અબુ ધાબીઃ રવિવાર 16 ફેબ્રુઆરી 2025ના દિવસે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય ઊજવણી UAEની નેતાગીરી, કોમ્યુનિટીના નેતાઓ અને ભક્તોની હાજરી સાથે એકતા, સેવા અને આસ્થાના વર્ષ ધ યર ઓફ કોમ્યુનિટી સાથે કરવામાં આવી હતી. આ ઈવેન્ટના પેટ્રન મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહયાન મબારક અલ નાહયાન આ પ્રસંગમાં હાજરી આપવા સીધા જ પોર્ટુગલથી આવ્યા હતા. તેમની સાથે પ્રેસિડેન્શિયલ કોર્ટના સ્પેશિયલ એફેર્સ એડવાઈઝર શેખ મોહમ્મદ બિન હમાદ બિન તાહનૂન અલ નાહયાન તથા 450 પ્રતિષ્ઠિત મહાનુભાવો, એમ્બેસેડર્સ, સરકારી અધિકારીઓ અને ધર્મનેતાઓ પણ જોડાયા હતા.
શાહી પરિવાર, મિનિસ્ટર્સ અને યુએઈ નેતાગીરીના 20થી વધુ સભ્ય ઉપસ્થિત હતા. આ ઉપરાંત, 300 કોમ્યુનિટી લીડર્સ અને હજારો ઉપસ્થિતોએ ઊજવણીમાં ભાગ લીધો હતો. આ વિશિષ્ટ પ્રસંગ માટે 2000થી વધુ લોકોની ઉપરાંત, મંદિરે 11,000 મુલાકાતીઓને આવકાર્યા હતા. આમ, BAPS હિન્દુ મંદિરમાં કુલ મુલાકાતીની સંખ્યા 13,000થી પણ વધુ રહી હતી.
‘મંદિરઃ ધ હાર્ટ ઓફ કોમ્યુનિટી’ના ટાઈટલ સાથેનો પ્રોગ્રામ 4:30 PMએ શરૂ થયો હતો જેમાં મંદિરની નોંધપાત્ર અસરોની ઊજવણી અર્થે વિવિધ સેક્ટરના અગ્રણીઓ, કોમ્યુનિટી વિઝનરીઓ અને ઈન્ડસ્ટ્રીઝના પ્રણેતાઓ આવી પહોંચ્યા હતા. આ મહાનુભાવોએ મંદિરને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉપસ્થિત મહાનુભાવોમાં યુએઈસ્થિત ભારતીય રાજદૂત સંજય સુધીર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મુઘીર ખામિસ અલ ખલિલી, અબુ ધાબી પોલીસના કમાન્ડર ઈન ચીફ જનરલ અહમદ સૈફ બિન ઝૈતુન અલ મુહાઈરીનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, આસ્થા, સંવાદિતા અને સેવાના બંધનને મજબૂત બનાવવામાં મંદિરની ભૂમિકાને બિરદાવવા યુએઈ અને વિશ્વભરમાંથી સંખ્યાબંધ અગ્રણી પ્રભાવશાળી વ્યક્તિત્વો પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો આરંભ ગત વર્ષ દરમિયાન મંદિરની નોંધપાત્ર સિદ્ધિઓ દર્શાવતા વીડિયોઝ સાથે કરાયો હતો. આ પછી, મિનિસ્ટરશેખ નાહયાન મબારક અલ નાહયાને સંબોધન કર્યું હતું. તેમણે એકતા, સંવાદિતા, સાંસ્કૃતિક સમજ અને દ્વિપક્ષી સંબંધોના વિકાસમાં મંદિરની પ્રચંડ અસર અને મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આસ્થા અને સેવાની દીવાદાંડી તરીકે મંદિરની ભૂમિકા વિશે જણાવતા કહ્યું હતું કે આ અદ્ભૂત મંદિર છે જે કોમ્યુનિટીને નજીક લાવી રહ્યું છે.
