લંડનઃ ભારતીય મૂળના ૪૯ વર્ષીય મહિલા અનુજા રવિન્દ્ર ધીર લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં બેસનારાં પ્રથમ અશ્વેત મહિલા જજ બન્યાં છે. આ કોર્ટમાં ૧૫ જજમાંથી પાંચ મહિલા જજ છે. અનુજા ધીર તેમાં સૌથી નાના છે. તેમની તાજેતરમાં જ નિમણુંક કરાઈ હતી
ધીરનો જન્મ સ્કોટલેન્ડના ડંડીમાં થયો હતો. ડંડી યુનિવર્સિટીમાં અંગ્રેજી અને સ્કોટ્સ લોના અભ્યાસ અગાઉ તેઓ હેરિસ એકેડેમીમાં ભણ્યાં હતાં. ૨૩ વર્ષ સુધી વાદી અને પ્રતિવાદીના વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી. ૧૯૮૦માં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી ત્યારે મોટાભાગના ક્લાયન્ટ્સ વકીલ તરીકે એશિયન, સ્કોટિશ અને યુવાન મહિલાઓને પસંદ કરતા ન હોવાથી તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડી હતી.
તેમણે જણાવ્યું હતું,‘ હું કાનૂની વ્યવસાયમાં પ્રવેશી ત્યારથી લોકો ઘણી વખત મને સાક્ષી અથવા પ્રતિવાદી માનતા હતા. મને યાદ છે કે હું લંડન બહાર ક્રાઉન કોર્ટમાં જતી ત્યારે ગેટ પરના કર્મચારીઓ હું બેરિસ્ટર છું તેવું માની જ શકતા ન હતા. છેવટે, મારે તેમને મારી વિગ અને ગાઉન બતાવવાં પડતાં તે પછી જ મને બિલ્ડીંગમાં પ્રવેશ મળતો. ૧૯૮૦માં કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મોટાભાગના ક્લાયન્ટ્સ તેમની રજૂઆત કરવા માટે એશિયન, સ્કોટિશ અને યુવાન મહિલાઓને પસંદ કરતા ન હતા તેથી મારે બહુ મુશ્કેલી વેઠવી પડી હતી.