલોજી, એસ્થેટિક્સ અને વેલબીઈંગ સર્વિસીસનો લાભ મળશે.
સર સ્કોટ બેકર અને તેમના પત્ની લેડી જોય બેકર મુખ્ય મહેમાનો હતાં. સર સ્કોટના પિતા સર જ્યોર્જ બેકર 1958માં સ્થાપિત જનરલ ઓપ્ટિકલ કાઉન્સિલના પ્રથમ ચેરમેન હતા.લેડી બેકરે ઉદ્ઘાટનકીય સંબોધન કર્યું હતું જેમાં લોકોની શારીરિક અને સર્વાંગી સવાસ્થ્ય જરૂરિયાતોનું નિરાકરણ કરવા સમગ્રતયા કન્સલ્ટન્ટ સેવા પૂરી પાડવા VISIO હેલ્થને સ્થાપવાની રણજિત અને સંજોગની કલ્પનાને પ્રદર્શિત કરી હતી.
બકિંગહામશાયર કાઉન્સિલના ચેરમેન કાઉન્સિલર મિમી હાર્કર OBEએ રિબન કટિંગ સમારંભ અને વિઝિઓ હેલ્થના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી નવા સાહસને પોતાનું સમર્થન અને શુભકામના વ્યક્ત કરી હતી.
ઉદ્ઘાટનની સાથોસાથ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ અને જનરલ પ્રેક્ટિશનર્સ માટે ઓપ્થેલ્મોલોજી, એસ્થેટિક્સ અને વેલબીઈંગ શૈક્ષણિક વર્કશોપ્સ પણ યોજાયાં હતાં જેને સ્કોપ, મેડિકોમ, વિસુફાર્મા, ડેબ્રેક મેડિકલ દ્વારા સ્પોન્સર કરાયા હતા તેમજ ઝેઈસ અને એપેલિસ (ZEISS & Apellis) દ્વારા સપોર્ટ કરાયો હતો. VISIO Health સમગ્ર વર્ષ દરમિયાન આવા કાર્યક્રમો યોજવાનું પ્લાનિંગ ધરાવે છે.
VISIO Health ક્લિનિક દ્વારા અપાનારી વિશ્વસ્તરીય સેવામાં મોતિયાની સર્જરી, વયસંબંધિત મેક્યુલર ડિજનરેશન, ગ્લુકોમા, તાકીદની આંખની સારસંભાળ, યુવેઈટીસ, ડર્મેટોલોજી અને એસ્થેટિક્સ સર્વિસીસનો સમાવેશ થાય છે. વેલબીઈંગ સેવામાં ધ્યાન, સંવેદનાત્મક નિયંત્રણ તેમજ કસરત અને પોષણ સાથે શારીરિક સ્વાસ્થ્ય થકી સમગ્રતયા અને આધ્યાત્મિક અભિગમનો સમાવેશ કરવામાં આવશે.
મિસ રણજિત સાંધુ યુનિવર્સિટી ઓફ લંડનથી MD રિસર્ચ ડીગ્રી સાથે ઓપ્થેલ્મોલોજી ક્ષેત્રમાં 25 કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે લંડન, કેમ્બ્રિજ તેમજ મૂરફિલ્ડ્સ આઈ હોસ્પિટલમાં બહોળો અનુભવ મેળવ્યો છે. તેઓ કેટેરેક્ટ સર્જરીમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં સર્જન છે.
વધુ સેવાકીય વિગતો https://visiohealth.co.uk/ પરથી મેળવી શકાશે.