કાર્યક્રમને મંદિર દ્વારા અપનાવાયેલા મૂલ્યોને પ્રદર્શિત કરતા 6 વિશિષ્ટ સેગમેન્ટ્સમાં વહેંચી દેવાયો હતો. પ્રથમ સેક્શન ગ્લોબલ કોમ્યુનિટીનું હતું જેનું નેતૃત્વ ખાસ દિલ્હીથી હાજરી આપવા પધારેલા ભારતીય રાજદૂત સંજય સુધીરે કર્યું હતું. તેમમે ભારત-યુએઈના સંબંધોમાં મંદિરના મહત્ત્વની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ઈન્ટરફેઈથ હાર્મની સેગમેન્ટમાં યુએઈમાં બોહરા મુસ્લિમ કોમ્યુનિટીના અગ્રણી બિઝનેસમેન મુફાદ્દાલ અલીએ સમાવેશિતાના મંદિરના મૂલ્યે તેમને સૌથી વિશાળ 3D-પ્રિન્ટેડ વોલના દાનની પ્રેરણા આપી હોવા વિશે જણાવ્યું હતું. કોમ્યુનિટી વેલ્યુઝ સેગમેન્ટમાં ઝૂબિન કાકારીઆએ મંદિર કેટલી સહેલાઈથી કોમ્યુનિટી અને બાળકોમાં અનંત મૂલ્યોનો પ્રસાર કરે છે તેના વિશે જણાવ્યું હતું. ઈનર સ્ટ્રેંગ્થ સેગમેન્ટમાં ઉભરતા ટેનિસ સ્ટાર હર્ષ પટેલે તેની યાત્રામાં મંદિરે પવિત્ર વાતાવરણ અને આધ્યાત્મિક જ્ઞાન થકી માનસિક સ્પષ્ટતા, ફોકસ અને ધીરજના ગુણ પૂરાં પાડ્યા હોવાનું જણાવ્યું હતું. ફેઈથ સેગમેન્ટમાં BAPS હિન્દુ મંદિરમાં ગેસ્ટ સર્વિસીસના વડા અને પૂર્વ ઈન્ટરનેશનલ ઈન્સ્પેક્ટર ઓફ સ્કૂલ્સ ઉમેશ રાજાએ મંદિર કેવી રીતે આસ્થાને મજબૂત બનાવતું આશ્રયસ્થાન બની ગયું છે અને તેનાથી માત્ર ભાવિકજનો જ નહિ, હજારો મુલાકાતીઓને પણ આધ્યાત્મિક સમૃદ્ધિની લાગણી સર્જાય છે તેના વિશે જણાવ્યું હતું.
અંતિમ સેગમેન્ટ ઈનર હેપીનેસમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે આરંભે જ મંદિર માટે જગ્યાની ફાળવણી જ નહિ, ખુલ્લા દિલે આવકારવા બદલ યુએઈની નેતાગીરી પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સમર્પણ અને ઉદારતા દાખવવા બદલ વોલન્ટીઅર્સ અને દાતાઓનો આભાર માન્યો હતો. તેમણે ગત વર્ષમાં મંદિરની પ્રચંડ અસર વિશે જણાવી 2.2 મિલિયન મુલાકાતીઓને આવપકાર અને 1.3 મિલિયન મફત ભોજન પીરસાયા, 1000 ધાર્મિક વિધિઓ અને 20 લગ્નો યોજાયા હોવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મંદિરની સિદ્ધિ આંકડામાં નથી પરંતુ, લોકોને નિકટ લાવવા, મૂલ્યોનો વિકાસ અને આનંદના પ્રસારમાં રહેલી છે. તેમણે કહ્યું હતું કે બાળક એક વર્ષનું થાય ત્યારે પ્રથમ ડગલું ભરે છે તેમ આ મંદિરે પણ ચાલવાની શરૂઆત જ કરી છે. આગામી વર્ષે બે વર્ષ થશે ત્યારે તે બોલવા પણ લાગશે અને વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને ખુશીનો સંદેશો પ્રસરાવશે.