લંડનઃ સ્લાઉના સાંસદ તનમનજીતસિંહ ધેસીએ અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની સુરક્ષા માટે યુકે સરકારે શું પગલાં લીધા છે તેવા પ્રશ્નો ફોરેન અને હોમ ઓફિસને પૂછ્યાં હતા. આ ઉપરાંત, શીખો અને હિન્દુઓને ધાર્મિક દમનથી બચાવવા બ્રિટિશ સરકાર તેમને એસાઈલમ ઓફર કરી નિર્વાસિતનો દરજ્જો આપશે કે કેમ તે પણ પૂછ્યું હતું. સીમા મલ્હોત્રા, પ્રીત ગિલ, વિરેન્દ્ર શર્મા, રુપા હક, રુથ કેબરી અને ટેન ધેસી સહિત છ સાંસદોએ બ્રિટનના ફોરેન સેક્રેટરીને આ મુદ્દે પત્ર લખ્યો હતો.
સાંસદ ધેસીએ ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે,‘અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં તાજેતરના સુસાઈડ બોમ્બ વિસ્ફોટમાં ૧૯ લોકોના મોત થયા હતા, જેમાં મુખ્યત્વે હિન્દુ અને શીખ કોમ્યુનિટીના હતા. મૃતકોમાં પાર્લામેન્ટમાં ચૂંટાયેલા એકમાત્ર શીખ સભ્ય અવતારસિંહ ખાલસાનો પણ સમાવેશ થયો હતો.’
મિનિસ્ટર ઓફ સ્ટેટ માર્ક ફિલ્ડે જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર નિયમિતપણે અફઘાન સરકાર સાથે માનવ અધિકારના મુદ્દાઓ ઉઠાવે જ છે. પોતાના દેશમાં દમન, અત્યાચાર અથવા ગંભીર જોખમ હોવાનું સ્થાપિત કરી યુકેમાં એસાઈલમ માગનારા તમામની વ્યક્તિગત ચકાસણી પછી જ તેમને નિર્વાસિત દરજ્જો અપાય છે.