અબુ ધાબીઃ BAPS હિન્દુ મંદિર દ્વારા વિશ્વભરની 20થી વધુ એમ્બેસીના ડિફેન્સ એટેચીસ, પરિવારો અને મહાનુભાવોને આમંત્રિત કરી ‘એકતા, વૈવિધ્યતા અને સંવાદિતા’ની અનોખી ઊજવણી કરવામાં આવી હતી. અબુ ધાબીના શાસકોની ઉદારતા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રયાસો થકી સર્જાયેલા હિન્દુ મંદિરે એક વર્ષ કરતાં ઓછાં સમયગાળામાં વિશ્વભરમાંથી 2 મિલિયનથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે.
આ ઊજવણીએ આંતરસાંસ્કૃતિક સમજ અને સહકારને વિકસાવવાના મંદિરની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરી હતી તેમજ વિશ્વભરની કોમ્યુનિટીઓ માટે આશા અને પ્રેરણાના પ્રતીક તરીકે સ્થાન હાંસલ કર્યું છે. ઈવેન્ટમાં ઉચ્ચસ્તરીય લશ્કરી પર્સોનેલ્સ તેમજ વિવિધ રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરનારા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાતી મિલિટરી એટેચીસમાં બેલ્જિયમ, કેનેડા, કોમરોસ આઈલેન્ડ, ઝેક રિપબ્લિક, ડેનમાર્ક, ઈજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ભારત, ઈટાલી, જાપાન, નેધરલેન્ડ્સ, કોરિયા, મોઝામ્બિક, ટન્ઝાનિયા, સર્બીઆ, સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોના અધિકારીઓ સામેલ હતા. આ બાબત આંતરસાંસ્કૃતિક સંવાદ અને સમજને પ્રોત્સાહિત કરવામાં મંદિરની સમર્પિતતાનું મહત્ત્વ સમજાવે છે.
BAPS બોર્ડના સભ્યો અને વોલન્ટીઅર્સે ડેલીગેટ્સનું પરંપરાગત પુષ્પહાર અને ગુલાબ સાથે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું અને હૃદયસ્પર્શી ઈવેન્ટનો માર્ગ મોકળો બન્યો હતો. મંદિરના પવિત્ર વાતાવરણ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ના શક્તિશાળી સંદેશાએ આ નોંધપાત્ર પ્રસંગની પશ્ચાદભૂ તરીકે કામ કર્યું હતું.
પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 1997ની ઐતિહાસિક પ્રાર્થનાના પ્રતીક સ્વરૂપ પ્રાર્થનાખંડની ડેલીગેટ્સે મુલાકાત લીધી હતી. આ સ્થળ મંદિરના મૂળ સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. મુલાકાતી ડેલીગેટોએ વિશ્વશાંતિ અને અન્ય લોકોના કલ્યાણ અર્થે નિઃસ્વાર્થ પ્રાર્થના પણ કરી હતી.